બેદરકારતંત્ર:નવસારીમાં નીરજ ચોપરા જેવા રમતવીર તૈયાર કરવા હજુ સુધી જિલ્લા કક્ષાનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ જ બનાવાયું નથી

નવસારી2 વર્ષ પહેલાલેખક: ભદ્રેશ નાયક
  • કૉપી લિંક
  • જિલ્લા કક્ષાએ જ રમતવીરોને પૂરતી સુવિધા મળે તે માટે સરકારે વર્ષોથી ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યોજના બનાવી છે
  • જલાલપોર તાલુકાના અબ્રામામાં ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે 12.5 એકર જગ્યા ફાળવાયાને ઘણો સમય થયો પણ હજુ કામ શરૂ થયું નથી

જિલ્લાઓમાં રમતગમતને પ્રોત્સાહન આપવા સરકારે દરેક જિલ્લાઓમાં ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવાની યોજના જાહેર કરી છે પણ અહીંના નવસારી જિલ્લામાં એક યા બીજા કારણે જમીન ફાળવાય છતાં કોમ્પ્લેક્સ બન્યું જ નથી. હાલમાં જ પૂર્ણ થયેલ ટોકિયો ઓલિમ્પિકમાં ભારતના નીરજ ચોપરાને એથ્લેટિક્સમાં પ્રથમવાર ગોલ્ડ મળ્યો છે,જે હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે અને સરકાર વધુ મેડલ માટે વધુ પ્રોત્સાહન આપે તેવી માંગ પણ બળવત્તર બની છે. નવસારી જિલ્લામાં પણ રમતવીરો માટે સુવિધા વધુ અપાઈ તો સારા રમતવીર બહાર આવે એમ છે.

મળતી માહિતી માટે સરકારે રમતવીરો માટે જિલ્લાકક્ષાએ સુવિધા મળે તે માટે ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની યોજના બનાવી છે, જે અંતર્ગત રાજ્યના અનેક જિલ્લાઓમાં આવા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બન્યાં છે અને હાલ બની પણ રહ્યાં છે. જોકે દુઃખની વાત એ છે કે અહીંના નવસારી જિલ્લામાં આવું જિલ્લા રમતગમત સંકુલ બનવાની શરૂઆત પણ થઈ નથી.

આ અંગે સરકારી રમતગમતના સૂત્રો મુજબ જલાલપોર તાલુકાના અબ્રામા ગામે સરકારે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા અંદાજે 12.5 એકર જગ્યા ફાળવી જ છે પણ ત્યાં એક યા બીજા કારણે હજુ કામ શરૂ કરાયું જ નથી. આમ તો કોમ્પ્લેક્સ માટે 14 એકર યા તેથી વધુ જગ્યાની ડિમાન્ડ હોય છે અને જિલ્લા મથક નજીક હોય તેને અગ્રતાક્રમ અપાય છે.

બોલો, ડાંગ જિલ્લામાં પહેલા બની ગયું
નજીકના ડાંગ જિલ્લામાં ‘ડિસ્ટ્રીકટ સ્પોર્ટસ કોમ્પલેક્સ’ બની ગયું છે. આ સંકુલ રાજ્યના ગિરિમથક સાપુતારામાં બન્યું છે અને તેનો લાભ પણ રમતવીરો લઈ રહ્યાં છે. જોકે ડાંગથી અનેકગણા મોટા નવસારી જિલ્લામાં આ સુવિધા નથી.

ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ સંકુલમાં રમતવીરોને અનેક સુવિધા પ્રાપ્ત થઇ શકે છે
આમ તો નવસારીમાં પાલિકાનું સ્પોર્ટસ કોમ્પલેક્સ છે, પરંતુ તે જિલ્લા કક્ષાનું મોટુ નથી અને તેમાં વધુ સુવિધાઓ મળી શકે એમ નથી. મળતી માહિતી મુજબ જિલ્લા કક્ષાના ‘ડિસ્ટ્રીક્ટ સ્પોર્ટસ કોમ્પલેક્સ’ માટે સરકાર અંદાજે 24થી 25 કરોડ રૂપિયા ફાળવે છે, જેમાં હોસ્ટેલ, સ્વિમિંગ પુલ, એથ્લેટીક્સ ટ્રેક સહિતની ઘણી સુવિધાઓ હોય છે, જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રમતવીરો તૈયાર કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સારા કોચ પણ મળી શકે છે. જિલ્લા કક્ષાના સ્પોર્ટસ સંકુલ ઉપરાંત તાલુકા સ્પોર્ટસ સંકુલની પણ યોજના છે. નવસારી જિલ્લામાં આવા તાલુકા સંકુલ પણ હજુ સુધી બની શક્યા નથી. હાલ જ્યારે સમગ્ર દેશમાં રમતવીરોને વધુ સુવિધા આપી પ્રોત્સાહન આપવાની લાગણી બ‌ળવત્તર બની છે ત્યારે નવસારીમાં ‘જિલ્લા રમતગમત સંકુલ’ બનાવવા ઝડપ કરાય એ જરૂરી છે અને એવી રમતવીરોની લાગણી પણ છે.

લુન્સીકૂઈ પણ પૂર્ણ સમયનું મેદાન રહ્યું નથી
જિલ્લા મથક નવસારીમાં રમતગમત માટે લુન્સીકૂઈનું મેદાન છે. આ મેદાનનો પણ પૂર્ણત: ઉપયોગ રમતગમત માટે જ થતો નથી. ચોમાસામાં તો અહીં ઘાસ ઉગી નીકળતા ‘ગૌચર’ જેવું બની જાય છે. આ સિવાય પણ શિયાળા-ઉનાળામાં પણ રમત સિવાયની પ્રવૃત્તિ મેદાન ઉપર થાય છે. થોડા વર્ષ અગાઉ તો પ્રદર્શનો, જાહેરસભાઓ, મેળા વગેરે ખૂબ જ આવતા થઈ ગયા હતા. જોકે તેનો ભારે વિરોધ થતા રમતગમત સિવાયની પ્રવૃત્તિ ઘટી જરૂર છે, પણ બંધ થઈ નથી. લુન્સીકૂઈના મેદાનની જાળવણી પૂરતી થતી નથી.

અન્ય સમાચારો પણ છે...