તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જાહેરનામુ:73 દિવસ બાદ નવસારીમાંથી રાત્રિ કરફ્યૂ ઉઠાવાયો

નવસારી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના કેસો વધતા નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં 28 એપ્રિલથી રાત્રિ કરફ્યૂ મુકાયો, જે હાલ સુધી અમલી રહ્યો
  • જિલ્લામાં કોરોનાનું સંક્રમણ ઘટતા વહીવટી તંત્રને રાહત, નવું જાહેરનામુ બહાર પડાયું જેમાં દુકાનોને પણ હવે વધુ સમય ફાળવાયો

નવસારી શહેરમાં 73 દિવસ બાદ શનિવાર રાત્રિથી કરફ્યૂ મુક્તિ મળશે અને શહેર રાત્રે પણ ધમધમશે. એપ્રિલ મહિનામાં કોરોનાના કેસ વધતા સરકારે 28 એપ્રિલથી નવસારી શહેર (સમગ્ર નવસારી વિજલપોર પાલિકા વિસ્તાર)માં રાત્રિ કરફ્યૂ મુકવામાં આવ્યો હતો. શરૂઆતમાં કરફ્યૂ રાત્રે 8 થી સવારે 6 સુધી મુકવામાં આવ્યો હતો, બાદમાં હાલ સમય ઘટાડી રાત્રે 9થી સવારે 6 સુધી જ કરાયો હતો.

કરફ્યૂને લઈ લગભગ અઢી મહિનાથી શહેરમાં રાત્રે ચહલપહલ બંધ જ થઈ ગઈ હતી. હવે કોવિડની બીજી લહેર શાંત થઈ જતા તંત્રે નિર્ણય બદલ્યો છે. સરકારની ગાઈડલાઈન મુજબ શુક્રવારે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામુ 10 જુલાઈ સવારથી 20 જુલાઈ સવાર સુધીનું છે, જેમાં મહત્વનો નિર્ણય રાત્રિ કરફ્યૂ અંગે લેવાયો છે.

28 એપ્રિલથી અમલી રાત્રી કરફ્યૂ 10 જુલાઈને શનિવારથી ઉઠાવી લેવાયો છે. જેને લઈને હવે રાત્રિએ પણ અવરજવર વધશે. દુકાન વગેરે માટેનો સમય અગાઉ જે નિર્ધારીત હતો તે પણ નવા જાહેરનામામાં કાઢી નાંખવામાં આવ્યો છે.

જિલ્લામાં પુન: ટ્યૂશન કલાસ ખુલશે પણ...
સરકારે જ્યાં 73 દિવસ બાદ નવસારી શહેરમાંથી રાત્રિ કરફ્યૂ ઉઠાવી લેવાનો નિર્ણય લીધો છે ત્યાં બીજો એક નિર્ણય શિક્ષણ જગત માટે લીધો છે. ટ્યૂશન-કોચિંગ કલાસો જે ઘણાં સમયથી બંધ હતા તે પણ જિલ્લામાં સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા વિદ્યાર્થી સાથે બેચવાઈઝ ખોલવાનો નિર્ણય લેવાયો છે. જોકે, બધા ટ્યૂશન કલાસો ખુલવાની મંજૂરી અપાઇ નથી. કેટલીક કક્ષાને જ મંજૂરી અપાઇ છે.

હવે મહત્તમ છૂટછાટો પણ બીચો બંધ
જિલ્લામાં હવે મહત્તમ છૂટછાટો આપી દેવામાં આવી છે. જોકે, અહીંના બે મુખ્ય બીચ દાંડી અને ઊંભરાટને ખોલવાનો નિર્ણય લેવાયો નથી. ઊંભરાટના સરપંચની રજૂઆત બાદ દાંડીના સરપંચે પણ બીચ ખોલવા રજૂઆત કર્યાનું જાણવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, નજીકના સુરતનો ડુમસ બીચ ખોલી દેવામાં આવ્યો છે.

વેક્સિનની મુદત 31 જુલાઇ કરાઇ
નવસારી જિલ્લામાં આવેલી દુકાન, લારીગલ્લા સહિતના ધંધાકીય સ્થળો વગેરેમાં કાર્યરતોને 10મી જુલાઈ સુધીમાં વેક્સિનનો પ્રથમ ડોઝ લેવાનો અગાઉ આદેશ થયો હતો. જોકે છેલ્લા અનેક દિવસોમાં વેક્સિનના અપૂરતા ડોઝ આવતા અને રસીકરણ બંધ પણ રહેતા ઘણાં લોકો વેક્સિન લઈ શક્યાં નથી. આ સ્થિતિને ધ્યાને લઈ હવે પહોલો ડોઝ લેવાની મુદત 31 જુલાઈ કરવામાં આવી છે. મુદત વધતા વેક્સિન માટેની લોકોની દોડધામ પણ હવે ઘટશે.

સ્વિમિંગ પુલ, સ્પા બંધ
આમ તો હવે ઘણી છૂટછાટ આપી દેવામાં આવી છે પરંતુ હજુ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જ રખાઈ છે. આ ઉપરાંત વોટરપાર્ક, સ્પા, સ્વિમિંગ પુલ બંધ જ રહેશે.

હવે મહત્તમ છૂટછાટો પણ બીચો બંધ
જિલ્લામાં હવે મહત્તમ છૂટછાટો આપી દેવામાં આવી છે. જોકે, અહીંના બે મુખ્ય બીચ દાંડી અને ઊંભરાટને ખોલવાનો નિર્ણય લેવાયો નથી. ઊંભરાટના સરપંચની રજૂઆત બાદ દાંડીના સરપંચે પણ બીચ ખોલવા રજૂઆત કર્યાનું જાણવા મળે છે. અહીં ઉલ્લેખનીય છે કે, નજીકના સુરતનો ડુમસ બીચ ખોલી દેવામાં આવ્યો છે.

સિનેમાની મંજૂરી પણ ખુલ્યાં નહીં
આમ તો 15 દિવસ અગાઉ જ નવસારી જિલ્લામાં આવેલા સિનેમાઓને પણ 50 ટકા કેપેસિટી સાથે ખોલવાની મંજૂરી આપી દેવાઈ હતી. જોકે હજુ સુધી ખુલ્યાં નહીં. હવે 60 ટકા કેપેસિટીને મંજૂરી અપાઈ છે પરંતુ થોડા દિવસો બાદ ખુલનાર હોવાનું લક્ષ્મી સિનેમાના સંચાલક મુકેશ દેસાઈએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે, સવા વર્ષથી શહેરના સિનેમા ઘર બંધ રહેતા સિનેમા ઉદ્યોગ મુશ્કેલીમાં મૂકાયો છે.

મનોરંજન સ્થળ, લગ્નમાં વધુ છૂટછાટ અપાઇ
સિનેમા સહિતના મનોરંજન સ્થળો 50 ટકાની જગ્યાએ હવે 60 ટકાની કેપેસિટીમાં ચાલુ રાખી શકાશે. લગ્નો ખુલ્લા યા બંધ સ્થળોએ મહત્તમ 100ની જગ્યાએ હવે 150ની મંજૂરી અપાઇ. વધુ વ્યક્તિની મંજૂરી મળતા લોકોને રાહત મળી છે.

અન્ય સમાચારો પણ છે...