વાહનચાલકોને મળશે રાહત:નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં સાડા પાંચ કરોડના ખર્ચે નવા રસ્તા અને હયાત માર્ગોનું રિકાર્પેટીંગ કરાશે

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે ધારાસભ્યની હાજરીમાં રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામા આવ્યું

નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં ચોમાસામાં મોટા ભાગના રોડ રસ્તાઓ તૂટી ગયા હતા. મેઘરાજાએ વિરામ લેતા દશેરાથી વિકાસલક્ષી કામોનું મુહૂર્ત પાલિકાએ કાઢતા નારિયેળ વધેરી ધારાસભ્યોની હાજરીમાં શુભારંભ કરવામાં આવ્યો છે. 14 મા નાણાપંચની ગ્રાન્ટ અંતર્ગત 2 કરોડ 14 લાખથી વધુના ખર્ચે નવસારી શહેરનાં તીઘરા વાડી પાસે આવેલ નવકાર રેસીડન્સી, લુન્સીકુઈ વિસ્તારમાં પુષ્પવિહાર રેસિડેનસી અને ઘેલખડી વિસ્તારમાં ભીમજી કોમ્પલેક્ષ ખાતે આંતરિક રસ્તા નિર્માણ સાથે અન્ય શેરીઓના રસ્તાઓ રીકાર્પેટીંગ કરવામાં આવશે.

આ ઉપરાંત નવસારી-વિજલપોર શહેરના અનેક વિસ્તારોમાં કુલ સાડા પાંચ કરોડનાં ખર્ચે ડામર રસ્તા બનાવવાની ખાતમુહૂર્ત વિધિમાં શ્રીફળ વધાવી કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ ભુરાભાઈ શાહ, પાલિકા બાંધકામ સમિતિના ચેરમેન જગદીશ મોદી સાથે નગર સેવકો તથા શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. નવસારી શહેરમાં દશેરાના દિવસથી નવા રોડ બનાવવાની શરૂઆત કરાઈ હતી. જે રોડના કામોમાં ભ્રષ્ટાચાર ના થાય અને ટેન્ડર પ્રમાણે ગુણવત્તા પ્રમાણે કામો થાય એ માટે વૉર્ડ નંબર 13 ના ભાજપ ના જ નગરસેવિકાએ થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન ની માગણી કરી છે, એટલું જ નહીં પરંતુ આ ચકાસણી સરકારી અથવા અર્ધસરકારી એજન્સી પાસે થાય અને એનો ખર્ચ પણ પોતે ઉઠાવવા તૈયારી બતાવી છે.

નવસારી-વિજલપોર પાલિકા હદ વિસ્તારમાં ચોમાસાની મોસમમાં ઘણા રોડ તૂટી ગયા છે. કેટલાક રોડ થોડા જ તૂટ્યા છે,તો કેટલાક રોડની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. રોડ બિસમાર થતા લોકોમાં ચર્ચાનો વિષય પણ બન્યો હતો. હવે પાલિકાએ શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસ ના કામોના શ્રી ગણેશ કર્યા છે અને શહેરમાં રસ્તા બનાવવાની શરૂઆત દશેરા ના દિવસે શરૂ કરી દીધા છે. દશેરાએ નવસારીમાં તિઘરા વાડી નજીકની નવકાર રેસિડેન્સી નજીક અને જયશંકર પાર્ટીપ્લોટ નજીકની પુષ્પવિહાર રેસિડેન્સી નજીક રોડ બનાવવાની શરૂઆત થઈ છે.

ત્યારે આ જ વૉર્ડ ના ભાજપ ના નગરસેવિકા પ્રીતિ અમીને પાલિકામાં લેખિતમાં અરજી કરીને રોડ ના કામોમાં ભ્રષ્ટાચાર ન થાય એ માટે ટેકનિકલ સહાય ની માગણી કરી છે. નગરસેવિકાએ પાલિકાને કરેલી અરજીમાં જણાવ્યું છે કે નવસારી નગરપાલિકા ના વૉર્ડ નંબર 13 માં જેટલા પણ રોડ રસ્તા ના નવા કામો થવાના છે કે ચાલુ છે.એ તમામ કામો કોન્ટ્રાક્ટરે બરાબર નિયમ પ્રમાણે થાય એ માટે થર્ડ પાર્ટી ઇન્સ્પેકશન થવું જોઈએ અને એ ઇન્સ્પેકશન સરકારી અથવા અર્ધસરકારી એજેન્સી પાસે જ કરાવવા આવે એવી માંગ કરી છે.

તેમજ તેમણે એ પણ કહ્યું છે કે જે ઇન્સ્પેકશન નો ચાર્જ થશે એ પોતે ભોગવશે. આમ તો કોન્ટ્રાક્ટરો રોડ ના કામોમાં ગોબચારી કરતા હોય એવી ઘણી ફરિયાદો સાંભળવા મળી છે. પરંતુ નગરસેવીકા દ્વારા કરાયેલી માંગ કેટલી સફળ થશે એ જોવું રહ્યું..

અન્ય સમાચારો પણ છે...