હાલ સુધી ખેતીનો સંપૂર્ણ આધાર આબોહવા અને કુદરત પર રહેતો હતો. નવા યુગ સાથે નવી ટેકનોલોજીનો ઉપયોગ વધતાં કૃષિક્ષેત્ર પણ જમાના સાથે તાલ મિલાવી રહ્યું છે. હવે ‘ગ્રીન હાઉસ’ના કન્સેપ્ટથી ખેડૂતો પાકને વૈજ્ઞાનિક પદ્ધતિથી અનુકૂળ વાતાવરણ સર્જીને મબલખ પ્રમાણમાં ઈચ્છિત પાક મેળવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા પણ જગતનો તાત સમૃદ્ધ થાય તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જંગી ઉત્પાદન મેળવી આર્થિક રીતે પગભર બને એવા અવિરત પ્રયાસો કરાઇ રહ્યા છે.
નવસારી જિલ્લામાં ગ્રીન હાઉસથી ખેતી કરતા ખેડૂતોની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. તેનું કારણ છે ગ્રીનહાઉસ-નેટહાઉસ ખેતીથી નિંદામણના અને રોગ-જીવાતોના પ્રમાણમાં નોંધપાત્ર ઘટાડો તેમજ ઉત્પાદનમાં વધારો. સાથે સાથે પાણીના વપરાશમાં બચત અને મજૂરી ખર્ચમાં ઘટાડાનો પણ લાભ મળે છે. સાદી ભાષામાં કહીએ તો ગ્રીનહાઉસ ટેક્નોલોજી એટલે બંધ કવરમાં વાતાવરણ, તાપમાન અને ભેજ નિયંત્રણની સચોટ વ્યવસ્થા હેઠળ કરાતી નવા જમાનાની ખેતી.
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ખાનપુર ગામના ખેડૂત સુમનભાઈ શંકરભાઈ ગાવિત ખેતીમાં ગ્રીન હાઉસ ટેકનોલોજીથી શાકભાજીના ઉપયોગથી પ્લગ ટ્રેમા શાકભાજી જેવા કે મરચી, ટમેટી, રીંગણ, કારેલા, દુધી, કોબી, ફલાવર, વગેરે ઉછેરવાનું ચાલુ કરી પ્રથમ વર્ષે બે લાખ ગુણવત્તા સભર છોડ ઉછેરી આસપાસના 15થી 20 ગામના ખેડૂતોને પ્રતિ છોડ 1 રૂપિયાના ખર્ચે પુરા પાડ્યા હતા.
સુમનભાઈ જણાવ્યું કે વર્ષ-2021મા ખેડૂતોની માંગ વધતા આશરે છ લાખ જેટલા ધરુ ઉછેરને આશરે 30 ગામના ખેડૂતોને પુરા પાડ્યા. ધરુ ઉછેર માટે જગ્યા ઓછી પડતા વર્ષ 2021—22માં ફરી રાજ્ય સરકારની બાગાયત વિભાગ દ્વારા ચાલતી 500 ચો.મી. ની પ્લગ નર્સરી યોજનામા સહાય મેળવીને વધારે 500 ચો.મી.નુ પ્લાસ્ટિકનું ઘર બનાવ્યુ અને સાથે વર્ષ 2021—22મા મે પ્લગ નર્સરીની ટ્રે ભરવા અને રાખવા માટે બાગાયત વિભાગની એન.એમ.એસ.એ. યોજનામાંથી પેક હાઉસ બનાવવાની યોજનામાં સહાય મેળવી.
ગત વર્ષે વાંસદા તાલુકાના 7 અને તાપી જિલ્લાના 4 ખેડૂતે સરકારની સહાયથી પ્લગ નર્સરી બનાવી છે. આખા વર્ષમાં સુમનભાઈને ત્યાં આશરે 1200—1500 ખેડૂતો મુલાકાતે આવ્યા છે. જેમને બાગાયતી ખેતીથી શું વધારે ફાયદા થાય અને તે કેવી રીતે કરવી જોઇએ તે અંગે પણ માર્ગદર્શન પુરુ પાડ્યુ છે. સુમનભાઈ ગાવિતે સરકાર દ્વ્રારા મળેલ સહાયથી મળેલ લાભ વિશે કહ્યું કે વર્ષ 2020-21 આ ધરુ વેચાણથી 1 લાખની ચોખ્ખી આવક મળી હતી અને વર્ષ 21-22 માં 4 લાખની આવક મળી છે.
કોઇ ખેડૂત મિત્ર આ રીતે પ્લગ નર્સરીમાં ધરુ ઉછેર ચાલુ કરવા માંગતા હોય અને કાઈ માર્ગદર્શનની જરૂર હોય તો તેમની નર્સરીની મુલાકાત લઈ શકે છે. સુમનભાઈ ગાવિત જણાવે છે કે ખરેખર જેમણે સારી રીતે મહેનત કરવી છે તેઓ માટે સરકારની આવી લોકોપયોગી યોજનાઓ મદદરૂપ બને છે અને આવી યોજનાઓના લાભને કારણે ખેડૂત વધારે સાહસ કરી ઝડપથી આગળ વધી શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.