એસટીના કર્મચારીઓની બેદરકારી:નવસારી એસટી ડેપોમાં ડ્રાઇવર-કંડક્ટરની માસ્ક ન પહેરવાની બેદરકારી છતી થઈ, મેનેજર સામે પ્રશ્નો ઉભા થતાં નિયમોની અમલવારી કરાવી

નવસારી15 દિવસ પહેલા
  • ડ્રાઈવર-કંડક્ટરના માસ્ક ન પહેરીને બિન્દાસ રીતે નોકરી કરવાના દ્રશ્યો સામે આવ્યા
  • એસટી ડેપો મેનેજરે આ મામલે કડક પગલાં લેવાની ખાતરી આપી

નવસારી જિલ્લામાં દિનપ્રતિદિન કોરોના આ કેસમાં વધારો થઈ રહ્યો છે અને વહીવટી તંત્ર-આરોગ્ય તંત્ર પણ આ સમગ્ર મામલે ગંભીર બની જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. ત્યારે કેટલીક સરકારી કચેરીઓમાં જાહેરનામાનો યોગ્ય અમલ ન થતો હોવાનું સામે આવ્યું છે. જેમાં પ્રવાસીઓથી ઉભરાતા નવસારી એસટી ડેપોમાં પ્રવેશતા બસના કેટલાક ડ્રાઈવર માસ્ક ન પહેરીને બિન્દાસ રીતે નોકરી કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. વિવિધ જિલ્લાઓ અને આંતર-રાજ્ય બસમાં બેસી પ્રવાસ કરતા પ્રવાસીઓ જો સંક્રમિત હોય તો તેની અસર બસના કંડક્ટર, ડ્રાઇવર અને અન્ય પ્રવાસીઓને થવાની સંભાવના વધી છે. ત્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં બસ ચાલક બેદરકારીભરી રીતે માસ્ક પહેર્યા વગર નોકરી કરતા હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા.

ડેપો મેનેજરે નિયમોની અમલવારી કરાવી

આ સમગ્ર મામલે નવસારી એસટી ડેપોના મેનેજર સામે પ્રશ્નો ઉભા થતાં તેમણે આ સમગ્ર મામલે ગંભીર બેદરકારી હોવાનું સ્વીકાર્યું હતું. તેમજ તાત્કાલિક ડેપોના એનાઉન્સરને એસટી ડેપોના તમામ કર્મચારીઓ-પ્રવાસીઓને તાત્કાલિક જાહેરનામાનો અમલ કરવા અને સોશિયલ ડિસ્ટન્સ સાથે માસ્ક પહેરવા એનાઉન્સમેન્ટ કરવા હુકમ કર્યો હતો. હાલમાં કોરોનાને લઈને રાજ્યની સ્થિતિ ગંભીર બની છે અને જિલ્લા કક્ષાએ પણ પૂરતી તકેદારી રાખવા માટેના જાહેરનામા પ્રસિદ્ધ થઈ રહ્યા છે. તેવામાં સરકારી કર્મચારીઓ જ રાજ્ય સરકારના જાહેરનામાને ઘોળીને પી ગયા હોય તેમ નવસારી એસટી ડેપોમાં બેદરકાર બનેલા એસટીના ડ્રાઇવરો માસ્ક વગર ફરજ બજાવી રહ્યા છે. જેને પગલે એસટી ડેપો મેનેજરે આ મામલે કડક પગલાં લેવાની ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...