14મી નવેમ્બર એ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરૂનો જન્મદિવસ છે. નહેરૂ 1960ના અરસામાં જ્યારે વડાપ્રધાન હતા ત્યારે નવસારીની મુલાકાતે આવ્યા હતા. આ સમયે તેઓએ દાંડી સ્થિત પ્રાર્થના મંદિરનું ઉદઘાટન કરવા સાથે દુધિયા તળાવમાં વિશાળ જન સભા પણ સંબોધન કરી હતી. નહેરૂને જોવા ગામેગામથી બળદગાડા ભરી લોકો નવસારી આવ્યા હતા. આ સમયે અહીંની નવસારી પાલિકાના શાસકોએ શહેરના લોકોને પાણીનો પુરવઠો પૂરો પાડવા સિલોટવાડ વિસ્તારમાં બનાવેલ પાણીની ટાંકીનું ઉદઘાટન પણ નહેરૂ પાસે કરાવી દીધું હતું. લભગભગ 62 વર્ષ સુધી આ ટાંકીમાંથી શહેરીજનોને પાણી અપાયું છે. આજે પણ અપાય છે. જોકે, હવે સિલોટવાડ વિસ્તારમાં પાણીની નવી ટાંકી બનાવતા વર્ષો જૂની પાણીની ટાંકીને તોડી નાંખવાનો નિર્ણય અહીંની નગરપાલિકાએ લીધો છે.
મહેશભાઇ કોઠારી નહેરૂને નવસારી લાવ્યા હતા
મમતા મંદિરના સર્વેસર્વા અને એક સમયે કોંગ્રેસમાં પણ મોભાનું સ્થાન ધરાવતા મહેશભાઇ કોઠારીનો જવાહરલાલ નહેરૂના પરિવાર સાથે નજીકનો સંબંધ હતો. 1960ના અરસામાં પંડિતજીને કોઠારી જ નવસારી લાવ્યાનું કહેવાય છે. આ સમયે નહેરૂએ મહેશભાઇ કોઠારીના નાગરવાડ સ્થિત ઘરે જ ભોજન પણ લીધુ હતું. સમગ્ર મુલાકાત દરમિયાન મહેશભાઇ નહેરૂજીની સાથે જ રહ્યા હતા. આ સમયે પંડિત નહેરૂ સાથે કોંગ્રેસમાં તેમના સહયોગી એવા સ્વ. મોરારજીભાઇ દેસાઇ સહિતના અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.