બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર:નવસારીની પૂર્ણા નદી હજુ પણ ભયજનક સપાટીએ, જૂજ અને કેલિયા ડેમ ઓવરફલૉ થતા અનેક ગામોને એલર્ટ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 48 કલાકથી પૂર્ણા નદી ભયજનક સપાટીએ યથાવત
  • જૂજ ડેમમાંથી 84.65 ક્યુસેક અને કેલિયા ડેમમાંથી 743.00 ક્યુસેક પાણી છોડાયું

નવસારીમાં છેલ્લા ચાર દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને પૂર્ણા નદી ભયજનક સપાટીએ વહી રહી છે. નદીઓમાં પૂરના કારણે શહેરનો 30 ટકાથી વધુનો હિસ્સો પાણીમાં ગરકાવ થયો હતો. પૂર્ણા નદીના પાણી શહેરમાં ફરી વળતા બે હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે જૂજ અને કેલિયા ડેમ ઓવરફલૉ થતા 23 ગામોને એલર્ટ કરાયા છે.

પૂર્ણાના જળસ્તર યથાવત
નવસારી શહેરમાંથી વહેતી પૂર્ણ નદીની વાત કરવામાં આવે તો તેની ભાયજનક સપાટી 23 ફુટ છે અને નદી હાલ 23 ફૂટે વહી રહી છે. અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફૂટ છે તે હાલમાં 19 ફૂટે વહી રહી છે અને કાવેરી નદીની ભય જનક સપાટી 19 ફૂટ છે, તે હાલમાં 12 ફૂટે વહી રહી છે. જેથી માત્ર પૂર્ણા નદીમાં જ પૂરની સ્થિતિનો ભય યથાવત રહેવા પામ્યો છે.

ડેમની સ્થિતિ પર નજર
નવસારી જિલ્લાની જીવા દોરી સમાન જૂજ અને કેલિયા ડેમ ઓવરફલૉ થયા છે. જૂજ અને કેલિયા ડેમ 100% ભરાઈ જતા ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. જૂજ ડેમ ઓવરફ્લો થતાં કેચમેન્ટ વિસ્તારમાં આવતા 17થી વધુ ગામોને તો કેલિયા ડેમ ઓવરફ્લો થતા વાંસદા, ગણદેવી અને ખેરગામ તાલુકાના કુલ 23 ગામોને એલર્ટ કરાયા છે. હાલ જૂજ ડેમમાંથી 84.65 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. કેલિયા ડેમમાંથી 743.00 ક્યુસેક પાણી કાવેરી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. હાલ જૂજ ડેમની સપાટી 167.55 મીટર, તો કેલીયા ડેમની સપાટી 113.50 મીટર સુધી પહોંચી છે.

અન્ય સમાચારો પણ છે...