મહિલાઓ હવે ઘર પૂરતી સિમિત નથી રહી, ઘર સાથે વ્યવસાયિક ક્ષેત્રમાં પણ મહિલાઓ આગળ વધી પોતાની શક્તિનો પરચો આપી રહી છે. નવસારીના જુનાથાણા સ્થિત મહિલા કર્મચારીઓ દ્વારા કાર્યરત પોસ્ટ ઓફિસ સફળતાના નવા શિખરો આંબી રહી છે.
આજે વિશ્વ મહિલા દિવસ છે અને દરેક ક્ષેત્રમાં આગળ મહિલાઓની નોંધ લેવાશે, પરંતુ રોજિંદી જિંદગીમાં ઘર અને ઓફિસમાં સક્ષમતાથી કામ કરતી મહિલાઓ ક્યાંક શુભેચ્છાઓ પાછળ રહી જાય છે. ત્યારે નવસારી પોસ્ટ વિભાગમાં 30થી વધુ વર્ષોથી જૂનાથાણામાં કાર્યરત સબ પોસ્ટ ઓફિસ બ્રાન્ચનું છેલ્લા 3 વર્ષથી મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવી રહ્યું છે. સબ પોસ્ટ માસ્ટર, બે ક્લાર્ક અને એક પેકર સહિત અહીં મહિલા એજન્ટોની સંખ્યા પણ વધુ છે. જ્યારે ગ્રાહકોમાં પણ મહિલાઓની સંખ્યા વધુ રહે છે. ત્રણ વર્ષમાં જુનાથાણા પોસ્ટ ઓફિસમાં ખાતેદારોની સંખ્યા 24860 પર પહોંચી છે. જ્યારે જિલ્લા કોર્ટ, જિલ્લા પંચાયત અને સરકારી કચેરીઓ નજીક હોવાથી રોજના 250 થી વધુ આર્ટિકલનું વેચાણ થાય છે. મહિલાઓ કર્મચારીઓના સહયોગ થકી સબ પોસ્ટ ઓફિસ પણ પ્રગતિના શિખરો સર કરી રહી છે, ત્યારે વિશ્વ મહિલા દિવસે ડાક અધિક્ષક દ્વારા જુનાથાણા સબ પોસ્ટ ઓફિસની મહિલા કર્મચારીઓની કામગીરીને બિરદાવી તેમને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
પોસ્ટ વિભાગ દ્વારા દરેક જિલ્લામાં એક મહિલાઓ દ્વારા સંચાલિત સબ પોસ્ટ બનાવવામાં આવી છે. જેમાં નવસારીમાં મહિલા ગ્રાહકો વધુ હોય એવી સબ પોસ્ટ ઓફિસ શોધવામાં આવી હતી અને ગત 1 જુલાઈ 2020 માં જૂનાથાણા સ્થિત સબ પોસ્ટ ઓફિસને મહિલા કર્મચારીઓ દ્વારા સંચાલિત કરવામાં આવી હતી. ત્યારથી જિલ્લાની 38.સબ પોસ્ટ ઓફિસોમાં મહિલા સબ પોસ્ટ ઓફિસ અગ્ર હરોળમાં રહી છે. ટપાલ વિભાગની કામગીરી 30 ટકા રહી છે, પરંતુ તેની સાથે સારા વ્યાજ દર મળવાને કારણે અહીં ગ્રહકો દ્વારા ખાતા પણ વધુ ખુલ્યા છે. 450 જેટલા વિધવા સહાયના એકાઉન્ટ કાર્યરત છે, જ્યારે 27 એજન્ટોમાંથી લગભગ 15 એજન્ટ મહિલા છે, જેમના સહયોગથી મહિલા કર્મચારીઓ પોતાના લક્ષ્યને આંબી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.