સુરતની કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપીને ગ્રીષ્મા કાંડમાં આરોપી ફેનીલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવતાં ચારેકોર ન્યાયતંત્રના આ નિર્ણયને આવકાર મળી રહ્યો છે. ત્યારે વડોદરામાં દુષ્કર્મ અને વલસાડમાં ભેદી સંજોગોમાં મળેલી નવસારીની યુવતીની લાશ મામલે હજુ પણ એ માતાના આંસુ સુકાઈ નથી રહ્યા. છેલ્લા છ મહિનાથી કેસ ન ઉકેલાતાં આખરે હતાશ થયેલી નવસારીની આ માતાએ મંત્રી હર્ષ સંઘવીને ન્યાય માટે ફરી એકવાર ગુહાર લગાવી છે.
ગુજરાત ક્વીનના ડબ્બામાંથી લાશ મળી હતી
3જી નવેમ્બર અને 2021ના રોજ વલસાડના ગુજરાત ક્વીનના ડબ્બામાંથી ભેદી સંજોગોમાં નવસારીની યુવતીની લાશ મળી હતી. જેને લઇને તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં વડોદરામાં યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પરંતુ આ સમગ્ર ઘટનાક્રમને 6 મહિના વિતવા છતાં પણ આ મામલે પોલીસને કોઈ નક્કર પુરાવા હાથ ન લાગતાં માતાએ હર્ષ સંઘવીને મળીને વહેલામાં વહેલી તકે આરોપીને પકડી પાડવા અપીલ કરી હતી. છતાં પણ આજ સુધી માતાને ન્યાય ન મળતાં તેમણે આજે ગ્રીષ્માનો ચૂકાદો આવ્યા બાદ ફરીવાર હર્ષ સંઘવીને પોતાની દીકરીને ન્યાય આપવાની માંગ કરી છે.
નવસારીની માતા ગ્રીષ્માના ચૂકાદાથી ખુશ
આજે જ્યારે ગ્રીષ્માને ન્યાય મળ્યો છે ત્યારે નવસારીની યુવતીની માતાને પણ આ ચુકાદાથી ખુશી મળી છે. પરંતુ પોતાની દીકરીને હજુ સુધી ન્યાય ન મળતાં આ માતાને પણ તેની દીકરીના આરોપીના પકડાવાની ખબર સાંભળવી છે. આ કેસમાં વડોદરા એલસીબી સહિત એટીએસ અને 15થી વધુ ટીમો કામ કરી રહી હતી. છતાં પણ કેસ આગળ ન વધતાં માતાએ પણ ગ્રીષ્માનો કેસ જે ગતિથી ચાલ્યો તે જ ગતિએ તેમનો કેસ પણ વહેલી તકે પૂર્ણ થાય અને આરોપીઓ જેલના સળિયા પાછળ ધકેલાય તેવી માંગ કરી છે.
બે દિવસ પહેલા એક રેકોર્ડિંગ મળી આવ્યું હતું
નોંધનીય છે કે બે દિવસ પહેલા મૃતક યુવતીના ફોનમાંથી એક કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું, જેમાં તે નોકરી માટે એક સંસ્થા સાથે વાત કરી રહી હોવાનું સામે આવ્યું હતું. આ રેકોર્ડિંગ બાદ મૃતકનાં માતાએ સવાલ ઉઠાવ્યો હતો કે જે યુવતી દિવસે નોકરી માટે વાત કરતી હોય તે રાત્રિના સમયે આત્મહત્યા કઈ રીતે કરી શકે? આમ આજે ગ્રીષ્માને ન્યાય મળતાં નવસારીની માતાએ પણ હર્ષ સંઘવી પાસે ન્યાયની ગુહાર લગાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.