વ્યાજના ચક્કરમાં જે પડે એની જીંદગી દોજખ બની જતી હોય છે. નવસારીના મરોલીનો મૂળ રાજસ્થાની પરિવારે ઘર બનાવવા 2 ટકા વ્યાજે લીધેલા 8 લાખના 11.10 લાખ ચૂકવ્યા બાદ પણ 4 લાખ રૂપિયા માટે પઠાણી ઉઘરાણી કરતા મરોલીના વ્યાજખોર મનોજ અગ્રવાલ સામે પીડિત જીજ્ઞેશ સોનીએ ફરિયાદ કરી ન્યાયના દ્વાર ખખડાવ્યા છે. પોલીસે આરોપીની ધરપકડ કરી હતી, જોકે તે જામીન પર ફરી ખુલ્લેઆમ ફરી રહ્યો છે.
પીડિત માનસિક રીતે ભાંગી પડતા મૃત્યુ પામ્યા
નવસારીના જલાલપોર તાલુકાના મરોલી મહૂવર ગામે મોહનલાલ કિરાણા સ્ટોર ચલાવતા સ્વ. મોહનલાલ સોનીએ ઘર બનાવવા માટે મરોલીનાં જ મનોજ ગિરધારીલાલ અગ્રવાલ પાસે 2 ટકા વ્યાજે 8 લાખ રૂપિયા લીધા હતા. મહિને વ્યાજ સાથે 16 હજાર રૂપિયાનું ભરતા મોહનલાલ 5થી 6 વર્ષ સુધી 9.60 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પણ મનોજ અગ્રવાલ દ્વારા તેમના ઉપર વ્યાજ સાથે મુદ્દલ રકમ માટે દબાણ કરવામાં આવી રહ્યુ હતુ. જેથી મોહનલાલે પોતાના ઘર ઉપર લોન લઈ મનોજને દોઢ લાખ રૂપિયા ચેકથી આપતા કુલ 11.10 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ વ્યાજ માટે સતત દબાણના કારણે મોહનલાલ માનસિક રીતે ભાંગી ગયો હતો અને એજ ચિંતામાં તેનું અવસાન થયુ હતું. જેથી મનોજ થોડો સમય શાંત રહ્યો હતો, પણ ફરી સ્વ. મોહનલાલની પત્નીને તેના બાકીના 4 લાખ રૂપિયા વ્યાજ સાથે ચૂકવી આપવા દબાણ કરવા લાગ્યો હતો.
આરોપી જામીન પર બહાર
બે દીકરા સાથે આટલી મોટી રકમ કેવી રીતે આપવી તે ચિંતાના કારણે તેઓ પણ બિમાર પડ્યા અને બ્લડ પ્રેશર સહિતની બિમારીઓ સપડાયા. જ્યારે તેના દિકરા જીગ્નેશે ભણવાનું છોડી દુકાને બેસવાનું શરૂ કર્યુ અને મનોજને 1500, 2 હજાર એવી રીતે મહિને રૂપિયા આપવા માંડ્યો હતો. આમ 27 હજાર રૂપિયા ચૂકવ્યા પણ નબળી આર્થિક સ્થિતિ સામે જીજ્ઞેશ પણ હારી રહ્યો હતો. બીજી તરફ મનોજ અગ્રવાલે ઘર વેચો અથવા ઘરેણાં વેચો પણ મારા રૂપિયા આપોની જીદ સાથે દબાણ કરતા અંતે હારીને જીજ્ઞેશ સોનીએ મરોલી પોલીસ મથકે મનોજ અગ્રવાલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે મનોજને પકડી પાડ્યો હતો. જોકે આરોપી વ્યાજખોર મનોજ અગ્રવાલનો જામીન પર છુટકારો થયો હતો.
વ્યાજખોર પતિ-પત્ની
વ્યાજખોરોના વિષચક્રમાં ભેરવાયેલા અનેક લોકોએ નવસારી જિલ્લાના પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં નવસારીના વિજલપોર વિસ્તારમાં રહેતા પ્રવિણ ડાભી પણ આવા જ એક વ્યાજખોર અશ્વિન પુરોહિત અને તેની પત્ની જ્યોતિ પુરોહિતની જાળમાં સપડાયા હતા. જેમાં પ્રવીણે 3 હજાર રૂપિયા માટે દિવસના 5 ટકા વ્યાજ આપવાનું નક્કી કર્યુ અને દોઢ વર્ષમાં 81 હજારથી વધુ રકમ પ્રવિણને પહોંચાડી હતી. દરમિયાન ફરી રૂપિયાની જરૂર પડતાં ટુકડે ટુકડે કુલ 18 હજાર રૂપિયા લીધા અને એના 90 હજાર 600 થી વધુ ચૂકવ્યા. તેમ છતાં મુદ્દલ બાકી રહેતા વ્યાજખોર અશ્વિન અને તેની પત્ની જ્યોતિ ધમકાવતા હોવાથી પ્રવીણે ન્યાયના દ્વાર ખખડાવ્યા અને પોલીસે તેની સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી. જોકે અશ્વિન પણ જામીન પર છૂટ્યો હતો.
વ્યાજના ધંધાને ડામવા અભિયાન
ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં ગેરકાયદે ચાલતા વ્યાજના ધંધાને ડામવા અભિયાન છેડ્યું છે. જેમાં નવસારી જિલ્લામાં પણ મોટાભાગના પોલીસ મથકોમાં વ્યાજખોરો સામે ફરિયાદો નોંધાવા પામી છે. ત્યારે આવનારા સમયમાં વ્યાજખોરોના ત્રાસની ફરિયાદોમાં વધારો થવાની સંભાવના જોવાઈ રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.