તકેદારી:નવસારીનો દરિયા કિનારો હવે ડ્રગ્સ મુદ્દે પણ સંવેદનશીલ

નવસારી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાને 52 કિલોમીટર લંબાઇનો દરિયા કિનારો સ્પર્શે છે છતાં ભૂતકાળમાં ડ્રગ્સ ઘુસાડવાની ઘટના ધ્યાન પર આવી નથી
  • સૌરાષ્ટ્ર, કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવાનું રેકેટ ઝડપાયા બાદ નવસારીના દરિયા કિનારે પણ વધુ તકેદારી રાખવી જરૂરી બની છે

ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી મોટા જથ્થામાં ડ્રગ્સ ઘુસાડવાનું રેકેટ પકડાયા બાદ હવે ગુજરાતમાં જ આવેલ નવસારી જિલ્લાનો દરિયા કિનારો પણ ડ્રગ્સ માટે સંવેદનશીલ બન્યો છે. હાલમાં થોડા દિવસોમાં જ ગુજરાતના દરિયા કિનારેથી ગેરકાયદે ડ્રગ્સ ઘુસાડવાની મોટી ઘટનાનો પર્દાફાશ થયો છે. જેમાં કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડાઈ રહ્યું છે. કચ્છના મુદ્રા પોર્ટ ઉપર તો અંદાજે 21 હજાર કરોડ રૂપિયાની કિંમતનો જથ્થો ઝડપાયો હતો. આ ઘટનાઓએ સાબિત કર્યું છે કે માફિયાઓ અને આતંકીઓ ગુજરાતના દરિયા કિનારેથી દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં સક્રિય છે.

ગુજરાતમાં માત્ર સૌરાષ્ટ્ર, કચ્છનો દરિયાકિનારો જ નથી, દક્ષિણ ગુજરાતનો દરિયા કિનારો પણ છે. અહીંના નવસારી જિલ્લાને પણ 52 કિલોમીટર લંબાઇ ધરાવતો દરિયાકિનારો છે. જિલ્લાના 2 તાલુકા જલાલપોર અને ગણદેવી તાલુકો દરિયા કિનારે આવેલા છે. ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવાનું રેકેટ ઝડપાતા ગુજરાતનો જ નવસારી જિલ્લાનો દરિયા કિનારો ડ્રગ્સ માટે સંવેદનશીલ બન્યો છે. જોકે ભૂતકાળમાં જિલ્લાના દરિયા કિનારેથી ડ્રગ્સ ઘુસાડવાની કોઈ ઘટના ઝડપાઇ નથી.

ડ્રગ્સ તો નહીં અગાઉ દારૂ ઘૂસાડાતો જરૂર પકડાયો છે
નવસારી જિલ્લામાં દરિયા કિનારેથી કોઈ આતંકી ઘટનાને અંજામ અપાયો નથી યા ડ્રગ્સ ઘૂસાડાયાની પણ ઘટના બહાર આવી નથી. જોકે અહીંના દરિયા કિનારેથી ગેરકાયદે દારૂ ઘૂસાડાઈ રહ્યાની જરૂરી બૂમરાણ છે. અવારનવાર દરિયા કિનારેથી દારૂ ઘૂસાડાતો પકડાઈ પણ ગયો છે. થોડા સમય અગાઉ જ ધોલાઈ મરીન પોલીસે હોડકા દ્વારા ઘૂસાડાતો દારૂ પકડી પાડ્યો હતો.

મુંબઇની આતંકી ઘટના બાદ નવસારીના દરિયા કિનારે ફિશરીશ ગાર્ડ મુકાયા
26 નવેમ્બર 2008માં મુંબઈમાં ભયાનક આતંકી ઘટના બની હતી. જેમાં પાકિસ્તાની આતંકવાદી કસાબ એક બોટ મારફત દરિયા માર્ગેથી મુંબઈમાં ઘૂસી ગોઝારી આતંકી ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનાને લઈ દરિયા કિનારેથી આતંકીઓ ભારતમાં પ્રવેશી શકે એ બાબત પ્રસ્થાપિત થઈ હતી. આ ઘટના બાદ નવસારીના દરિયા કિનારે પણ મત્સ્ય વિભાગ દ્વારા ‘ફિશરીશ ગાર્ડ’ મુકાયા, જે હાલ પણ છે. જિલ્લામાં વાંસી-બોરસી, કૃષ્ણપુર, ઓંજલ-માછીવાડ, ભાટ અને ધોલાઈ એમ 5 જગ્યાએ આવા ફિશરીશ ગાર્ડ મૂકવામાં આવ્યા છે. આ ગાર્ડો દરિયા કિનારે આવતી બોટોની અવરજવરની નોંધ રાખે છે, સલામતી, લાયસન્સ વગેરે પણ ચકાસતા હોવાની જાણકારી છે.

નવસારી જિલ્લા પોલીસ પૂરતી તકેદારી લે છે
આપણા દરિયા કિનારે મરીન પોલીસ, સાગર રક્ષક દળ ઉપરાંત જલાલપોર, ગણદેવી, મરોલી પોલીસ, બીલીમોરા પોલીસ પણ રેગ્યુલર પેટ્રોલિંગ કરે છે. થાણા અધિકારી રેગ્યુલર વિઝીટ લે છે, ફિશરમેન વોચગ્રુપની નિયમિત મિટીંગ લેવાય છે. શંકાસ્પદોનું ચેકિંગ કરાય છે. ભૂતકાળમાં ડ્રગ્સ લેન્ડીંગ થયાની ઘટના પણ બની નથી. - ઋષિકેષ ઉપાધ્યાય, પોલીસવડા, નવસારી જિલ્લા

અન્ય સમાચારો પણ છે...