સરકારની લીલીઝંડી બાદ ફફડાટ:નવસારીની 1 હાઇરાઇઝ કોમર્શિયલ બિલ્ડીંગ 4 નોટિસ બાદ સીલ , આગામી સમયમાં 21નો વારો

નવસારી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નવસારી-વિજલપોર પાલિકાની નોટિસની સતત અવગણના કરી કામગીરી પૂર્ણ નહીં કરનાર બિલ્ડીંગ સંચાલકો પર તવાઇ
  • શહેરની 91 બિલ્ડીંગોને પાલિકાએ નોટિસ ફટકારી છે, પરંતુ આજદિન સુધી કાર્યવાહી કરાઇ ન હતી હવે રાજ્ય સરકારની લીલીઝંડી બાદ ફફડાટ

નવસારી શહેરમાં આવેલી 22 જેટલી કોમર્શિયલ હાઇરાઇઝ બિલ્ડીંગને ફાયર સેફ્ટીની સુવિધા ઉભી કરવા માટે નવસારી-વિજલપોર પાલિકાએ નોટિસ પાઠવ્યાં બાદ શનિવારે પ્રભાકુંજ હાઈટસની બિલ્ડીંગને સીલ મારી દઇ પાલિકા સત્તાધિશોએ લાલ આંખ કરી છે. આગામી દિવસોમાં વધુ હાઇરાઇઝ બિલ્ડીંગ સીલ મરાય તેવી વાત ઉઠતા જ ફાયર સેફટીની કામગીરી નહીં કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. પાલિકા સત્તાધિશોએ ફાયર સેફ્ટી મુદ્દે આકરું વલણ દાખવી તથા 22 હાઇરાઇઝ જે કોમર્શિયલ બિલ્ડીંગો છે તે તમામને સીલ મારવામાં આવશે.

નવસારી-વિજલપોર પાલિકા વિસ્તારમાં આવતી અને ફાયર સેફ્ટી અંગે ધારાધોરણમાં ખરી નહીં ઉતરનાર કોમર્શિયલ સહિત 91 જેટલી હાઇરાઇઝ બિલ્ડીંગને નોટિસ અપાયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. રાજ્યમાં કેટલીક જગ્યાએ આગના ગંભીર બનાવ બન્યાં બાદ મામલો હાઈકોર્ટમાં ગયો હતો અને કોર્ટે કડક દિશાસૂચન આપ્યા હતા.

ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ નવસારી-વિજલપોર પાલિકાના સત્તાધિશો પણ હવે આકરા મિજાજમાં આવી ગયા છે અને તેનું શનિવારે ઉદાહરણ જોવા મળ્યું હતું. અગાઉ ચાર વખત ફાયર સેફ્ટી વ્યવસ્થા ઉભી કરવા નોટિસ આપવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરનારા કોમર્શિયલ પ્રભાકુંજ હાઈટ્સ બિલ્ડીંગમાં પાલિકા સત્તાધિશોએ સીલ મારી દેવાનો હુકમ કરી દીધો હતો.

જેને લઈને પાલિકાના કર્મચારીઓ પ્રભાકુંજ હાઈટ્સને સીલ મારી દીધુ હતું. અહીં અદાજે 20થી વધુ દુકાન આવેલી છે. નવસારી પાલિકાએ આકરુ વલણ દાખવી ઝડપથી ફાયર સેફ્ટીની શહેરમાં કામગીરી પૂર્ણ કરવા મેસેજ આપી દીધો હોય તેવું આ કાર્યવાહી ઉપરથી લાગી રહ્યું છે. આગામી દિવસોમાં વધુ 21 હાઇરાઇઝ બિલ્ડીંગને પણ સીલ મારવાની તજવીજ હાથ ધરાઇ છે.

જોકે આવી અન્ય 69 બિલ્ડીંગ સામે પાલિકા સત્તાધિશો કેવુ વલણ અપનાવે છે તે પણ જોવું રહ્યું. હાલમાં સ્ટેશન રોડ પર આવેલી પ્રભાકુંજ હાઇટ્સને સીલ માર્યા બાદ અન્યત્ર સીલ મરાશે કે કેમ તે પણ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

ઈન્કમટેક્સ ઓફિસને પણ નોટિસ આપી તાકિદ કરાઇ છે
નવસારી સ્થિત ઈન્કમટેક્સ ઓફિસમાં પણ પાલિકા સત્તાધિશોએનોટિસ ફટકારી વહેલી તકે ફાયર સેફ્ટી લગાવવા તાકિદ કરી હતી. જેને લઈ આગામી દિવસોમાં ત્યાં પણ કાર્યવાહીની શક્યતા છે એવી પણ મળતી માહિતી છે કે પાલિકાના કર્મચારીઓ બિલ્ડીંગ સીલ મારવા પહોંચ્યા હતા પરંતુ કોઈ બાબતને લઈને પરત થયા હતા. આગામી દિવસોમાં આ અભિયાન વધુ તેજ બનાવાય તેવી શક્યતા છે.

30 ટકા બિલ્ડીંગ ખખડધજ હાલતમાં છે ત્યારે ફાયર સેફ્ટી મુદ્દે પાલિકાનું મક્કમ વલણ
નવસારી-વિજલપોર શહેરમાં જે હાઇરાઇઝ બિલ્ડીંગોને નોટિસ પાઠવવામાં આવી છે તેમાં 30 ટકા બિલ્ડીંગ તો હાલ ખખડધજ હાલતમાં છે. આવા સંજોગોમાં બિલ્ડીંગ સંચાલકો અને પાલિકા તંત્ર વચ્ચે મોટી માથાકૂટ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. જોકે નવસારી-વિજલપોર પાલિકા તંત્ર દ્વારા આવા કિસ્સામાં કેવું વલણ દાખવાય છે તેના ઉપર પણ શહેરીજનોની નજર ઠરી છે.

2થી વધુ વખત નોટિસ છતાં કામગીરી ન કરતા પગલાં લેવાની ફરજ પડી
શહેરમાં આવેલી 22 હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી લગાવી પાલિકા પાસેથી તેનું એનઓસી સર્ટીફિકેટ મેળવી લેવા 2થી વધુ વખત નોટિસ આપવા છતાં કોમર્શિયલ બિલ્ડીંગમાં સંચાલકોએ ફાયર સેફટીની કાર્યવાહી કરી ન હતી. ઉચ્ચકક્ષાએથી આદેશ બાદ બપોર બાદ એનઓસી નહીં મેળવનાર બિલ્ડીંગ સીલ કરવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે. > જીગીશભાઇ શાહ, પ્રમુખ, નવસારી-વિજલપોર પાલિકા

અન્ય સમાચારો પણ છે...