નવસારી-વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર-6 ના વોટ્સએપ ગ્રુપમાં કેટલાક યુવાનોએ પોતાના વિસ્તારમાં કામ થયા નહીં હોય તે બાબતે 31મી ડિસેમ્બરે રાત્રિના સમયે પોતાનો રોષ ગ્રુપમાં ઠાલવી ગાળાગાળી કરી હતી. આ બાબતે ભાજપના અગ્રણીઓની જાણ કરતા બે યુવાનને ઠપકો આપ્યો હોવાની માહિતી મળી હતી.
નવસારી-વિજલપોર નગર પાલિકામાં ભાજપના 52 પૈકી 51 સભ્યો ચૂંટાયા છે. જેમાં સામાન્ય સભામાં કામો મંજૂર કરાયા બાદ કામો ક્યારે થશે એ બાબતે કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. 31મી ડિસેમ્બરના રોજ વોર્ડ નંબર-6ના ભાજપના ગ્રુપમાં બે મિત્રોએ તેમના વિસ્તારમાં વિકાસના કામો બાબતે નગરસેવકોની કામગીરી અને ચૂંટણી વખતે થયેલ ગુપ્ત ઘટનાઓ પણ શેર કરી દેતા અંદરોઅંદર બિભત્સ શબ્દો પણ વપરાયા હતા.
આ બાબતે મહિલા નગરસેવકો અને કાર્યકારોએ ભાજપના અગ્રણીઓને જાણ કરી હતી. તેઓએ ભાજપના આ બન્ને કાર્યકરને ખખડાવ્યા હોવાની માહિતી મળી છે. જોકે આ ઘટના બાદ ભાજપના કાર્યકરોમાં આંતરિક વિખવાદ છે તે સાબિત થયું હોવાની ચર્ચા નવસારી શહેરમાં ચાલી રહી છે.
બન્ને કાર્યકરોને ઠપકો આપ્યો છે
ભાજપ ના વોર્ડ નંબર 6 ના આઠ જેટલા ગ્રુપ છે.તે પૈકી જુનાથાણા વિસ્તાર ના ભાજપના ગ્રુપ માં બે મિત્રોએ તેમની વાત ગ્રુપ માં મૂકી હતી.જે બાબતે બને ને બોલાવી ને ઠપકો આપ્યો છે. > પરેશભાઈ પટેલ, નગર સેવક, વોર્ડ નંબર-6, નવસારી પાલિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.