ઉનાળો આવતા જ પાણીની બુમરાણ શરૂ થાય છે. ત્યારે નવસારી-વિજલપોર શહેરમાં 60 કરોડથી વધુ રૂપિયા ખર્ચ્યા બાદ પણ શહેરમાં 70 ટકા વિસ્તારોમાં પાણીની સમસ્યા હોવાના આક્ષેપ સાથે આજે નવસારી-વિજલપોર શહેર કોંગ્રેસે પાલિકાથી કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી. તેમજ શહેરીજનોને પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે એવી માંગણી સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.
નવસારી-વિજલપોર શહેર કોંગ્રેસે કરેલી રજૂઆતમાં જણાવાયું હતું કે નવસારી શહેરમાં કોંગ્રેસી શાસન સમયે શહેરને મીઠું પાણી આપવા 3.75 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી યોજના ભાજપના સાશનમાં જંગી વધારા સાથે 35 કરોડથી વધુની થઈ છે. જ્યારે વિજલપોર પાલિકામાં પણ વર્ષ 2009માં 18 કરોડની યોજના હતી, જેમાં પણ ઘણો વધારો થયો છે. બંને શહેરોની વાત કરીએ તો શહેરીજનોને પીવા માટે મીઠા પાણીની યોજના 60 કરોડથી વધુની થઈ છે. ત્યારે નવસારી-વિજલપોર શહેરના ઘણા વિસ્તારોમાં ઓછા દબાણે કે ડહોળું પાણી આવતું હોવાની ફરિયાદ છે.
વધુમાં જણાવાયું હતું કે વિજલપોરની પાણી યોજના વર્ષો વિત્યા બાદ પણ કાર્યરત નથી થઈ શકી. જેથી શહેરમાં ભાજપનું બે દાયકાઓથી રાજ હોવા છતાં અને પાણીમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ 70 ટકા વિસ્તારોમાં પાણી ન હોવાના આક્ષેપો સાથે નવસારી-વિજલપોર શહેર કોંગ્રેસે ધારાસભ્ય અનંત પટેલ અને અન્ય આગેવાનોની આગેવાનીમાં પાલિકાથી પોસ્ટર અને બેનર સાથે તેમજ નવસારીને પાણી આપો, નવસારીને ન્યાય આપો, જેવા નારાઓ સાથે રેલી કાઢી કોંગ્રેસે પાણી મુદ્દે પાણી દેખાડ્યું હતું.
સાથે જ શહેર કોંગ્રેસે ભાજપી કાર્યકરો પાણીનો વ્યવસાય કરતા હોવાથી શાસકો તેમને સપોર્ટ કરતા હોવાના આક્ષેપ પણ લગાવ્યા હતા. તેમજ પાણી યોજના મુદ્દે ભ્રષ્ટાચારનો આક્ષેપ કરી, તપાસ કરવા અને લોકોને પાણી મળી રહે એવી વ્યવસ્થા કરવાની માંગણી ઉચ્ચારી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.