કામગીરી:રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવા નવસારી વિજલપોર નગરપાલિકા ફરીથી એક્શનમાં, આજે 11 ભેંસોને પાંજરે પૂરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસ બંદોબસ્ત સાથે રસ્તે રખડતા ઢોરોને પકડવાની કામગીરી શરૂ કરાઈ
  • શહેરીજનો માટે રાહત, પરંતુ પાલિકાની કામગીરી સતત ચાલુ રહે તે જરૂરી

નવસારી વિજલપોર શહેરમાં રસ્તે રખડતાં ઢોરોનો ત્રાસ લગભગ કાયમી છે. પાલિકા દ્વારા ક્યારેક દેખાવ પૂરતી કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ફરી જૈસે થેની પરિસ્થિતિ સર્જાય છે. રસ્તે રખડતાં ઢોરોને પગલે અનેક વખત નાના-મોટા અકસ્માતો સર્જાતા રહે છે અને ભૂતકાળમાં કેટલાક ગંભીર અકસ્માતમાં લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.

હવે દિવાળીના તહેવારો નજીકમાં છે ત્યારે પાલિકા ફરી એક્શનમાં આવી છે. આજે નવસારી વિજલપોર નગરપાલિકાના માઈનોર વિભાગના સ્ટાફે પોલીસ બંદોબસ્ત સાથે કાલિયાવાડી વિસ્તારમાં રસ્તે રખડતી 11 ભેંસોની પકડીને પાંજરે પુરી હતી અને તેમને પાંજરાપોળ મોકલી હતી. નોંધનીય છે કે, કેટલાક ઢોરમાલિકો પણ માથાભારે છે. અગાઉ એક કિસ્સામાં ઢોરમાલિક પાંજરે પુરાયેલી પોતાની ગાયોને બળબજરીથી છોડાવી ગયા હતાં.

જેથી હવે પાલિકાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખીને રસ્તે રખડતાં ઢોરોને પકડવાની કામગીરી પાર પાડવાનો નિર્ણય કર્યો છે. પાલિકાની આજની કામગીરીથી પોતાના પશુઓ પ્રત્યે બેદરકારી દાખવનારા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે અને શહેરીજનોને આજ પૂરતી થોડી રાહત થઈ છે. અલબત્ત પાલિકાની આ કામગીરી કેટલા દિવસો ચાલશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...