ભારત સરકાર દ્વારા મુખ્ય શહેરોને જોડવા ભારતમાલા પ્રોજેકટ અંતર્ગત સુરતથી નાસિક થઈ અહમદનગર સુધી એક્સપ્રેસ વે બનાવવાની યોજના તૈયાર કરાઈ છે. ત્યારે આ મુદ્દે આજે અસરગ્રસ્તોના વાંધાની સુનાવણીનો તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ચીખલી અને વાંસદાના 19 ગામોના અસરગ્રસ્તોએ કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં સામુહિક વિરોધ નોંધાવ્યો હતો. સાથે જ બંધારણની અનુસચી 5 માં ગામો હોવાથી સરકારનો જમીન પર હક્ક નથી અને જો જમીન સંપાદન કરવામાં આવશે, તો આત્મવિલોપનની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.
વાંધા સુનાવણી માટે 19 ગામોનો વિરોધ
ભારત સરકાર દ્વારા દેશના મુખ્ય શહેરો, યાત્રાધામો, ઔદ્યોગિક વિસ્તારોને એકબીજા સાથે જોડવા ભારતમાલા હેઠળ અનેક એક્સપ્રેસ હાઇવે બનાવવાની યોજના છે. જેમાં સુરત, નવસારીથી નાસિક થઈ અહમદનગર સુધીના એક્સપ્રેસ વે માટે સરકાર દ્વારા ગત દિવસોમાં 3Aનું જાહેરનામું બહાર પાડી વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી. જેમાં જમીન સંપાદન અધિકારીને 247 અસરગ્રસ્તોની 647 વાંધા અરજીઓ મળી હતી. જેની લોક સુનાવણી આજથી શરૂ કરવામાં આવી હતી, પરંતુ જિલ્લાના ચીખલીના 10 અને વાંસદાના 9 ગામડાઓના તમામ અસરગ્રસ્તોએ વાંસદાના કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં નવસારી પ્રાંત કચેરીએ પહોંચી વિરોધનો સુર છેડયો હતો.
આત્મવિલોપનની ચીમકી સાથે આવેદનપત્ર પાઠવાયું
ચીખલી, વાંસદા ભારતીય બંધારણની અનુસૂચિ 5 અને પૈસા એક્ટ આવતો વિસ્તાર હોવાથી સરકારનો હક્ક નહીં હોવા સાથે જ દેશમાં ગ્રામસભાને જ ખુદ સરકારે શ્રેષ્ઠ ગણાવી છે. ત્યારે ગ્રામસભામાં પ્રોજેક્ટમાં જમીન ન આપવાનો ઠરાવ થયો છે. જેથી બંધારણથી વિરૂદ્ધ જઇ સરકારે પ્રોજેક્ટનું રાજપત્ર બહાર પાડયુ છે, જેનો ઉગ્ર વિરોધ કરીએ છીએ. સાથે જ સરકાર જમીન લેવા માંગશે તો આત્મવિલોપન કરવાની ચીમકી સાથેનું સામુહિક આવેદનપત્ર અસરગ્રસ્તોએ નવસારી પ્રાંત અધિકારીને આપ્યું હતું.
ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન
નવસારીમાંથી પસાર થનારા ભારતમાલા પ્રોજેક્ટ નવસારીના 27 ગામોમાંથી પસાર થશે. જેમાં નવસારી તાલુકાના 8, ચીખલી તાલુકાના 10 અને વાંસદા તાલુકાના 9 ગામડાઓ પ્રભાવિત થઈ રહ્યા છે. જેનું જાહેરનામું બહાર પડ્યા બાદ આજથી 4 દિવસો સુધી લોક સુનાવણી રાખવામાં આવી હતી. પરંતુ વરસાદને કારણે ખેડૂતોને મુશ્કેલી પડી હોવા સાથે જ જમીન ન આપવાની ઉગ્ર રજૂઆત સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેથી નવસારી પ્રાંત દ્વારા સમગ્ર મુદ્દે ચારેય દિવસ કોઈ આવે કે ન આવે લોક સુનાવણી ચાલુ રાખી હોવાનુ જણાવી, તમામ કાર્યવાહીનો રિપોર્ટ નેશનલ હાઇવે ઓથોરિટીને મોકલવાની વાત કરી હતી.
રિવર લિંક પ્રોજેક્ટ બાદ આ પ્રોજેક્ટનો પણ વિરોધ
આદિવાસી પટ્ટામાં રિવર લિંક પ્રોજેક્ટનો કોંગી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ઉગ્ર વિરોધ થયા બાદ સરકારે પ્રોજેકટ રદ્દ કરવો પડ્યો છે, ત્યારે નવસારીના આદિવાસી વિસ્તારમાંથી પસાર થનારા ભારતમાલા એક્સપ્રેસ વે પ્રોજેકટ મુદ્દે પણ આદિવાસીઓએ અનંત પટેલ સાથે વિરોધનો સુર છેડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.