સુરક્ષાનો પ્રશ્ન:નવસારી પાલિકાના વોર્ડ નં. 13 મા રાત્રે 12 પછી અંધારપટ, સ્ટ્રીટ લાઇટ બંધ થતાં લોકોમાં રોષ

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 15 દિવસથી આવી સ્થિતિ હોવાનો રહીશોનો આક્ષેપ, ફરિયાદ મળતા પાલિકા સભ્યે રાત્રે નિરીક્ષણ કર્યુ

નવસારીમાં વોર્ડ નંબર-13મા આવેલ દશેરા ટેકરી વિસ્તારના અમુક ભાગોમાં રાત્રિના 12 વાગ્યા બાદ રહસ્યમય રીતે બે સપ્તાહથી સ્ટ્રીટ લાઈટ બંધ થઈ જતા તે બાબતે લોકોએ નગરસેવકને ફરિયાદ કરી હતી. જેથી તેઓ રાત્રે ચેકિંગ કરવા જતાં ફરિયાદ સાચી નીકળી હતી. જોકે રાત્રિના સમયે લાઈટ વિભાગના અધિકારીને જાણ કરતા તેઓએ ફોન ઊંચક્યો નહીં હોવાની માહિતી મળી છે.

નવસારી-વિજલપોર નગરપાલિકાના વોર્ડ નંબર-13માં આવેલ ઘણાં વિસ્તારમાં દરરોજ રાત્રે 12 વાગ્યા પછી સ્ટ્રીટલાઈટ બંધ થઈ જતા આ બાબતે નગરસેવક વિજય રાઠોડને લોકોએ ફરિયાદ કરી હતી. જોકે રાત્રિના સમયે મોટાભાગના લોકો સુઈ જતા હોય તે બાબતે કોઈનું ધ્યાન ગયું ન હતું. હોડી મહોલ્લાથી રામજી ખત્રીની નાળ,પચ્ચીસ ગાળા, બાલાપીર દરગાહ, ટાગોરનગર સોસાયટી અને સરસ્વતી માતાજીથી લઇને બિરસા મુંડા માર્ગ અને રૂરલ પોલીસ સ્ટેશનની સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જાય છે તેમ સ્થાનિકોએ નગરસેવક ને જ ફરિયાદ કરી હતી.

બુધવારે આ બાબતે નગરસેવક જાતે જ ચેકિંગ કરતા તેઓએ પણ તેમના વિસ્તારમાં જઈ ચેકિંગ કર્યું અને સ્ટ્રીટલાઈટ બંધ હોવાનું જણાતા તેઓએ તાત્કાલિક લાઈટ વિભાગના અધિકારીને જાણ કરી પણ ફોન ઊંચક્યો ન હતો. બાદમાં મેસેજ કર્યા હોવાનું નગરસેવકે જણાવ્યું હતું. નવસારીના દશેરા ટેકરી વિસ્તારમાં બે સપ્તાહથી રહસ્યમય રીતે રાત્રે 12 વાગ્યા બાદ સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

રાત્રે બહાર નીકળવું મુશ્કેલ
ઘણાં દિવસથી અમારા ઘર પાસેની નગરપાલિકાની લાઈટ બંધ થઈ જાય છે. રાત્રિના સમયે કંઈ કામ માટે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. જો આવું જ રહ્યું અને કોઈ બનાવ બને તો કોને જવાબદાર ગણવા. સ્થાનિક નગરસેવકને સવારે જ ફરિયાદ કરી છે. > બબલીબેન રાઠોડ, સ્થાનિક, દશેરા ટેકરી.

તસ્કરો માટે મોકળું મેદાન
15 દિવસથી રાત્રિના 12 વાગ્યા બાદ સ્ટ્રીટલાઈટ બંધ થઈ જાય છે. જેની ફરિયાદ અમે નગરસેવકને કરી હતી. 12 વાગ્યા બાદ લાઈટ બંધ થતાં ચોરોને મોકળું મેદાન મળી જાય છે. કોઈ મહિલાએ બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. કોઈ અઘટિત ઘટના બને તો નવાઇ નહીં. જવાબદારી કોણ લેશે ? પાલિકાની જવાબદારી પણ અધિકારીઓ કાળજી લેતા નથી. > નિલેશભાઈ ગુરવ, સામાજિક અગ્રણી

જાત નિરીક્ષણ કરી લાઇટ વિભાગને સૂચના આપી છે
એક સપ્તાહથી લોકોની ફરિયાદ આવી હતી. જેને લઈ બુધવારે વહેલી સવારે 4.58 કલાકે જાતે જ નિરીક્ષણ કરતા બધી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાની જાણ થઈ હતી. આ બાબતે લાઈટ વિભાગને જાણ કરી હતી. લોકો ગામમાં રહેતા હોય તેવું અનુભવી રહ્યા હતા. > વિજય રાઠોડ, નગરસેવક, વોર્ડ નંબર 13

રાત્રે તપાસ કરી જ્યાં પણ ફોલ્ટ હશે તે દૂર કરી દેવામાં આવશે
અમને ફોન દ્વારા ફરિયાદ મળી હતી. અમે દશેરા ટેકરી વિસ્તારમાં જ્યાં સ્ટ્રીટ લાઇટ બંધ થઇ જાય છે તે વિસ્તારમાં સ્ટ્રીટલાઈટની તપાસ કરી બુધવારે ફરી રાત્રિના સમયે ચેક કરીશું, જે ફોલ્ટ હશે તે દૂર કરી સ્ટ્રીટ લાઈટ ચાલુ કરી દેવામાં આવશે. > યોગેશ ઢીમ્મર, અધિકારી, લાઈટ વિભાગ, નવસારી પાલિકા

અન્ય સમાચારો પણ છે...