ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મમાં દર્શાવાયેલું ઢોલીડા સોંગ હાલ યુવાઓમાં ફેવરિટ છે. પરંતુ, નવસારીમાં રહેતા 74 વર્ષીય દાદીએ આ સોંગ પર ડાન્સ કરી વૃદ્ધો માટે પ્રેરણારૂપ બન્યા છે. 74 વર્ષની ઉમર હોવા છતાં ડાન્સના અઘરા લાગતા સ્ટેપ્સને જશોદાબહેને પાંચ જ દિવસની પ્રેકટિસ કરી આસાન બનાવી દીધા હતા. જશોદાબેનનો વીડિયો સોશિયલ મીડિયામા વાઈરલ થતા લોકો પણ ખૂબ વખાણી રહ્યા છે.
સિનિયર સિટીઝનના કાર્યક્રમમાં આપેલા પર્ફોમન્સનો વીડિયો વાઈરલ
8મી માર્ચે વુમન્સ ડે નિમિતે નવસારી જિલ્લા સિનિયર સિટીઝન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં જશોદાબહેને ભાગ લીધો હતો. જશોદાબહેને ભૂતકાળમાં ક્યારેય સ્ટેજ પર્ફોમન્સ કર્યું ન હતું. પરંતુ, સોસાયટીના લોકોના પ્રોત્સાહનના કારણે તેમણે સિનિયર સિટીઝનના પ્રોગ્રામમાં ઢોલીડા સોંગ પર પર્ફોમન્સ આપ્યું હતું. જશોદાબહેને આ સોંગના સ્ટેપ્સ શીખવા માટે ફક્ત પાંચ જ દિવસનો સમય લીધો હતો.
વૃદ્ધોને જેમાં રસ હોય તેમાં આગળ વધવું જોઈએ- જશોદાબહેન
સામાન્ય રીતે વૃદ્ધા અવસ્થામાં પ્રવેશતા જ મોટાભાગના વૃદ્ધો પોતાના શોખ ભૂલી જતાં હોય છે. પરંતુ, જશોદાબહેનનું કહેવું છે કે, વૃદ્ધોએ પણ જેમાં રસ હોય તેમાં આગળ વધવું જોઈએ. લોકોમાં જો ધગશ હોય તો ગમે તે કરી શકે છે.
સ્ટેજ પર્ફોમન્સ માટે પતિએ પૂરતો સહકાર આપ્યો
સિનિયર સિટીઝનના પ્રોગ્રામમાં ભાગ લે અને સ્ટેજ પર્ફોમન્સ આપે તે માટે જશોદાબહેનના પતિએ જ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. નવસારીના ઈટાળવા રોડ પર રહેતા 74 વર્ષીય જશોદાબહેન પટેલના બે પુત્રો વિદેશમાં સ્થાયી થયા છે. હાલ તેઓ નવસારીમાં તેમના પતિ સાથે નિવૃત જીવન ગાળી રહ્યા છે. નાનપણથી જ ગરબાનો શોખ ધરાવતા જશોદાબહેને ક્યારેય સોલો સ્ટેજ પર્ફોમન્સ આપ્યું ન હતું. જશોદાબહેનના સ્ટેજ પર્ફોમન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકો પણ દાદીના પર્ફોમન્સને વખાણી રહ્યા છે. જશોદાબહેન આજે કંઈક કરવા ઈચ્છતા વૃદ્ધો માટે પ્રેરણારૂપ બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.