રજૂઆત:નવસારી ફૂટવેર મર્ચન્ટ અસોસિએશને પગરખા પર લાદવામાં આવેલા 12% GSTને ઘટાડવા જિલ્લા કલેકટરને આવેદન આપ્યું

નવસારી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાપડ ઉદ્યોગ બાદ હવે ફૂટવેર વ્યવસાયકારોનો વીરોધ
  • પહેલા 1000થી ઉપરના ફૂટવેર પર 5 ટકા GST લાગુ થતો
  • હાલમાં 1000 રૂપીયાની ખરીદી પર 12 ટકા GST લાગુ

હાલમાં જ દક્ષિણ ગુજરાતમાં કાપડના વેપારીઓએ વધેલા GSTને લઈને કેન્દ્ર સરકાર સામે બાંયો ચઢાવી હતી અને વિરોધ કર્યો હતો. જેથી કેન્દ્ર સરકારે તાત્કાલિક કાપડ પર લાદવામાં આવેલો 12 ટકા GST ટેક્સ ઘટાડીને 5 ટકા કર્યો હતો. ત્યારે ફરીવાર ફુટવેરનો બિઝનેસ કરતા વેપારીઓ પણ GSTમાં આવેલા વધારાથી મુશ્કેલીમાં મુકાયા છે અને સમગ્ર મામલે GSTમાં ઘટાડો થાય તેની માંગ સાથે કલેક્ટરને આવેદન આપી રહ્યા છે. નવસારી ફૂટવેર મર્ચન્ટ એસોસિયેશનના સભ્યો દ્વારા કલેક્ટર કચેરીએ ભેગા થઇને આજે આવેદન આપ્યું હતું,

આવેદનપત્રમાં મુખ્યત્વે માંગ કરવામાં આવી હતી કે, એક જાન્યુઆરી પહેલા એક હજાર રૂપિયાના પગરખા ખરીદવા પર માત્ર પાંચ ટકા જીએસટી લાગતો હતો, પરંતુ 1 જાન્યુઆરી બાદ નિયમોમાં ફેરફાર આવ્યો છે અને 1 હજાર સુધીના પગરખાની ખરીદી પર સીધો 12 ટકાનો વધારો થતાં તેઓ કઈ રીતે વેપાર કરશે? ગ્રાહકો આ વધારો કઈ રીતે સહન કરી શકશે તેને લઈને કેન્દ્ર સરકાર GSTમાં ઘટાડો કરે તેવી માંગ કરવામાં આવી છે.

મધ્યમ વર્ગ મોટેભાગે બ્રાન્ડેડ પગરખાં પહેરતા નથી, પરંતુ આજે હજાર રૂપિયા સુધીના પગરખા મધ્યમ વર્ગ અને તેનાથી નીચે વર્ગ જરૂર પહેરે છે. ત્યારે તેમના ઉપર નાખવામાં આવેલો 12 ટકાનો વધારો પાછો લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

વેપારી સંગઠનના પ્રમુખમાં જણાવ્યા મુજબ હાલમાં પેરાગોન ચપ્પલ 100 રૂપિયા મળતી હતી, તે હવે 115 રૂપિયામાં વેચાઈ રહી છે. જેને લઇને મધ્યમ વર્ગને આમાં સૌથી વધુ મુશ્કેલી આવી શકે છે. જેને લઇને અમે આ સમગ્ર GST વધારાનો વિરોધ કરીએ છીએ અને ભવિષ્યમાં જરૂર જણાશે તો એક થઈને વિરોધ કરીશું અને દુકાન બંધ કરીને પણ આ વધારાનો વિરોધ યથાવત રાખીશું.

અન્ય સમાચારો પણ છે...