નવસારી શહેરમાં ઘરફોડ ચોરીના બનાવોમાં વધારો થયો છે. ચોર ઈસમો મધ્યરાત્રીએ પોલીસને પડકાર આપતા હોય તેમ બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. આવી જ કંઈક ઘટના જમાલપુરમાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં સામે આવી હતી. જેમાં ભરતભાઈ રાણાના ઘરમાંથી ચોર 29 તોલા સોનું-ચાંદી અને રોકડ રકમ તફડાવી ફરાર થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
નવસારીના જમાલપુરમાં આવેલી રાધેશ્યામ સોસાયટીમાં રહેતો પરિવારને અંબાજી દર્શન કરીને ઘરે પરત આવતાં ઘરમાં ચોરી થઇ હોવાની જાણ થઈ હતી. અંદાજિત 24 તોલા સોનું અને 5 તોલા ચાંદી અને રોકડ રૂપિયા ચોરી થવાનો અંદાજ પરિવાર સેવી રહ્યો છે. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ચોરો ઘરમાં પ્રવેશતા પહેલા સીસીટીવી કેમેરાને ફેરવતા હોય તેવી રીતે કેમેરામાં કેદ થયા હતા.
આ ચોરીની ઘટનાને પગલે પરિવારે ગ્રામ્ય પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ આપી છે, પોલીસ આગામી સમયમાં એફઆઈઆર દાખલ કરીને ટેકનિકલ સર્વેલન્સના આધારે ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરશે. આજકાલ ચોર ઈસમોને સૌથી વધુ ડર સીસીટીવી કેમેરાનો હોય છે. જેના કારણે ઘરમાં પ્રવેશતા પહેલા તેઓ સૌપ્રથમ સીસીટીવી કેમેરાને દૂર કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે આ રાધેશ્યામ સોસાયટીમાં પણ ચોર શખ્સો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા, જેમાં તેઓ બીજા અન્ય કેમેરાને ફેરવી નાખતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે.
સીસીટીવીના કેમેરા ઉંચા કરી દેવાયા
નવસારીમાં એક વર્ષ દરમિયાન થયેલ કેટલીક ચોરીની ઘટનામાં એક જ મોડ્સ ઓપરેન્ડી જોવા મળી હતી. ચોરીની ઘટના વખતે આસપાસ આવેલા સીસીટીવીના કેમેરા ઉંચા કરી દેવામાં આવ્યા હતા. જેથી પોલીસ કે કોઈને પણ તસ્કરોની ઓળખ થઈ ન શકે. આ તસ્કરો બે માસ બાદ સક્રિય થયા. આ જતસ્કરો અન્ય ચોરીમાં પણ દેખાયા હોવાની માહિતી પણ મળી છે.
એક વર્ષમાં થયેલી ચોરીની ઘટના, ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ
નવસારીમાં જેટલી પણ ચોરી થઈ તેનો સમય રાત્રે 12.30થી 4 વાગ્યાની અંદર જ થઈ હતી. આ ચોરીમાં ચડ્ડી-બનિયાન પહેરેલા હોય તેવા યુવાનો સીસીટીવીમાં કેદ થયા છે. જોકે એક પણ ચોરીનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી.
આ ઘટનામાં ચડ્ડી-બનિયાનધારી ટોળકી નહીં પણ ઘરફોડ તસ્કરો છે
ચોરીની ઘટનામાં જે તસ્કરો ચડ્ડી બનિયાનધારી ટોળકી નહીં પણ ઘરફોડ તસ્કરો દેખાઇ રહ્યા છે. રાત્રિ પેટ્રોલિંગ ચાલુ છે, જે હવે સઘન બનાવીશું. દાગીનાના બીલ ફરિયાદ કરનાર શોધી રહ્યા હોય તેઓ આવે પછી ફરિયાદ નોંધાશે. - કે.એલ.પટની, પીઆઇ, નવસારી ગ્રામ્ય
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.