નવસારી જિલ્લામાં જંત્રી અવાસ્તવિક થઈ ગઈ છે ત્યારે હવે મોડે મોડે 12 વર્ષે સરકારે જંત્રીનો પુનઃ સરવે કરાવવાની તજવીજ હાથ ધરી છે. નવસારી જિલ્લાનું કુલ ક્ષેત્રફળ 2211 ચોરસ કિલોમીટર છે. જેમાં 3 શહેર નવસારી,બીલીમોરા અને ગણદેવી તથા 396 જેટલા ગામો આવેલા છે. આ તમામ વિસ્તારની જમીનોની જંત્રી (એટલે કે મિલકતના ખરીદ વેચાણ માટે સરકાર દ્વારા નિર્ધારિત લઘુત્તમ ભાવ) સરકાર નક્કી કરે છે. આમ તો જમીન મિલકતના ભાવ વિસ્તાર મુજબ સતત બદલાતા જ રહે છે તેથી જંત્રી પણ બદલવી ઉચિત છે.
જોકે નવસારી જિલ્લામાં પણ છેલ્લે 2011માં જંત્રી નિર્ધારીત થઈ છે, ત્યારબાદ મહદઅંશે બદલાઈ નથી.જેના કારણે હાલના જમીન મિલકતોની બજારકિંમત યા વાસ્તવિક કિંમત સામે જંત્રી ખૂબ ઓછી હોવાનુ કહેવાય છે. જાણકારો જંત્રીને અવાસ્તવિક પણ કહે છે. આ સ્થિતિમાં રાજ્ય સરકાર હવે જંત્રી બદલવા જાગી હોવાનુ જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ હવે 12 વર્ષ બાદ જમીન મિલકતની જંત્રીનો રિસરવે કરાવવાની તજવીજ હાથ ધરી છે. રાજ્ય કક્ષાએ આ અંગે બેઠકો શરૂ થયા બાદ હવે જિલ્લા લેવલે પણ પ્રાથમિક તબક્કે કામગીરી શરૂ થઈ ગઈ છે. આગામી બે મહિના આ મુદ્દે કામગીરી થયા બાદ આગામી એપ્રિલ 2023થી લાગુ કરાઈ એ શક્યતા નકારી શકાય એમ નથી.
ચૂંટણીમાં દર્શાવાતું પ્રોપર્ટીનું મૂલ્ય અવાસ્તવિક
વિધાનસભા વગેરે ચૂંટણીમાં દરેક ઉમેદવારે ફોર્મ ભરતી વેળા અન્ય વિગતો સાથે પોતાની પ્રોપર્ટી હોય તો જણાવવાની હોય છે, સાથે તેનું મૂલ્ય પણ દર્શાવવાનું હોય છે. હાલની જંત્રી બિલકુલ જ અવાસ્તવિક હોય ઘણાં ઉમેદવારો મિલકતનું મૂલ્ય વાસ્તવિક બતાવતા નથી યા બતાવી શકતા નથી.
ડ્યૂટી ઘટાડી જંત્રી વાસ્તવિક કરાય તો ફાયદો
જંત્રીના દર જો વાસ્તવિક કરવામાં આવે અને સ્ટેમ્ય ડ્યુટી જે ખુબ વધુ 4.90 ટકા જેટલી છે તે ઘટાડી 1 ટકા જેટલી જ કરવી જરૂરી છે. સરકારને પણ ફાયદો છે અને મધ્યમ વર્ગના લોકો જે પ્લોટ, ઘર ખરીદવા માગે છે તેઓ પૂરેપૂરી રકમનો દસ્તાવેજ કરતા ‘હાઉસિંગ લોન’ વ્યવસ્થિત મળે અને ડ્યૂટીમાં પણ રાહત થાય. > વિનોદ દેસાઇ, સીએ, નવસારી
બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઈવેમાં સરકારે જ અવાસ્તવિક જંત્રી બાજુએ મુકી
જંત્રીના દર નવસારી જિલ્લામાં સૌથી વધુ ચર્ચાસ્પદ અને વિવાદીત અહીંના મેગા પ્રોજેક્ટ એટલે કે બુલેટ ટ્રેન, એક્સપ્રેસ હાઇવે વગેરેમાં રહ્યાં છે. આ બન્ને પ્રોજેક્ટોમાં સરકારે પ્રથમ તો જંત્રીને આધારભૂત બનાવી અસરગ્રસ્તોને વળતર ચૂકવવાની વાત કરતા ભારે વિરોધ થયો કારણ કે જંત્રી આવસ્તવિક 10-12 વર્ષ જૂની છે. આ સ્થિતિમાં અંતે સરકારે બન્ને પ્રોજેક્ટોમાં ચો. મીટરે 900 રૂપિયાની આસપાસ કિંમત નક્કી કરી ચૂકવણી કરવી પડી છે. આ નવો સ્પેશ્યલ દર સરકારની 2011ની જંત્રી કરતા 5થી 10 ઘણો વધુ હોવાનું કહેવાય છે. હવે હાઇટેન્શન લાઈન, સ્ટેટ હાઈવે વગેરે પ્રોજેક્ટોમાં પણ જંત્રીના અવાસ્તવિક દર વિઘ્નરૂપ બની રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.