તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Navsari District Free Of Corona For The First Time, Since The Onset Of Corona Epidemic, There Have Been Active Cases In The District, Not A Single Active Case On Friday.

કોરોના અપડેટ:નવસારી જિલ્લો પ્રથમવાર કોરોના મુક્ત, કોરોના મહામારી શરૂ થઇ ત્યારથી જિલ્લામાં એક્ટિવ કેસ રહ્યાં જ છે, શુક્રવારે એકપણ એક્ટિવ કેસ નહીં

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • વાંસદા તાલુકાના રૂપવેલનો એકમાત્ર કોરોના દર્દી રિકવર થયો, નવો એક પણ પોઝિટિવ દર્દી નોંધાયો નથી
  • વેક્સિનેશન અને સાવચેતીના પરિણામે જુલાઇથી ક્રમશ: કેસ કાબૂમાં
  • કોરોના કેસ એક્ટિવ કેસ 39 દિ’માં મૃત્યુ 0

નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર લેતો એકમાત્ર દર્દી રિકવર થતા જિલ્લો કોરોનાકાળમાં પ્રથમવાર કોરોનામુક્ત થયો છે. નવસારી જિલ્લામાં છેલ્લા એક-દોઢ મહિનાથી કોરોનાના કેસ એકલ દોકલ જ બહાર આવી રહ્યાં છે. અનેક દિવસોએ તો એક પણ કેસ બહાર આવ્યા નથી. છેલ્લો કેસ 19 ઓગસ્ટે વાંસદા તાલુકાના રૂપવેલમાં નોંધાયો હતો, જ્યાં યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો,ત્યારબાદ કોઈ નવો કેસ સરકારી ચોપડે નોંધાયો ન હતો.

રૂપવેલની યુવતી હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહી હતી,જે શુક્રવારે રિકવર થઈ હતી. બીજુ કે શુક્રવારે નવો કેસ પણ નહીં નોંધાતા જિલ્લામાં કોઈ જ એક્ટિવ કેસ રહ્યો ન હતો. આમ એક રીતે નવસારી જિલ્લો કોરોનામુક્ત શુક્રવારે થયાનું કહી શકાય. સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જિલ્લામાં કોરોનાકાળમાં પહેલી લહેર બાદ એપ્રિલમાં બીજી લહેર આવી હતી.

આ બન્ને લહેર દરમિયાન એક્ટિવ કેસ સરકારી રેકર્ડ ઉપર 26 ઓગસ્ટ ગુરુવાર સુધી રહ્યાં હતા. 27મીના રોજ કોરોનાકાળમાં પ્રથમવાર જ કોઈ જ એક્ટિવ કેસ રહ્યો ન હોવાનું બન્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે હાલ સુધીમાં કોરોનાના કુલ કેસો 7183 નોંધાયા છે અને કુલ રિકવર દર્દી 6990 થયા છે.

19મી જુલાઇએ 1 મૃત્યુ નોંધાયું હતું
જિલ્લામાં છેલ્લા કેટલાય દિવસોથી કોરોનાના કોઈ જ દર્દીનું મૃત્યુ સરકારી રેકર્ડે નોંધાયું નથી. છેલ્લે 19મી જુલાઈએ એક દર્દીનું મૃત્યુ થતા નવસારી જિલ્લાનો કુલ મૃત્યુઆંક 192 થયો હતો. આજે 39 દિવસ થયા કોઈ વધુ મૃત્યુ નોંધાયું નથી અને મૃત્યુઆંક 192 જ રહ્યો છે. અેક સમયે રોજ 20થી 22 મૃતદેહને કોવિડ પ્રોટોકોલથી અગ્નિદાહ અપાતો હતો.

છેલ્લા તમામ 8356 કોવિડ ટેસ્ટ ‘નેગેટીવ’
નવસારી જિલ્લામાં છેલ્લો પોઝિટિવ કેસ 19મી ઓગસ્ટે નોંધાયો હતો ત્યારબાદ નોંધાયો નથી. 19મીથી 27મી સુધીમાં કુલ 8356 જણાંના સેમ્પલ લઈ કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યાં છે, જેમાંથી એકપણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. જેમાંથી એકપણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. અહીં ઉલ્લેખનીય છે કે હાલ રોજ 1થી દોઢ હજાર ટેસ્ટ કરાઇ રહ્યા છે.

એક સમયે દોઢ હજાર એક્ટિવ કેસ હતા
કોરોના કાળમાં પહેલી લહેરે જે 2020મા આવી હતી, તે વધુ ભયાનક ન હતી પણ 1 એપ્રિલથી શરૂ થયેલી બીજી લહેરે હાહાકાર મચાવ્યો હતો. એક સમયે તો સરકારી રેકર્ડ ઉપર દોઢ હજાર જેટલા એક્ટિવ કેસ હતા (રેકર્ડ ઉપર ન હોય તેની સંખ્યા અનેક ગણી હતી) જોકે જૂન મહિના બાદ ક્રમશ: કેસ ઘટતા ગયા અને 27 ઓગસ્ટે કોઈ દર્દી રહ્યો ન હતો. જુલાઇ મહિનાથી ક્રમશ: કોરોના કાબૂમાં આવતો ગયો છે.

જિલ્લામાં ત્રીજી લહેરના હજુ એંધાણ નહીં
બીજી લહેર શાંત થયા બાદ આગામી દિવસોમાં ત્રીજી લહેર આવવાની પણ આગાહી કરાઈ છે અને તેને પહોંચી વળવા આરોગ્ય તંત્રએ હોસ્પિટલ, બેડ, ઓક્સિજન વગેરેનું પૂર્વ આયોજન પણ કર્યું છે. જોકે હાલ સુધીમાં અહીંના નવસારી જિલ્લામાં કેસો વધી ત્રીજી લહેર આવવાના કોઈ એંધાણ મળ્યાં નથી. છેલ્લા 8-9 દિવસથી તો કોઈ કેસ સરકારી રેકર્ડે નોંધાયો નથી. મોટેભાગના ટેસ્ટ નેગેટિવ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...