પેટાચૂંટણી પરિણામ:નવસારી જિલ્લાની 4 બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, ત્રણ સીટ પર ભાજપની જ્યારે એક સીટ પર કોંગ્રેસની જીત

નવસારી21 દિવસ પહેલા
  • ગણદેવી અને બીલીમોરા નગરપાલિકાની તેમજ નવસારી જિલ્લા પંચાયતની બેઠક પર ભાજપની જીત
  • વાંસદા તાલુકા પંચાયતની 28 ઝરી બેઠક કોંગ્રેસના ફાળે

નવસારી જિલ્લામાં યોજાયેલ 4 બેઠકોની પેટાચૂંટણીમાં 3 બેઠકો ઉપર ભાજપનો અને 1 બેઠક ઉપર કોંગ્રેસ વિજયી થઈ હતી.

જિલ્લામાં બીલીમોરા અને ગણદેવી નગરપાલિકાની એક-એક બેઠક અને નવસારી જિલ્લા પંચાયત તથા વાંસદા તાલુકા પંચાયતની એક-એક બેઠક બેઠક માટે પેટાચૂંટણી જાહેર થઈ હતી.જે ચારેય બેઠકો માટે રવિવારે મતદાન યોજાયું હતું. મંગળવારે મતગણતરી થઈ હતી. ચૂંટણીના જે પરિણામો જાહેર થયા તે જોતા જિલ્લામાં પુનઃ ભાજપ પોતાનો દબદબો જાળવવામાં સફળ રહ્યું છે. પાલિકાના પરિણામ જોઈએ તો ગણદેવી પાલિકાના વોર્ડ 3ની બેઠક ઉપર અને બીલીમોરા પાલિકાના વોર્ડ 6 બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થયો છે. બન્ને બેઠકો જાળવવામાં ભાજપ સફળ થયું છે. નવસારી જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપના ઉમેદવાર વિજયી થયા છે તો વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિજયી થયા છે. વાંસદા ઝરી તા.પં.સીટના કોંગ્રેસ ઉમેદવાર ધનજીભાઈ પટેલના વિજયી સરઘસ નીકળી રહ્યું હતું ત્યારે કોંગ્રેસ અને ભાજપ સમર્થકો વચ્ચે બોલચાલી થઈ હતી. જેમાં ભાજપ ઉમેદવારે કોંગ્રેસ કાર્યકર્તાઓ વિરુદ્ધ અરજી આપી હતી.

ગણદેવીમાં કોંગ્રેસને માત્ર 34 મત
ગણદેવી પાલિકાની વોર્ડ નંબર-3ની યોજાયેલી પેટા ચૂંટણીમાં મંગળવારે મતગણતરી કરાતા ભાજપના ઈદ્રીશભાઈ ઉર્ફે મોન્ટુભાઈનો 680 મતની સરસાઇથી વિજય થયો હતો. ભાજપના ઉમેદવાર મોન્ટુભાઈને 880 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસને માત્ર 34 મળ્યા હતા અને કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝીટ ડુલ થઈ હતી. આપ પાર્ટીના ઉમેદવારને 218 મત મળ્યા હતા. 28 મત નોટામાં નંખાયા હતા. આમ ફરી એકવાર ગણદેવી નગરપાલિકામાં તમામ 24 બેઠક ભાજપે ફાળે રહી છે. પાલિકા પ્રમુખ પ્રાણલાલ પટેલ અને શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ પટેલ તેમજ ચૂંટણી કન્વિનર કેયુર વશી સર્વે આનંદ વ્યક્ત કરી આ જનતાનો વિજય લેખાવ્યો હતો. ગણદેવી નગરપાલિકાની ગત સામાન્ય ચૂંટણીમાં મુનાફભાઈ માસ્તરને 904 મત મળ્યા હતા. મંગળવારે સવારે વિજેતા ભાજપી ઉમેદવાર ઈદ્રીશભાઈ ઉર્ફે મોન્ટુભાઈનું વિજયી સરઘસ વોર્ડ નંબર-3મા ફર્યું હતું.

જિલ્લા પંચાયતની રૂમલામાં લીડ ઘટી પણ ભાજપ જ વિજયી
જિલ્લા પંચાયતની રૂમલા બેઠક પર ભાજપના બાલુભાઈ પાડવીનો 2235 મતે વિજય થતા કાર્યકરોએ ફટાકડા ફોડી ડીજે સંગીતના તાલે વિજયને વધાવી લીધો હતો. કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલના હોમ ટાઉનમાં ભાજપે બેઠક જાળવી રાખી છે. રૂમલા બેઠક પર 70.18 ટકા જેટલું મતદાન થયું હતું. રૂમલા, અગાસી, ગોડથલ, સિયાદા, ધોલાર સહિતના બેઠકમાં સમાવિષ્ટ ગામોના 27 જેટલા બુથની મતગણતરી હાથ ધરાતા ભાજપના બાલુભાઈ જીવલાભાઈ પાડવીને 8077, કોંગ્રેસના મગનભાઈ કાળીદાસ ગાવિતને 5845, આપના જમનુભાઈ રમતુભાઈ ભુસારાને 1539 જ્યારે નોટામાં 252 મત નોંધાયા હતા. ભાજપના બાલુભાઈ પાડવીનો 2232 મતની સરસાઈથી વિજય થયો હતો. રૂમલા બેઠક ભાજપે જાળવી રાખી છે, 6 માસ પૂર્વે સામાન્ય ચૂંટણીમાં ભાજપે રૂમલા બેઠક પર 5500 કરતા વધુ મતની સરસાઈથી જીત મેળવી હતી.

બીલીમોરામાં કોંગ્રેસ, આપની ડિપોઝીટ ડૂલ
બીલીમોરા નગરપાલિકા વોર્ડ નં 6ની ખાલી પડેલ બેઠક પર 3જી ઓકટોબરે પેટાચૂંટણી યોજાઈ હતી. ભાજપનાં હેતલ મનિષ દેસાઈ, કોંગ્રેસના અર્ચના કીર્તિકુમાર સોલંકી અને આમ આદમી પાર્ટીનાં ભારતીબેન કિશોરભાઈ સોલા વચ્ચે ત્રિપાંખીયો ચૂંટણી જંગ જામ્યો હતો. મામલતદાર કચેરીમાં મંગળવારે સવારે મત ગણતરી હાથ ધરાઈ હતી. બીલીમોરા નગરપાલિકા વોર્ડ નં.-6માં નોંધાયેલા 2372 મતો પૈકી ભાજપનાં હેતલ દેસાઈને 2033, કોંગ્રેસના અર્ચના સોલંકીને 215 અને આમ આદમી પાર્ટીનાં ભારતીબેન સોલાને માત્ર 124 અને નોટામાં 36 મતો પડ્યા હતા. આમ ભાજપનાં હેતલ દેસાઈનો 1818 ઐતિહાસિક મત સાથે ઝળહળતો વિજય થયો હતો. જ્યારે તેમના બંને હરીફ કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના ઉમેદવારોની ડિપોઝીટ પણ ડૂલ થઈ હતી. વિજેતા ઉમેદવારની રેલી સાથે શહેરભરમાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિજેતા ઉમેદવાર હેતલબેન તેમજ ભાજપ સંગઠનના પ્રમુખ વિજયભાઈ, મનહરભાઈ (મનાભાઈ), રમેશભાઈએ કાર્યકરો, મતદાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

વાંસદા તાલુકા પંચાયતની ઝરી બેઠક કોંગ્રેસના ફાળે
વાંસદા તાલુકા પંચાયતની 28-ઝરી બેઠક ઉમેદવાર અરવિંદભાઈ પટેલનું કોરોના કાળમાં મોત નિપજતા આ બેઠક ખાલી પડી હતી. વર્ષોથી આ બેઠક ઉપર કોંગ્રેસનો દબદબો રહ્યો હતો. મંગળવારે સવારે મામલતદાર કચેરીમાં મતગણતરી શરૂ થતાં બન્ને પક્ષના સમર્થકો આવી પહોંચ્યા હતા. ગણતરી શરૂ થતાની સાથે કોંગ્રેસના ઉમેદવાર ધનજીભાઈ ભગિયાભાઈ પટેલને 3015 મત મળ્યા હતા અને ભાજપના ઉમેદવાર સંજયભાઈ છોટુભાઈ પટેલને 1724 મત મળતા કોંગ્રેસના ધનજીભાઈ પટેલનો 1291 મતથી વિજેતા બન્યાં હતા. ધનજીભાઈની વિજયી બનતા કોંગ્રેસના સમર્થકો ફટાકડા ફોડી ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા. હનુમાનજી મંદિર પાસે રવુભાઈ પાનવાળાના ઘર પાસે આદિવાસી વાજિંત્રો સાથે જીતનો ઉત્સવ મનાવ્યો હતો અને ત્યાંથી જીતની રેલી નીકળી હતી.

અન્ય સમાચારો પણ છે...