નવસારીના 1306 કુપોષિત બાળકોને પોષણયુક્ત બનાવવા કલેક્ટરે ચિંતન બેઠકનું આયોજન કર્યુ હતું. નોંધનીય છે કે રામજી મંદિર ખાતે અધિકારીઓ સાથે આ બેઠક યોજાઇ હતી. જેમાં જિલ્લાના 154 અધિકારીઓ અને કર્મચારીઓને તાલીમ અપાઈ હતી. તેમજ બાળકોને પોષણયુક્ત બનાવવા આગામી ત્રણ માસનો રોડમેપ તૈયાર કરાયો હતો.
નવસારી જિલ્લામાં 1306 જેટલા બાળકો કુપોષિત છે. નવસારી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવાના અભિયાનમાં એન.જી.ઓ, આંગણવાડી વર્કરો, ગામ આગેવાનોનો સહયોગ લેવા માટે જિલ્લા કલેક્ટરે બેઠક યોજી હતી. જિલ્લામાં રેડઝોનમાં રહેલા બાળકોને ગ્રીન ઝોનમાં કેવી રીતે લાવવા તે અંગે કલેક્ટરે માર્ગદર્શન આપ્યું હતુ. 1લી માર્ચથી 31મી મે સુધીમાં તમામ રેડઝોન વાળા બાળકો ગ્રીન ઝોનમાં આવી જાય તે રીતે કામગીરી કરવાની સૂચના આપી હતી. જે માટે જિલ્લાના તમામ અધિકારીઓને કામગીરી સોંપવા અંગે તાલીમ યોજાઈ હતી. જ્યાં રેડ ઝોનમાં બાળકો છે તે ગામમાં પોષણમિત્ર અને આંગણવાડી કાર્યકરની મદદથી બાળકોની વિશેષ કાળજી રાખવા કામગીરી હાથ ધરાશે.
આ અંગે કલેક્ટરે જણાવ્યું હતું કે, નવસારી જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા આખુ વહીવટી તંત્ર કામે લાગશે. આ કામગીરી જન આંદોલનરૂપે હાથ ધરવામાં આવશે. તમામ અધિકારીઓને આ કામગીરીમાં જોતરાઇને કુપોષણ મુક્ત જિલ્લો દૂર કરવા અભિયાન હાથ ધરવા જણાવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે કુપોષણ મુક્ત નવસારી જિલ્લા માટે હાથ ધરવાની કામગીરી વિશે ચિતાર આપ્યો હતો. આ અવસરે અધિક નિવાસી કલેક્ટર કેતન જોષી, પ્રાંત અધિકારીઓ, અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.