હાલ જ્યાં સરકાર તળાવોનો અમૃત સરોવર બનાવવાની વાત કરી રહી છે ત્યાં જિલ્લા મથક નવસારી શહેરનું એક તળાવ પુરાઈ રહ્યું છે. હાલ કેન્દ્ર સરકારે આઝાદીના અમૃત વર્ષની ઉજવણી અંતર્ગત દરેક જિલ્લામાં ઓછામાં ઓછા 75 તળાવોનો વિકાસ અમૃત સરોવર તરીકે કરવાનો નિર્ણય કર્યો છે.જે અંતર્ગત નવસારી જિલ્લામાં 80થી વધુ તળાવોને અમૃત સરોવર તરીકે વિકાસ કરવાનો નિર્ણય લેવાયો છે.આ તળાવોમાં 5 તળાવ તો નવસારી શહેરના લેવામાં આવ્યા છે.
જ્યાં એક તરફ નવસારી શહેરમાં 5 તળાવોનો અમૃત સરોવર તરીકે લેવામાં આવ્યા છે ત્યાં શહેરનું જ એક નાનું તળાવ પુરાઈ રહ્યું છે. આ અંગેની વિગતો જોતા શહેરમાં તિઘરા બાવન જીનાલયથી દેવીના પાર્ક અગ્રવાલ કોલેજ રોડ નજીક એક નાનું તળાવ આવેલ છે,જે સરકારી રેકર્ડ પર પણ તળાવ બોલે છે અને ભૂતકાળમાં પાણી ભરાયેલ રહેતું હોવાનું જાણવા મળે છે.
જોકે કેટલાય સમયથી પડતર જેવું છે. આ તળાવ કેટલાક દિવસોથી રોડ મટિરિયલ યા અન્ય મટિરિયલથી પુરવામાં આવ્યું છે. કોણ પુરી રહ્યું છે એ જાણી શકાયું નથી. જોકે અહીંની નગરપાલિકાની જાણમાં હોય કે જાણમાં નહીં હોય બન્ને વાતે પાલિકાની બેદરકારી છતી જાહેર કરે છે કારણકે પાણીના સ્રોતની જાળવણી કરવાની હોય છે, નાબૂદ કરવાના હોતા નથી.
વોટર બોડી જાળવવાના સુપ્રિમ કોર્ટ સહિતની કોર્ટના ચૂકાદાનું પાલન થશે કે ...
આમ તો તળાવો ભૂતકાળમાં અનેક પુરાયા છે. નવસારીનું દુધિયા તળાવ પણ ઘણુ પુરાઈ બિલ્ડીંગો બની ગયા હતા. જોકે દેશભરમાં એક પછી એક તળાવો પુરાતા જતા કોર્ટે દરમિયાનગીરી કરવી પડી હતી અને તળાવ, નદી, સમુદ્ર જેવા પાણીના સ્ત્રોત (વોટર બોડી) ઉપર દબાણ ન થાય, પુરાઈ નહીં અને જળવાય રહે તે માટે અનેક ચૂકાદા આપ્યા છે.
2019ના અરસામાં ગ્રેટર નોઈડા ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓથોરિટીના કેસમાં સુપ્રિમ કોર્ટનો ચૂકાદો હોય, મદ્રાસ હાઈકોર્ટ સહિત અન્ય કોર્ટેએ પણ વોટર બોડી જાળવવા અનેક વખત દિશાસૂચન આપ્યાં. જેને લઈને તાજેતરના સમયમાં તળાવ વગેરે પુરાતા ઘણે અંશે રોકાયા છે. શું કોર્ટના દિશાસૂચન અંતર્ગત નવસારીનું આ તળાવ જળવાશે કે…???
તળાવની જગ્યા માર્કેટ માટે રિર્ઝવ કરાઇ?
નગરપાલિકા આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ તળાવની જગ્યા ટીપી સ્કીમ 3માં માર્કેટના હેતુસર રિર્ઝવ કરવામાં આવી હતી. એવુ પણ જાણવા મળ્યું છે કે, 1990ના અરસામાં જ્યારે આ ટીપી સ્કીમ બની ત્યારે તળાવનો કાયદો કડક ન હોય તે સમયે રિર્ઝવ કરાઇ હતી.હવે પ્રશ્ન એ છે કે, હજુ જગ્યા ખુલ્લી છે ત્યારે એક પછી એક આવેલ કોર્ટના ચૂકાદાઓનું પાલન કરવામાં આવશે કે પછી પર્યાવરણ, વોટર બોડીનું સંરક્ષણના ભોગે પાલિકા માર્કેટ તાણી બાંધશે???
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.