વિરોધ:નવસારી-ચેન્નાઈ એક્સપ્રેસ વેનો વિરોધ, ચીખલીના 10 ગામમાંથી 300થી વધુ વાંધા અરજી

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
એક્સપ્રેસ વે ના વિરોધમાં 10 ગામના લોકોએ વાંધા અરજી સુપરત કરી હતી. - Divya Bhaskar
એક્સપ્રેસ વે ના વિરોધમાં 10 ગામના લોકોએ વાંધા અરજી સુપરત કરી હતી.

નવસારીથી શરૂ થનાર ભારતમાલા પ્રોજેકટ હેઠળ નવા મંજૂર થયેલ પ્રોજેકટ સુરત-નાસિક અહમદનગર ગ્રીન ફીલ્ડ સ્ટ્રેચ નોટીફિકેશન 3-એના વિરોધ બાબતે ચીખલીના 10 ગામમાંથી 300 થી વધુ અરજી ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આપવામાં આવી હતી. જેમાં જો તેમનો વાંધા અરજી સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.

નવસારીથી વાયા અહમદનગર-ચેન્નઈ એક્સપ્રેસ નવો બનનાર હોય તેનું તાજેતરમાં સરકાર દ્વારા રાજપત્ર જાહેર કરવામાં આવ્યું હતું. જેના વાંધા અરજી આપવાના બીજા દિવસે ચીખલીના 10થી વધુ ગામોના ખેડૂતોએ ધારાસભ્ય અનંત પટેલ, રમેશ પટેલ મુખી રૂઢી પ્રથા, ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રગનેશ પટેલ, 10 ગામના સરપંચ અગ્રણીઓ ખેડૂતો નવસારી કલેકટર અને પ્રાંત અધિકારીને પોતાને વાંધો આપ્યો હતો. આ પ્રસંગે ભારતમાલા સંઘર્ષ સમિતિના પ્રગ્નેશ પટેલે જણાવ્યું કે વાંસદા-ચીખલી તાલુકાના અમારા ગામમાંથી ભારતમાલા એકસપ્રેસ વે પસાર થાય છે. જેનાથી આદિવાસીઓ અને આમ જનતા ખેતીવાડી ગુમાવશે અને જંગલ નાશ પામશે.

આદિવાસીની અસ્મિતા અને અસ્તિત્વનો સવાલ હોય વળતરરૂપે કરોડો રૂપિયા આપવામાં આવે તો પણ તે સ્વીકારવા રાજીખુશી નથી. ભારતમાલા નામના પ્રોજેકટનો સખત વિરોધ કરીએ છીએ. આદિવાસી વિસ્તારમાંથી આવા કોઇપણ પ્રોજેકટ જે આદિવાસી અસ્મિતા અને સંસ્કૃતિને હાનિ પહોંચાડે એવા લાગુ કરવામાં સ્પષ્ટ વાંધો અને વિરોધ છે. બે દિવસમાં 400થી વધુ વાંધા અરજી આપવામાં આવી છે.

અમને રસ્તાનું કામ નથી વાંધા અરજી નહીં સ્વીકારાય તો નવસારીમાં ઉગ્ર આંદોલન કરીશું
અમારી ફળદ્રુપ જમીન આપવાના નથી. કોઈ સરકારી વળતર જોઈતું નથી. આ પ્રોજેકટથી નવસારી જિલ્લાના આદિવાસી તરીકેનો દરજ્જો ગુમાવે તેમ છે. આદિવાસીની સંસ્કૃતિ, રૂઢી પરંપરા અને બોલી અને રહેઠાણ નાશ પામતા આદિવાસીઓ કંગાળ બને તેમ છે. અમારી વાંધા અરજી નહીં સ્વીકારાય તો અમો આગામી દિવસોમાં નવસારીમાં ઉગ્ર આંદોલન કરીશું. > અનંત પટેલ, ધારાસભ્ય, નવસારી

અન્ય સમાચારો પણ છે...