ભગવંત માનનો રોડ શો:નવસારી આપના ઉમેદવાર માટે પ્રચાર કર્યો, કહ્યું- 'આમ આદમી પાર્ટી સર્વેમાં નહીં પણ સરકારમાં આવે છે'

નવસારી18 દિવસ પહેલા

વિધાનસભા ચુંટણીને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ પણ પોતાના સ્ટાર પ્રચારક અને પંજાબના મુખ્યમંત્રી સરદાર ભગવંત માનને દક્ષિણ ગુજરાતમાં પ્રચાર અર્થે ઉતાર્યા છે. આજે સાંજે સરદાર ભગવંત માને નવસારીના પાંચ હાટડી નજીકથી રોડ શો યોજ્યો હતો. પાંચ હાટડીથી નવસારી પાલિકા નજીકના 700 મીટરના રોડ શોમાં બહારથી આવેલા કાર્યકર્તાઓએ ઉત્સાહ દર્શાવ્યો હતો.

આમ આદમી પાર્ટીના ગણ્યા ગાંઠ્યા સ્થાનિક કાર્યકર્તાઓ રોડ શોમાં જોડાયા હતા. ભગવંત માન દ્વારા ભાજપ ઉપર આકરા પ્રહારો કરી મતદાન સમયે આપના ઉમેદવારોને જીતાડવાની અપીલ કરી હતી. સાથે જ બેઠકોનો સર્વે નહી પણ જનતાનો સર્વે 8 તારીખે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવશેનો આશાવાદ વ્યક્ત કર્યો હતો. સાથે જ પંજાબમાં ભ્રષ્ટાચારી મંત્રીને કાઢીને એની સામે તપાસ સોંપી કાર્યવાહી કરી, જ્યારે મોરબીમાં બનેલી ઘટનામાં ટિકિટ વેચવા વાળાને જેલમાં બેસાડી દીધો, પણ મોટા માથાઓને બચાવી લીધા છે. જ્યારે સત્યેન્દ્ર જૈનના સવાલથી ભાગી ક્યા પ્રશ્નો પૂછવા જોઈએની સલાહ આપી દીધી હતી.

નવસારી અને જલાલપુર વિધાનસભાના ઉમેદવારોનો પ્રચાર કરવા માટે ભગવંત માન આજે નવસારી શહેરમાં પ્રચાર અર્થે આવતા આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં ત્રીજો પક્ષ આજ સુધી ફાવ્યો નથી તેમ છતાં આમ આદમી પાર્ટી એ આ વખતે પોતાનું નસીબ અજમાવવા માટે ગુજરાતમાં 182 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.

અન્ય સમાચારો પણ છે...