આયોજન:ખુડવેલમાં PMના કાર્યક્રમને લઇ નવસારીની બસસેવા ખોરવાઇ

નવસારી19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લુન્સીકૂઈ મેદાન પર જ સવારે ઉભેલી બસ. - Divya Bhaskar
લુન્સીકૂઈ મેદાન પર જ સવારે ઉભેલી બસ.
  • ડેપોની કુલ 85માંથી 40 બસ ફાળવાતા અનેક રૂટ રદ કરાયા
  • નવસારી​​​​​​​ પાલિકા સહિતની કચેરીઓ ખાલીખમની સ્થિતિમાં જોવા મળી

નવસારીમાં એસટી બસ ઉપરાંત સિટી બસ બન્ને મોટી સંખ્યામાં વડાપ્રધાનના કાર્યક્રમમાં ફાળવી દેવાતા ગ્રામ્ય અને શહેરી બસ સેવા ખોરવાઈ ગઈ હતી. શુક્રવારે ચીખલી તાલુકાના ખુડવેલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો કાર્યક્રમ હતો, જેમાં લોકોને લઈ જવા માટે રાજ્યના અનેક ડેપોની બસ ફાળવવામાં આવી હતી. નવસારી ડેપોની પણ ફાળવાઈ હતી.

કર્મચારીઓ વિના ખાલીખમ પાલિકા કચેરી.
કર્મચારીઓ વિના ખાલીખમ પાલિકા કચેરી.

મળતી માહિતી મુજબ નવસારી ડેપોમાં કુલ 85 જેટલી એસટી બસ છે, જેમાં શુક્રવારે 40 બસ ખુડવેલ કાર્યક્રમ માટે ફાળવી દેવાઈ હતી. લગભગ અડધોઅડધ બસ ફાળવી દેવાતા એસટી બસસેવા અસરગ્રસ્ત થઈ હતી, અનેક રૂટ રદ કરવા પડ્યા હતા. માત્ર ગ્રામ્ય વિસ્તારની જ નહીં સિટી બસસેવા પણ અસર થઈ હતી, કારણકે નવસારીની સિટી બસ પણ કાર્યક્રમ માટે ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે જે એસટી બસ કાર્યક્રમમાં ગઈ હતી તેમાં કેટલીક સમગ્ર મુસાફરોથી ભરેલી ગઈ હતી, કેટલીક અંશતઃ ભરાઈ હતી. બીજી તરફ કેટલીય બસો કાર્યક્રમમાં ગઈ જ ન હતી અને લુન્સીકૂઈ મેદાન ઉપર જ સવારે જોવા મળી હતી. આ બસો યોગ્ય આયોજન વિના, રિઝર્વ હોય યા અન્ય કારણોથી ગઈ ન હતી જે જાણી શકાય ન હતી.

કચેરીમાં રૂટિન સેવા અસરગ્રસ્ત થઇ
ખુડવેલ કાર્યક્રમને લઈ રાજ્ય સરકારના, પંચાયતી વિભાગના, નગરપાલિકા સહિત અન્ય સરકારી કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી હતી. શુક્રવારે આ કામગીરીમાં જોતરાયા હોય રૂટિન સેવા અસરગ્રસ્ત થઈ હતી. શુક્રવારે દિવસ દરમિયાન પાલિકા કચેરી સહિત અનેક કચેરીના ટેબલો ખાલી જોવા મળ્યાં હતા અને સેવા પણ અસરગ્રસ્ત થઈ હતી.

અનેક વિસ્તારોમાં ઘરેથી કચરો ન ઉપાડાયો
નવસારી શહેરમાં અહીંની નગરપાલિકા દરરોજ વાહનો મોકલી ઘરે ઘરેથી કચરો ઉપાડે છે. જોકે શુક્રવારે ખુડવેલના નરેન્દ્ર મોદીના કાર્યક્રમને લઈ આ સેવા સંપૂર્ણ ઠપ નહીં પણ ખોરવાઈ હતી. મળતી માહિતી મુજબ આ કામગીરીમાં જોતરાયેલ કર્મચારીઓ તથા વાહનો ઘણાં ખુડવેલ સેવામાં મોકલવામાં આવ્યાં હતા. જેને લઈને નવસારી શહેરના અનેક વિસ્તારોમાં કચરો લેવા વાહનો ગયા ન હતા.

અન્ય સમાચારો પણ છે...