સંત સંમલેંન:નવસારી BAPS સ્વામિનારાયણ મંદિર આંગણે યોજાયું ભવ્ય સંતસંમેલન, પ્રમુખસ્વામીના સત્કાર્યોને યાદ કરાયા

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મંચસ્થ સંતો-કથાકારોએ પોતાની અમૃતવાણી દ્વારા પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની પોતાની હૃદયોર્મી વ્યક્ત કરી

પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ ઉપક્રમે નવસારીના બી.એ.પી.એસ. શ્રી સ્વામિનારાયણ મંદિરમાં આજે રવિવારે સાંજે પાવનકારી સંત સંમેલન યોજાયું હતું. જેમાં નવસારી અને ડાંગ જિલ્લાના પવિત્ર ધર્મ સ્થાનોના પૂજનીય સંતો, પુજારીશ્રીઓ તેમજ સંચાલક ટ્રસ્ટીઓ પધાર્યા હતા.

ભગવાન સ્વામિનારાયણ દ્વારા દિક્ષિત 3000થી વધારે સંતોએ સંસારમાં આધ્યાત્મિકતા પ્રસરાવી હતી. ભગવાન સ્વામિનારાયણના પાંચમા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ એક વૈશ્વિક સંત વિભૂતિ હતા. જેઓએ વિશ્વભરમાં સનાતન હિન્દુ ધર્મ અને ઋષિ-સંત પરંપરાનું ગૌરવ વધાર્યું છે.સાથે તેઓ સૌ સંતોના સુહ્રદય હતા.મંદિરમાં આયોજિત સંમલેન્માં 1500 થી વધુ હરીભક્તો એ લાભ લીધો હતો.પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ અવસરે તેઓને ભાવાંજલિ અર્પવા, નવસારી અને ડાંગ જિલ્લાના હિન્દુ ધર્મસ્થાનોના સંતો, મહંતો, કથાકારો આ પાવનકારી સંત સંમેલનમાં પધાર્યા હતા.

સંત સંમેલનનો મંગલ પ્રારંભ મંગલમય પ્રભુનામ અને પ્રાર્થના સાથે થયું હતું . સનાતન સંસ્કૃતિના મૂલ્યોનો ઉજાસ સર્વત્ર પ્રસરે એ ભાવનાથી સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરનારા સંતશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્વાગત પ્રવચન દ્વારા કોઠારી સંત પૂજ્ય પૂર્ણકામ સ્વામીએ ઉપસ્થિત તમામ મહાનુભાવોનું શાબ્દિક અભિવાદન કર્યું હતું. સેલવાસમાં રહીને સેવા આપી રહેલા બી.એ.પી.એસ. સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ચિન્મય સ્વામીએ પોતાની વાણી દ્વારા સંત મહિમા રેલાવ્યો હતો. અત્રે ઉપસ્થિત મંચસ્થ સંતો-કથાકારોએ પોતાની અમૃતવાણી દ્વારા પ્રમુખસ્વામી મહારાજ પ્રત્યેની પોતાની હૃદયોર્મી વ્યક્ત કરી હતી.ત્યારબાદ અત્રે પધારેલ પૂજ્ય સંતો તથા પૂજારીશ્રીઓનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું

બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરના વરિષ્ઠ સંત પૂ.પુરુષોત્તમચરણ સ્વામીએ આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો આભાર વ્યકત કર્યો હતો. મંદિરના મહંત પૂજ્ય આચાર્ય સ્વામીએ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહી સૌને હૃદયથી આવકાર્યા હતા. સભાના અંત ભાગમાં સૌએ ઠાકોરજી, બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ તથા જેઓની પ્રેરણાથી આ કાર્યક્રમ યોજાયો એવા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની આરતિ- અર્ધ્ય દ્વારા અભિવંદના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત તમામ મહાનુભાવો તથા ભક્તો-ભાવિકોએ અત્રે મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો. સંસ્કૃતિના મૂલ્યોની મીઠાશ મમળાવતા સૌએ વિદાય લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...