• Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • Naib Mamlatdar Fills Form For Vansda Seat From BJP, Confident Of Capturing Seat With Allegations Of Congress MLA Filling Gullible Tribals

આદિવાસી બેઠક કબજે કરવા કવાયત:વાંસદા બેઠક પર અનંત પટેલની સામે ભાજપે પૂર્વ સરકારી અધિકારીને મેદાનમાં ઉતાર્યા

નવસારી3 મહિનો પહેલા

1962 થી કોંગ્રેસનો મજબૂત ગઢ રહેલી વાંસદા બેઠક પર કમળ ખીલવવા માટે ભાજપ એડીચોટીનું જોર લાગાવી ચુકી છે, પણ કોંગ્રેસનો હાથ આદિવાસીઓથી છોડાવી શકી નથી. આ વખતે આદિવાસી યુવા નેતા અને કોંગી ધારાસભ્ય અનંત પટેલ દક્ષિણ ગુજરાતના આદિવાસી પટ્ટામાં પાર-તાપી-નર્મદા લિંક પ્રોજેકટ રદ્દ કરાવવામાં સફળ રહ્યા અને ત્યારબાદ ભારતમાલા પ્રોજેક્ટમાં પણ વિરોધ આંદોલનમાં આદિવાસીઓ તેમની પડખે રહેતા કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો વાંસદા ભેદવામાં ભાજપને નવનેજા પાણી આવી જાય એવી સ્થિતિ છે. ત્યારે ભાજપે કોંગ્રેસના યુવા નેતા સામે શિક્ષિત, પૂર્વ સરકારી વહીવટી અધિકારી અને યુવા પીયૂષ પટેલ ઉપર પસંદગી ઉતારી એક નવો દાંવ ખેલ્યો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલે વાંસદા વિધાનસભાનને રાજકીય દત્તક લેવાની પણ જાહેરાત કરી હતી, ત્યારથી વાંસદા કબ્જે કરવા ભાજપ મંડી પડ્યુ છે. ત્યારે આજે પીયૂષ પટેલે આદિવાસી પરંપરા પ્રમાણે કંસરી માતાજીની પૂજા સાથે હનુમાનજીના આશીર્વાદ મેળવી, પૂર્વ કેબીનેટ પ્રધાન અને આદિવાસી નેતા નરેશ પટેલ, ભાજપ જિલ્લા પ્રમુખ ભુરાલાલ શાહ સહિતના આગેવાનો સાથે વાંસદાના કુકણાં સમાજ વાડી ખાતેથી ભવ્ય રેલી યોજી હતી. પરંપરાગત આદિવાસી વાજિંત્રો અને નૃત્ય સાથે ઉત્સાહ ભેર ભાજપીઓ વાંસદા પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં પીયૂષ પટેલે વાંસદા વિધાનસભાના ચુંટણી અધિકારી સમક્ષ પોતાનું ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી જંગનો શંખ ફૂક્યો હતો. સાથે જ કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલ કોઈ પડકાર નથી અને લોકો સમક્ષ વિકાસના મુદ્દાઓ સાથે જવાની વાત કરી હતી. જેની સાથે જ પોતાની જીત નિશ્ચિત હોવાનો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...