નવસારી શહેરમાં છેલ્લા અનેક સમયથી રખડતા ઢોરની સમસ્યા એ શહેરીજનોને રોડ રસ્તા પર ફરવું દુષ્કર કરી નાખ્યું છે. રસ્તા પર પસાર થવું જાણે જોખમી બન્યું હોય તેમ અવારનવાર રખડતા ઢોરો રાહદારીઓને અડફેટે લઇ ને તેમને ઘાયલ કરતા કરી રહ્યા છે, ભુતકાળમાં એક વૃદ્ધને ગદર્ભની લડાઈમાં પગમાં ગંભીર ઈજા થતાં ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી જેમાં વૃદ્ધના વકીલ પુત્રએ આ મામલે ફોજદારી કેસ કરતા ચીફ ઓફિસર અને તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણી વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં કેસ કર્યો હતો. ત્યારે ફરિવાર આજે સવારે ગાર્ડા કોલેજમાં T.Y.બી.કોમનુ પેપર આપવા જઇ રહેલા વિશાલનું કાલીયાવાડી પાસે ઢોરની અડફેટે ઘાયલ થયા બાદ મોત નીપજ્યું હતું.
કલ્પાંત કરતી વિશાલની માતાએ રડતા કહ્યું હતું કે, મારા દીકરાએ સમગ્ર રાત વાંચ્યું હતું અને આજે તેનું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયનું પેપર હતું જેને લઇને તે વહેલી સવારે બાઈક પર કોલેજ જવા નીકળ્યો હતો, પણ તેને ક્યાં ખબર હતી કે તેનું મોત કાલીયાવાડીના એ.બી સ્કૂલ પાસે તેની રાહ જોઈ રહી છે.
રખડતા ઢોર એકાએક તેને ટક્કર મારતા તે નીચે ફંગોળાયો હતો અને ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતો,જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો.પરિવારને જાણ થતા તાત્કાલીક પરિવાર સિવિલ દોડી આવ્યો હતો અને તેને મૃત જોઈ તેમના ઉપર આભ તૂટી પડયું હતું.
પરિવારનો આશાસ્પદ અને કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નું મોત થતા પિતા સહિત માતા અને ભાઈના આંસુ રોકાતા ન હતા.વિશાળ હળપતિના મિત્ર વિશાળ બારોટના જણાવ્યા મુજબ અમે બંને સ્કૂલથી લઈને કોલેજ સુધી સાથે જ અભ્યાસ કર્યો છે પણ કોલેજમાં તેણે બી.કોમ અને મેં B.A.વિષય પસંદ કર્યો હતો. આજે તેનું પેપર હતું અને તે સવારે કોલેજ જવા નીકળ્યો હતો.
જે કાલીયાવાડી પાસે તેનું ઢોરની અડફેટે મોત થયું છે મારું નગરપાલિકાને એક જ કહેવું છે કે આવા રખડતા ઢોરને એકત્ર કરી શહેરમાંથી દૂર કરવા જોઈએ.
અકસ્માતને નજરે જોનાર રતિલાલ પટેલના જણાવ્યા મુજબ, ખડસુપા બોડીંગ પાસે રહેતો યંગ છોકરો જે રોજ સવારે કોલેજમાં જાય છે તેને ઢોરોએ અડફેટે લીધો હતો. આમ તો રોજ સવારે અહીં પશુપાલકો પોતાના ઢોરને છોડી મુકતા હોય છે. આ યુવાન ઢોર સાથે એટલી જોર માં અથડાયો કે તેનું માથું ફાડી નાખ્યું હતું અને તે રસ્તા ઉપર લોહીલુહાણ હાલતમાં પડયો હતો. અમેં તેની પાસે તાત્કાલિક પહોંચતાં તે બેભાન અવસ્થામાં આવી ગયો હતો અને મારા અંદાજ મુજબ તે સ્થળ પર જ મૃત્યુ પામ્યો હતો.આ વિસ્તારમાં દરરોજ મોટી સંખ્યામાં મુખ્ય માર્ગ પર ઢોર નો જમાવડો હોય છે દુધિયા તળાવ વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ હોય છે. ભૂતકાળમાં એક કાકાને પણ ઢોરો એ નીચે પાડી નાખ્યો હતો અને તેમને પણ ઇજા થઇ હતી.નગરપાલિકાને અનેક વખત જાણ કરવામાં આવી છે કે પશુપાલકો ઢોરને છૂટા મૂકી દે છે જેને લઇને અકસ્માતો થાય છે.
નવસારીમાં ઢોરે બીજો જીવ લીધો
નવસારીમાં 2 વર્ષ અગાઉ પાલિકાના પૂર્વ પ્રમુખના વૃદ્ધ માસીને શાકમાર્કેટમાં આખલાએ અડફેટે લેતા વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું હતું. ત્યારબાદ એક એડવોકેટના પિતાને પણ અડફેટે લેતા પથારીવશ છે. દશેરા ટેકરીમાં ગરીબ વૃદ્ધને આખલાએ અડફેટે લેતા પાલિકાએ વળતર પણ ચૂકવ્યું હતું. ઘણી ઘટનામાં ગંભીર ઇજા થયાના બનાવો બન્યા છે.
સપ્તાહમાં 3 દિવસ પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી થાય છે
હાલમાં સપ્તાહમાં 3 દિવસથી ઢોર પકડવાની કામગીરી ચાલે છે. એક વર્ષમાં 1000થી વધુ ઢોર પકડી પાંજરાપોળમાં મોકલ્યાં છે. 25 હજારના દંડની પણ ઢોરના માલિક પાસે વસૂલાત કરાઈ છે. જોકે જમાલપોરમાં ઢોર પકડવા જતા પાલિકાના કર્મચારીઓ ઉપર હુમલો થયા બાદ હવે પાલિકા પોલીસ બંદોબસ્ત સાથે ઢોર પકડવાની કામગીરી કરી રહી છે.
સો. મીડિયામાં પાલિકા પ્રમુખ અને CO સામે ફરિયાદની માગ
ઢોર વચ્ચે આવતા છાત્રના મોતથી પાલિકાની ઢોર પકડવાની નીતિ સામે સવાલો ઉભા થયા છે. અગાઉની ઘટનામાં પોલીસ કેસ ચાલી રહ્યો છે. દશેરા ટેકરીના વૃદ્ધને સારવાર પેટે લાખ રૂપિયા અપાયા હતા ત્યારે આ ઘટનામાં જવાબદારી ચીફ ઓફિસર અને પ્રમુખની રહે છે, જેની સામે પોલીસ ફરિયાદ કરવા માટે સોશિયલ મીડિયામાં માગ કરાઇ છે.
ગાર્ડા કોલેજ દુઃખની લાગણી અનુભવે છે
ગાર્ડા કોલેજના ત્રીજા વર્ષમાં બી.કોમ.માં અભ્યાસ કરતા વિશાલ હળપતિના આકસ્મિક નિધન થતા દુઃખ છે. તેમના પરિવારને કોલેજના ટ્રસ્ટી મંડળ સાથે વાતચીત કરી યોગ્ય સહાય આપવાનો પ્રયત્ન કરીશું. પાલિકાએ રખડતા ઢોર ઝબ્બે કરવા કાર્યવાહી ઝડપી કરવી જોઇએ. > ડો.ધર્મવીર ગુર્જર, આચાર્ય, ગાર્ડા કોલેજ, નવસારી.
અકસ્માત છતાં રજૂઆત ધ્યાને લેવાતી નથી
નવસારી જિલ્લામાં રખડતા ઢોર માટે પાંજરાપોળ બનાવવા અમે સતત 6 વર્ષથી માગ કરી છતાં જગ્યા ફાળવાતી નથી. જગ્યા અપાય આવે તો પાંજરાપોળનો ખર્ચ ઉઠાવી અને રખડતા ઢોર પાંજરે પુરાશે. જો તેમ થાય તો આવા અકસ્માતનું પુનરાવર્તન નહીં થાય. > સાજનભાઈ ભરવાડ, પ્રમુખ, હિન્દુ યુવાવાહીની
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.