તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનને ગ્રીન સિગ્નલ:બીલીમોરા-વઘઈ વચ્ચે આદિવાસી સમાજ માટે ઉપયોગી ટ્રેન નવા રંગરૂપ સાથે શરૂ, ખોટના કારણે દોઢ વર્ષથી બંધ હતી

નવસારી19 દિવસ પહેલા
  • AC વિસ્ટાડોમ કોચની સુવિધા સાથે ટ્રેન શરૂ કરાઈ
  • ટુરીઝમને પ્રોત્સાહન આપવા માટે ટ્રેનની શરૂઆત થઈ

ભારત રેલ મંત્રાલયે ગુજરાતમાં ચાલતી 11 જેટલી નેરોગેજ ટ્રેન જે ખોટ કરતી હતી, તેને બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ત્યારબાદ રેલ મંત્રાલય દ્વારા વઘઇ બીલીમોરા ટ્રેન ચાલુ રાખવાની જાહેરાત કરાતા નવસારી અને ડાંગ જિલ્લામાં લોકોની નારાજગી દૂર થઈ હતી. આજે શનિવારે નવસારી જિલ્લા અને ડાંગ જિલ્લાના ભાજપના આગેવાનોની હાજરીમાં ગ્રીન સિગ્નલ આપી ટ્રેનને વઘઈ જવા માટે રવાના કરી છે.

નવસારી અને ડાંગ જિલ્લાને જોડતી બીલીમોરા વઘઈ સહિત રાજ્યની કુલ 11 ખોટ કરતી નેરોગેજ ટ્રેનો કાયમ માટે બંધ કરી દેવાનો ભારતીય રેલવે મંત્રાલયે નિર્ણય કર્યો હતો. રેલ મંત્રાલયના પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતની 11 ટ્રેન ચલાવવી આર્થિક રીતે પરવડતું નહીં હોવાનું કારણ દર્શાવીને તેને બંધ કરવાના નિર્ણય કર્યો હતો.

ટ્રેન બંધને લઈ જોવા મળી હતી નારાજગી
જેમાં વઘઇ બીલીમોરા વચ્ચે ચાલતી આદિવાસીઓ માટેની ઐતિહાસિક ટ્રેન પણ બંધ થઇ જવાની વાતને લઈને ડાંગના વેપારી મંડળ અને સ્થાનિક નેતાઓએ નારાજગી જાહેર કરી હતી. આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો હતો. સાથે ડાંગ અને નવસારી જિલ્લાના આદિવાસીઓ માટે જીવાદોરી સમાન ઐતિહાસિક ટ્રેન બંધ ન થાય એ માટે આંદોલન કરવાની પણ તૈયારી બતાવી હતી. જેને જોતા ભારતીય રેલ મંત્રાલયના નાણાકીય નિગમના સલાહકાર દ્વારા યોગ્ય તપાસ કરી આ નિર્ણય ઉપર વિચાર કરી સર્વે કરાવ્યાં બાદ, જાહેર કરેલી 11 ટ્રેન પૈકી (1)બીલીમોરા-વઘઈ (2) ચાંદોદ - માલસર અને (3) કોરડા- મોટીકોરલ રૂટની ટ્રેનને બંધ કરવાનો નિર્ણય પાછો લીધો હતો.

બાપુ કી ટ્રેન નવા રંગરૂપમાં શરૂ
અંગ્રેજોના સમયમાં શરૂ થયેલી બાપુ કી ટ્રેન હવે નવા રંગરૂપમાં અને નવી સુવિધાઓ સાથે આજે શનિવારથી રાબેતા મુજબ શરૂ થઈ છે. જેમાં રેલવે વિભાગે AC કોચની સુવિધા ઉપલબ્ધ કરાવતા આદિવાસી વિસ્તાર સહિત ઉનાઇ મંદિરે જવા માંગતા પ્રવાસીઓને એક નવો અનુભવ અને રોમાંચ સાથે સફરનો આનંદ મળશે.

આદિવાસી સમાજ માટે ટ્રેન અતિ ઉપયોગી
ભારતમાં અંગ્રેજોનું શાસન હતું, તે સમયે શરૂ કરેલી નેરોગેજ ટ્રેન આજદિન સુધી આદિવાસીઓ માટે આશીર્વાદરૂપ બની રહી છે. બાપુ કી ટ્રેન તરીકે ઓળખાતી બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન અંતરિયાળના આદિવાસીઓને શહેર સાથે જોડે છે, ત્યારે છેલ્લા અનેક સમયથી બંધ પડેલી નેરોગેજ ટ્રેન શનિવારથી દોઢ વર્ષબાદ ફરી શરૂ થઈ છે.

અનેક આંદોલન ધરણાં બાદ ટ્રેનની શરૂઆત
આજથી આશરે દોઢ વર્ષ પહેલાં વેસ્ટર્ન રેલવે દ્વારા આર્થિક રીતે ખોટ કરતી હોવાનું કારણ આગળ ધરીને ટ્રેનને બંધ કરી હતી, ત્યારે આદિવાસી સમાજ અને વાંસદા ના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં થયેલા ધરણા પ્રદર્શન અને લોકમાંગને જોતા રેલવે વિભાગે ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી હતી. પણ આર્થિક ખોટને સરભર કરવા માટે રેલવે ભાડામાં વધારો કર્યો છે. જેમાં પહેલા સાદી ટિકિટ 15 રૂપિયા હતી જે વધીને હવે 40 રૂપિયા કરાઈ છે અને એસી કોચનું ભાડું 560 રૂપિયા નક્કી કરાયું છે. ત્યારે ગરીબ આદિવાસીઓને આ ભાડું પરવડે છે કે કેમ તે અંગે પ્રશ્નાર્થ છે.

ભાડું વધતા આદિવાસીઓમાં મુંઝવણ
ટુરિસ્ટના ઉદ્દેશથી જો ટ્રેન શરૂ કરવામાં આવે તો ફાયદો થઇ શકે તેમ છે. પણ વધેલા ભાડાના ભારણથી આદિવાસી સમાજને મુશ્કેલી થઈ શકે છે કેમ કે, આ વિસ્તારમાં વસતા આદિવાસી લોકોને ખૂબ ઓછા પ્રમાણમાં રોજગારી અને વેતન મળે છે. જેમાં તેઓ નવસારી જિલ્લા કે અન્ય વિસ્તારમાં જવા માટે ટ્રેનનો પરિવહન તરીકે ઉપયોગ કરે છે, ત્યારે રેલવેએ વધારેલા ભાડાથી આદિવાસીઓમાં મુંઝવણ વધી છે.

સી. આર. પાટીલે લોકોને આ ટ્રેન શરૂ થવાને લઇ અભિનંદન આપ્યાં
સાંસદ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે તમામ આદિવાસી અને અન્ય સમાજના લોકોને આ ટ્રેન શરૂ થવાને લઇ અભિનંદન આપ્યાં હતા. આદિવાસી સમાજ માટે જીવાદોરી ગણાતી ટ્રેન હવે નવા રંગરૂપ અને એ.સી.ની સુવિધા સાથે શરૂ થવા જઈ રહી છે. સાથે જ ગાંધીનગરમાં રેલવે સ્ટેશન ઉપર જે આધુનિક સુવિધાઓ ઊભી થઇ છે તેને લઈને પણ પાટીલે વાત કરી હતી. ઉત્તર ગુજરાત અને આબુ તરફ જતી નવી ટ્રેનો પણ શરૂ થશે તેવી જાહેરાત પણ સી.આર.પાટીલે કરી હતી. ગુજરાત ક્વીન અને શતાબ્દી ટ્રેનને ગાંધીનગર સુધી લંબાવવા માટે પણ આગામી સમયમાં તેઓ ભલામણ કરશે. સાથે જ બંધ પડેલી આ નેરોગેજ ટ્રેન ફરી શરૂ થતા આદિવાસી સમાજની જીવાદોરી બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...