તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાય રે બેકારી:નવસારીમાં શરૂ થનાર સિટી બસ સેવામાં નોકરીની 31 જગ્યા સામે 700થી વધુ ઉમેદવારે ફોર્મ ભર્યા

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંડકટરની લાયકાત સામે ગ્રેજ્યુએટ, પીટીસી, એમ.એ.બીએડએ ફોર્મ ભર્યા

નવસારી શહેરમાં ઘણાં વર્ષો બાદ સિટી બસની શરૂઆત થનાર છે. નવસારી-વિજલપોર નગરપાલિકા દ્વારા આ સિટી બસમાં ડ્રાઈવર-કંડકટર અને મેનેજરની ભરતી માટે જાહેરાત આપવામાં આવી હતી. જેને લઈ શુક્રવારે ભરતીના ફોર્મ ભરવા ઉમેદવારો આવ્યાં હતા. જોકે 31 જગ્યા માટે 700થી વધુ લોકોએ ઉમેદવારીફોર્મ ભર્યા હતા. જેમાં શૈક્ષણિક લાયકાત સામે ઉચ્ચ શિક્ષણ મેળવેલા ઉમેદવારોએ પણ નોકરી માટે ફોર્મ ભર્યા હતા. નવસારી-વિજલપોર પાલિકાના હદ વિસ્તારમાં પુનઃ સિટી બસની સેવા શરૂ કરવામાં આવનાર છે. આ સેવા માટે ખાનગી કંપનીને ઇજારો આપવામાં આવ્યો છે. આશરે 40 વર્ષ બાદ પુનઃ શરૂ થઈ રહેલી સિટી બસસેવા માટે ડ્રાઈવર-કંડકટર અને મેનેજરની ભરતી કરવામાં આવનાર છે. આ જગ્યાઓ ભરવા શુક્રવારે પાલિકાના પાછળના ભાગે નોકરી માટે ઇચ્છુક ઉમેદવારો પાસે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ સિટી બસસેવા માટે 15 ડ્રાઇવર-15 કંડકટર અને 1 મેનેજરની ભરતી કરવામાં આવનાર છે.

શુક્રવારે સવારથી જ નોકરી માટે ઉમેદવારોની લાંબી કતારો જોવા મળી હતી. જેમાં બપોરે 12 વાગ્યા સુધીમાં 300થી વધુ ફોર્મ ભરાયા હતા. 5 વાગ્યા બાદ આશરે 700થી વધુ નોકરીઇચ્છુક ઉમેદવારોએ પોતાના ઉમેદવારીપત્રકો ભર્યા હતા. કોરોના કાળમાં મોટી સંખ્યામાં બેરોજગાર થયેલા યુવાનોએ પણ નોકરીમાં પોતાનું ભાગ્ય અજમાવ્યું હતું. જેમાં કંડકટર માટે ધોરણ-12ની લાયકાત સામે ગ્રેજ્યુએટ, પીટીસી, બીએડ, એમએબીએડ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઉલ્લેખનીય છે કે લાંબા સમય બાદ નવસારીમાં ફરીથી સિટી બસસેવા શરૂ થનાર હોવાથી લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રારંભિક ધોરણે શહેરના વિવિધ 10 રૂટ ઉપર 8 બસ દોડાવવામાં આવનાર છે.

કંડકટર માટે મહિલાને વધુ પ્રાધાન્ય અપાશે
31 જગ્યા માટે 700થી વધુ ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં સ્થાનિકોની પહેલી પસંદગી કરવામાં આવશે. કંડકટરની જગ્યા માટે મહિલા ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે. મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત શરૂ થનાર બસસેવામાં દરેક બસમાં મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરા, બસની એપ અને ભાડું રૂ. 5થી 10 મહત્તમ રહેશે. ઉમેદવારી ફોર્મની ચકાસણી બાદ ઉમેદવારને રૂબરૂ બોલાવવામાં આવશે. > બ્રિજેશ બારોટ, બસ સંચાલક, નવસારી

અન્ય સમાચારો પણ છે...