વિશ્વ આદિવાસી દિવસ:નવસારીના ચીખલીમાં 500થી વધુ આદિવાસી સમાજના લોકોએ રેલી યોજી, ચીખલી કસ્ટોડિયલ ડેથનો મુદ્દો ઉછાળ્યો

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કાળા વાવટા બતાવી ચીખલી પોલીસ હાય-હાય ના નારા લગાવ્યાં
  • ચીખલી કસ્ટોડિયલ ડેથના આરોપીઓની તત્કાલ ધરપકડની માંગણી ઉચ્ચારવામાં આવી

ભારતની આઝાદીનાં 75 વર્ષ પૂર્ણ થયા બાદ પણ આદિવાસી સમાજ પોતાના અધિકારોની માંગણી કરી રહ્યો છે. આજે સોમવારે વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત નવસારીના ચીખલી ખાતે આદિવાસીઓએ 11 મુદ્દાઓની માંગ સાથે આદિવાસી અધિકાર યાત્રા યોજી હતી. જેમાં મુખ્યત્વે ચીખલી કસ્ટોડિયલ ડેથના આરોપી પોલીસ અધિકારીઓની તત્કાલ ધરપકડની માંગણી ઉચ્ચારવામાં આવી હતી અને જાહેર માર્ગ પર ચીખલી પોલીસ હાય- હાય ના નારા લાગ્યાં હતા. સાથે સમગ્ર રેલીમાં કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં આરોપીની ધરપકડને લઈને આદિવાસી સમાજમાં રોષ જોવા મળ્યો હતો.

આદિવાસી સંગઠનોએ રેલી યોજી ઉજવણી કરીગુજરાતના આદિવાસી જિલ્લાઓમાંનો એક જિલ્લો નવસારી પણ છે. જેના ત્રણ તાલુકાઓમાં આદિવાસીઓની સંખ્યા વધુ છે. ત્યારે યુનો દ્વારા જાહેર કરાયેલા 13મી સપ્ટેમ્બરને વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અંતર્ગત આજે આદિવાસી સંગઠનોએ ચીખલી ખાતે આદિવાસી અધિકાર યાત્રા યોજી આ દિવસ ઉજવ્યો હતો. ચીખલી સર્કિટ હાઉસ ખાતેથી આદિવાસી અને કોંગી ધારાસભ્ય આનંદ પટેલની આગેવાનીમાં અધિકાર યાત્રા નીકળી હતી. ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યુંઆદિવાસી વાજિંત્રોના તાલે આદિવાસી નૃત્ય અને એક જ ચાલે, આદિવાસી જ ચાલેના નારા તેમજ કાળા ઝંડાઓ સાથે યાત્રા નીકાળી હતી.

જેમાં અંદાજે 500થી વધુ આદિવાસીઓ જોડાયા હતા. આ યાત્રા દરમિયાન ચીખલી પોલીસ મથક નજીક આદિવાસીઓએ જિલ્લા પોલીસની હાય-હાય બોલાવી હતી. ચીખલી પોલીસ મથકમાં બે આદિવાસી યુવાનોની હત્યા કરનારા પોલીસ અધિકારીઓની દોઢ મહિનો વીતવા છતાં પણ ધરપકડ ન થતા રોષ ઠાલવ્યો હતો અને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી ઉગ્ર માંગણી ઉચ્ચારી હતી.

આ સાથે જ યાત્રા ચીખલી મામલતદાર કચેરીએ પહોંચી હતી અને ચીખલી મામલતદારને આવેદનપત્ર પાઠવી આદિવાસીઓના અધિકારોનું સરકાર જતન કરે તેવી માંગણી કરવામાં આવી હતી. જો આરોપીઓની ધરપકડ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારીચીખલી કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં હજુ સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. જેને લઇને આગામી સમયમાં આદિવાસી સમાજ વધુ ઉગ્ર આંદોલન આપી શકે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી. ત્યારે આ કાર્યક્રમમાં આદિવાસીઓનો મિજાજ જોતાં લાગી રહ્યું છે કે સમાજ ફરિવાર એકજુટ થઇને આ સમગ્ર મામલે આરોપીને ધરપકડ કરવા માટે પોલીસ તંત્ર ઉપર દબાણ લાવી શકે છે

આરોપી પોલીસ અધિકારીએ બે વખત આગોતરા જામીન માટે અરજી કરી હતી. જે નામંજૂર થતા હવે આદિવાસી સમાજ આ કેસમાં આરોપી પોલીસ કર્મીઓની વહેલી તકે ધરપકડ થાય તેવી માંગ સાથે આંદોલન પણ કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...