નવસારીમાં પૂરનો કહેર:40 હજારથી વધુ લોકો મુશ્કેલીમાં, 3 હજારનું સ્થળાંતર, 2 વ્યક્તિના મોત

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેરના 15 ટકા વિસ્તારો જળબંબાકાર
  • સતત ત્રીજા દિવસે જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીની ઉડતી મુલાકાતે

પૂર્ણાં નદીના પૂરના પાણી નવસારી શહેરના અનેક વિસ્તારોમાં પ્રવેશી જતા 40 હજારથી વધુ લોકોને સીધી અસર થઈ તો 3 હજાર કેટલાને અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. 2 નું મૃત્યુ પણ થયું હતું. આમ તો છેલ્લા 24 કલાક દરમિયાન નવસારીમાં પોણા 2 ઈંચ જ વરસાદ પડ્યો હતો પણ ઉપરવાસ એવા ડાંગમાં અતિ ભારે વરસાદ પડતાં નવસારીથી પસાર થતી પૂર્ણાં નદીએ ભયજનક 23 ફૂટની સપાટી વટાવી મંગળવારે વહેલી સવારે 27 ફૂટ થઈ ગઈ હતી. જેના કારણે પૂર્ણાં નદીના પૂરના પાણી નવસારીના અનેક વિસ્તારોમાં પ્રવેશી ગયા હતા.

શહેરના લગભગ 15 ટકા વિસ્તારમાં પાણી ફરી વળતા 40 હજારથી વધુ લોકોને સીધી અસર થઈ હતી. આમ તો ઘણા ઘરોમાં પાણી પ્રવેશી ગયા હતા પણ કેટલાક ઘરોની સ્થિતિ વધુ ગંભીર બનતા 3 હજાર જેટલા લોકોને અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું હતું. શહેરના વિસ્તારના રહેતા એક યુવાનનું પાણીમાં ડૂબી જતાં મૃત્યુ પણ થયું હતું.

ઉપરાંત રૂસ્તમવાડી વિસ્તારમાં પણ એક મહિલાનું મૃત્યુ થયાનું જાણવા મળ્યું છે. સ્થિતિની ગંભીરતાની નોંધ લઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ સાંજે નવસારીની મુલાકાત લીધી હતી. તંત્ર દ્વારા સોમવાર અને મંગળવાર બાદ બુધવારે સતત ત્રીજા દિવસે પણ જિલ્લાની તમામ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

પૂરના પાણી 1 કિમી દૂર ગયા પણ નદીને લાગુ વિસ્તારમાં નહીં
પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવવા છતાં નદીને બિલકુલ જ અડીને આવેલા વિરાવળ સ્મશાનગૃહહમાં પૂરના પાણી પ્રવેશ્યાં જ નહીં. જોકે નદીથી આશરે 1 કિ.મી. દૂર આવેલ શાંતાદેવી રોડ વિસ્તારોમાં ફરી વળ્યાં હતા.

આજે પણ ભારે વરસાદની આગાહી
ભારતીય મોસમ વિભાગે 13 જુલાઈ બુધવારે પણ નવસારી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે.

જો નવસારીમાં પણ ભારે વરસાદ પડતે તો...
નવસારીમાં જે સ્થિતિ મંગળવારે સર્જાઈ હતી, તે ડાંગમાં પડેલ અતિભારે વરસાદના કારણે જ હતી. નવસારીમાં તો 24 કલાકમાં પોણા 2 ઈંચ જ પડ્યો હતો. જો અહીં પણ 7થી 8 ઈંચ વરસાદ ઝીંકાયો હોત તો સ્થિતિ વધુ વણસી શકે એમ હતું.

આ વિસ્તારો વધુ અસરગ્રસ્ત
સમગ્ર રીંગરોડ નજીકનો વિસ્તાર, જલાલપોર, બંદર રોડ, રાયચંદ રોડ, શાંતાદેવી રોડ, ચોવીસી, કાલીયાવાડી, દશેરા ટેકરી વિગેરે વિસ્તાર.

પૂરગ્રસ્ત નવસારીની સાથે સાથે

  • પૂરના પાણી વિરાવળ સ્થિત એપીએમસીમાં પ્રવેશતા માર્કેટયાર્ડમાં શાકભાજી વગેરેનો વેપાર બંધ રહ્યો હતો.
  • નદીકાંઠે આવેલ વિરાવળ સ્મશાનભૂમિમાં નહીં જઈ શકતા અનેક મૃતદેહો પૂર્ણેશ્વર યા અન્ય જગ્યાએ લઈ જવા પડ્યાં હતા.
  • પૂરમાં ફસાયેલા લોકો માટે પાલિકાએ 10 હજાર ફૂડપેકેટો બનાવી વિતરીત કર્યા હતા તો પાણી પણ વિતરીત કર્યું હતું.
  • ઝવેરી સડક નજીકના વિસ્તારમાં પૂરના પાણીમાં બીયરના ટીન તરતા દેખાયાનું લોકોએ જણાવ્યું હતું.
  • પૂરના કારણે સ્થળાંતર કરાયેલ મહત્તમ જણાને સ્કૂલોમાં આશ્રય અપાયો હતો.
અન્ય સમાચારો પણ છે...