કોરોના વેક્સિનેશન અભિયાન:નવસારી જિલ્લામાં કોવિડથી મૃત્યુ પામનારાઓમાં 40%થી વધુ વૃદ્ધો છતાં હજુ 45%ને વેક્સિન નહીં

નવસારીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાની અંદાજીત 15 લાખ વસતિમાં 60+ની 1.59 લાખ છે, વસતિના પ્રમાણમાં મૃત્યુનું પ્રમાણ ઘણું વધુ
  • 60+ વૃદ્ધોને વેક્સિનમાં અગ્રતા અપાઈ પણ સેન્ટરો નજીક ન હોય ઘણાને મુશ્કેલી, વૃદ્ધોને ઘરે ઘરે જઈ રસીકરણની પણ નીતિ નહીં

નવસારી જિલ્લામાં 60+ વૃદ્ધોની સંખ્યા 10.50 ટકા છે પણ તેઓના અપૂરતા વેક્સિનેશનના કારણે જિલ્લામાં મૃત્યુ પામનારામાં 40 ટકાથી વધુ આ વૃદ્ધો જ છે. સરકારે હેલ્થવર્કર અને ફ્રન્ટલાઈન વર્કરોના વેક્સિનેશન બાદ સૌથી પહેલું વેક્સિનેશન 60+ વયના લોકોનું જ 1 માર્ચથી શરૂ કરવામાં આવ્યું હતું. તેમને વેક્સિનમાં અગ્રતા આપવાનું કારણ એ છે કે વૃદ્ધોની ઉંમરના કારણે ઇમ્યુનિટી ઓછી હોય કોરોનામાં તેમના જીવને જોખમ ઉભું થઈ શકે છે.

નવસારી જિલ્લાની હાલની કુલ અંદાજીત 15 લાખની વસતિમાં આ વર્ગની વસતિ 1.59 લાખ છે અને તેમને વેક્સિન આપવાનું શરૂ થયું છે. મળતી માહિતી મુજબ હાલ સુધીમાં 60+ના અંદાજીત 55 ટકા એ જ વેક્સિન લીધી છે. હજુ હજારો વૃદ્ધોએ એક યા બીજા કારણથી વેક્સિન લીધી નથી. અહીં મહત્વની વાત એ છે કે કોરોનાના સમયમાં 60+ વયના લોકો સંક્રમિત તો પ્રમાણમાં ઓછા થયા છે પણ તેમના મૃત્યુનું પ્રમાણ વધુ છે. સરકારી રેકર્ડ ઉપર જિલ્લામાં હાલ સુધી 183 જણાના મૃત્યુ નોંધાયા છે, તેમાં અંદાજે 78થી વધુ તો વૃદ્ધો જ છે. જોકે સરકારી રેકર્ડ પર ન હોય તેવા મૃત્યુ પણ ઘણા છે.

વૃદ્ધોના વધુ મૃત્યુનું એક મહત્વનું કારણ તેમનું ઓછું વેક્સિનેશન છે. કદાચ કેટલાક 60+ એ પોતે વેક્સિનેશનમાં આળસ કરી હશે પણ સરકારે પણ વૃદ્ધો વધુ વેક્સિનેટ થાય તે માટે તેમને ઘર નજીક જ રસી અપાય તે માટે પૂરતા પ્રયત્નો કરાયા નથી. અનેક વૃદ્ધોએ દૂર સુધી જવું પડે છે. અનેક વૃદ્ધો ચાલી શકે તેમ નથી ત્યારે તેમને ઘરે રસી આપવામાં પણ નીતિ બનાવાય નથી.

પોલીયોની જેમ ઘરે-ઘરે જઇ રસીકરણ કેમ ન થઇ શકે?
છેલ્લા ઘણાં સમયથી નવસારી જિલ્લામાં પણ 0 થી 5 વર્ષ સુધીના બાળકોને ‘પોલીયોના ટીપા’ આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં ઘણાં કેન્દ્રો રસીકરણ માટે બનવાયા છે. રેલવે, ડેપો, માર્ગોની લગોલગ પણ રસી કેન્દ્ર બનાવાયા છે. એટલું જ નહીં ઘરે ઘરે જઈ પણ ટીપા બાળકોને પીવડાવાય છે. આનો ફાયદો એ થયો કે જિલ્લામાં પોલીયો નાબુદ થઈ ગયો છે. શું કોરોનામાં ઘરે જઈ રસી આપી ન શકાય ?

હાલ રોજ 23 જગ્યાએ જ રસીકરણ
નવસારી જિલ્લામાં અગાઉ 240 જેટલા સેન્ટરો ઉપર રસી અપાતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી રસીના ડોઝ ઓછા આવતા તથા લોકો પણ વેક્સિનેશન માટે ઓછા આવતા હોવાના કારણસર રોજ 23 જગ્યાએ જ વેક્સિન અપાઈ રહી છે. જોકે જગ્યા બદલાતી રહે છે. જોકે હવે 60+ લોકો વેક્સિને લેવા આવતા નહીં હોવાની દલીલ તંત્ર કરી રહ્યું છે.

પથારીવશ લોકોનો વિચાર કરવો જોઇએ
મારીથી ઉભુ રહેવાતું નથી અને બેસાતુ પણ નથી. મને બેસવા માટે અન્ય વ્યક્તિનો સહારો લેવા પડે છે. આવી પરિસ્થિતિમાં હું વેક્સિન લેવા માટે જઇ શકું તેમ નથી. સરકારે અમારા જેવા પથારીવશ લોકો વિશે વિચાર કરીને ઘરે જ વેક્સિન મુકવાની ખાસ વ્યવસ્થા ઉભી કરવી જોઇએ. > દક્ષાબેન નાયક, (ઉ.વ.66), નવસારી

વૃદ્ધોને રસી મુકાવવા સુવિધા જરૂરી
ગામડાઓમાં વૃદ્ધોને સમજાવી સરળતાથી વેક્સિનેશન થાય તેવા પ્રયાસ સરકારે કરવા જોઇએ. અગાઉ વેક્સિનેશન અંગે ઘર બેઠા મુકાશે તેવી ચર્ચી ચાલી પણ હજુ સુધી કોઇ પણ આવ્યું નથી. મારાથી ચાલી કેન્દ્ર સુધી જઇ શકાય તેવી સ્થિતિ નથી. > સવિતાબેન રાઠોડ, દંડેશ્વર, નવસારી

​​​​​​​દિવ્યાંગોને પણ રસી લેવામાં હાડમારી
નવસારી જિલ્લામાં 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તેવા અંદાજે 5500 જેટલા લોકો છે. જેમને પણ ઘરે જઈ રસીકરણની ગાઈડલાઈન નથી. આવા લોકો જો આરોગ્ય તંત્રને જાણ કરે તો વાહન લેવા જઈ વેક્સિનેટ કરતા હોવાનું તંત્ર કહે છે. હવે દિવ્યાંગો માટે રસીના કેમ્પ કરવા સૂચના આવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે હાલ સુધી કેમ્પ કરાયા નથી.

અનેક વૃદ્ધોના વેક્સિન લેવાથી જીવ બચ્યાં
વેક્સિનના બે ડોઝ લેવાથી અનેક વૃદ્ધોનો જીવ બચી ગયાના ઉદાહરણ છે. નવસારી તાલુકાના આમરી ગામના 72 વર્ષીય વૃદ્ધનો કોરોના પોઝિટિવ આવ્યાં અને 85 ટકાથી વધુ સંક્રમણ ફેલાયું હતું. તેમણે હોસ્પિટલમાં સારવાર લીધી અને સાજા થઈ ઘરે ગયા હતા. તેમણે વેક્સિનના બે ડોઝ લીધા હોવાનું જણાવા મળ્યું છે. આવા તો અનેક કિસ્સા છે. કોરોનામાં વેક્સિનના બે ડોઝ લીધા બાદ મૃત્યુ પામવાની સક્રિયતા ખુબ જ ઘટી જાય છે.

અન્ય સમાચારો પણ છે...