તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Navsari
  • More Than 25 Cases Of Mucomycosis In Navsari, The Patient Has To Give 63 To 150 Injections Of 1 In 7 Thousand Depending On The Condition

મ્યુકોરમાયકોસિસનું વધતું પ્રમાણ:નવસારીમાં મ્યુકરમાઇકોસિસના 25થી વધુ કેસ, દર્દીને સ્થિતિ પ્રમાણે 7 હજારનું 1 એવા 63 થી 150 ઇન્જેક્શન આપવા પડે

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો. સમીર પરીખ, આંખના રોગના નિષ્ણાંત, નવસારી - Divya Bhaskar
ડો. સમીર પરીખ, આંખના રોગના નિષ્ણાંત, નવસારી
  • નવસારીમાં મ્યુકરમાઇકોસિસના 25થી વધુ કેસ, દર્દીને સ્થિતિ પ્રમાણે 7 હજારનું 1 એવા 63 થી 150 ઇન્જેક્શન આપવા પડે
  • ખાનગી તબીબો પાસે ગયેલા મોટાભાગના દર્દીઓને સારવાર માટે સુરત રિફર કરાયા, જોકે હજુ સરકારી રેકર્ડ પર 3 જ કેસ

નવસારીમાં મ્યુકરમાઇકોસિસના 25થી વધુ કેસ બહાર આવ્યા છે. જેમાંથી મોટાભાગના કેસોનો સુરત રિફર કરાયા છે. જોકે સરકારી ચોપડે માત્ર 3 કેસ નોંધાયા છે. આ રોગમાં દર્દીની સ્થિતિ પ્રમાણે 7થી 8 હજારનું એક એવા 63 થી 150 જેટલા ‘એમ્ફોટેરીસીન- બી’ ઇન્જેક્શન આપવા પડતા હોવાનું તબીબી સુત્રોએ જણાવ્યું છે. ત્યારે કહીં શકાય કે આ બીમારી ગરીબ અને મધ્યમ વર્ગની આર્થિક રીતે કમર તોડી નાખે તેવી છે.

કોરોના પોઝિટિવ આવેલ કેટલાક દર્દીઓને થોડા દિવસોમાં મ્યુકરમાઇકોસિસ નામનો રોગ થઈ રહ્યો છે,જેને ‘બ્લેક ફંગર’ પણ કહેવામાં આવે છે. આ રોગના દર્દીઓ અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં ઘણા જોવા મળી રહ્યાં છે પણ હવે નવસારી પણ આ રોગ દેખાયો છે. આ રોગના દર્દીઓની આંખ, નાક-ગળા, દાંત, મગજને વિપરીત અસર થાય છે ત્યારે નવસારીના આંખના ડોકટર, ઇએનટી સર્જન, ડેન્ટીસ્ટ પાસે મ્યુકરમાઇકોસિસના દર્દીઓ જઈ રહ્યાં છે.

હાલ સુધીમાં નવસારીમાં આ રોગના અંદાજે 25થી વધુ દર્દી દેખાયા છે. જેમાં જાણીતા આંખના સર્જન ડો. સમીર પરીખ પાસે 15 કેસ, ઇએનટી તબીબ ડો. હિતેન્દ્ર કાલાવડીયા પાસે જ 5 દર્દી આવ્યાં છે. ડેન્ટીસ્ટ ડો. ચાર્મી દેસાઈ પાસે 1 દર્દી આવ્યો હતો. મોટાભાગના દર્દીઓને સુરત સારવાર માટે રિફર કરાયા છે. બીનસત્તાવાર 25 દર્દી સામે સરકારી રેકર્ડ ઉપર હજુ 3 જ શંકાસ્પદ દર્દી દર્શાવાયા છે. આ કેસ ચીખલી અને વાંસદા તાલુકામાંથી આવ્યાં છે, જેમને વલસાડ રિફર કરાયા છે.

સિવિલમાં ટ્રીટમેન્ટની કોઈ તૈયારી નહીં
મ્યુકરમાઇકોસિસના ઇન્જેકશન અને તેની ટ્રીટમેન્ટ કોવિડ કરતા અનેક ગણી મોંઘી છે. જેને લઈને ગરીબ યા મધ્યમવર્ગને પોષાય એમ નથી. આ સ્થિતિમાં સરકારી સારવાર ભણી નજર દોડાવીએ તો હાલ નવસારી સિવિલ હોસ્પિટલમાં તેની હજુ સુધી સારવારની કોઈ જ વ્યવસ્થા નથી. મુખ્યમંત્રીએ થોડા દિવસો અગાઉ સિવિલમાં આ રોગ માટે અલાયદો વોર્ડ તૈયાર કરવાની વાત કરી હતી પણ નવસારી સિવિલમાં કરાયો નથી, ઇન્જેકશન પણ નથી.

સિવિલમાં અલાયદો વોર્ડ બનાવી દવા-ઇન્જેકશનની વ્યવસ્થા કરો
સિવિલ હોસ્પિટલની મુલાકાતે ગયો હતો ત્યારે ધ્યાનમાં આવ્યું કે હાલ જે જીવલેણ મ્યુકોરમાઈકોસીસ રોગ થાય છે તેમાં દર્દીઓની આંખ અને જડબા કાઢી નાંખવાના કિસ્સા બને છે. ખાનગીમાં તેની સારવાર પણ ખુબ ખર્ચાળ છે. સરકાર દ્વારા એપેડેમિક એક્ટ હેઠળ જે સત્તા મળી છે તેનો ઉપયોગ કરી ઇએનટી અને આઈ સ્પેશ્યાલિસ્ટ ડોકટરો હેઠળ સિવિલ હોસ્પિટલમાં આ રોગ માટે અલાયદો વોર્ડ બનાવવામાં આવે તેમજ તે માટેની દવા અને ઇન્જેકશનોની વ્યવસ્થા કરવામાં આવે તેવા તાત્કાલિક પગલાં લેવા મારો અનુરોધ છે. > પિયુષભાઈ દેસાઈ, ધારાસભ્ય, નવસારી

તબીબોના ટીમવર્કથી થતી ટ્રીટમેન્ટ
મારી પાસે 15 જેટલા ‘મ્યુકરમાઇકોસિસ’ના દર્દી આવ્યા હતા, આ દર્દીઓને આંખની મુવમેન્ટ બંધ થવી, દેખાતુ ઝાંખુ થવું, આંખ બહાર આવી જવી જેવી મુશ્કેલી હતી. આ તમામ થોડા સમય અગાઉ કોવિડ પોઝિટિવ પણ રહ્યાં હતા. આ રોગની ટ્રીટમેન્ટ માટે ‘તબીબોનું ટીમવર્ક’ જરૂરી છે. ઓક્યુલો પ્લાસ્ટીક સર્જન, ઈએનટી સર્જન તથા ન્યૂરોસર્જન તબીબની ટીમ ટ્રીટમેન્ટ કરી શકે છે. આ ટ્રીટમેન્ટ હાલ સુરતમાં સારી રીતે થઈ રહી હોય અમે દર્દીઓને સુરત રીફર કર્યા હતા. > ડો. સમીર પરીખ, આંખના રોગના નિષ્ણાંત, નવસારી

5 દર્દી સુરત રિફર કર્યા હતા
આશરે 15 દિવસ પહેલા કોવિડ પોઝિટિવ રહેલા કેટલાક દર્દી મારી પાસે આવ્યા હતા, જેને નાક-સાયનસ દુ:ખાવાનો પ્રોબ્લેમ હતો. આવા પાંચ જેટલા મ્યુકરમાઇકોસિસના કેસને સુરત રિફર કર્યા હતા. નવસારીમાં તેની ટ્રીટમેન્ટ હાલ મુશ્કેલ છે. > ડો. હિતેન્દ્ર કાલાવડીયા, ઈએનટી સર્જન, નવસારી

​​​​​​​ઇન્જેકશન ‘એમ્ફોટેરીસિન- બી’ની નવસારીમાં અછત
આ રોગના દર્દીને એમ્ફોટેરીસિન-બી ઇન્જેકશન અપાય છે. જોકે નવસારીમાં હાલ આ ઇન્જેકશનની અછત હોવાની જાણકારી મળી છે. બીજુ કે તેની ટ્રીટમેન્ટ માટે ‘તબીબની ટીમ’ પણ ન હોય સુરત જ દર્દીને રિફર કરાય છે. જેથી આ રોગના દર્દીઓ આર્થિક હાડમારી વેઠી રહ્યા છે.

દાંતનો દુ:ખાવો, પેઢામાં સોજો, આંખમાં ઝાંખપ સહિતના લક્ષણ
મ્યુકરમાઇકોસિસનો રોગ કોરોના કાળમાં જોવા મળી રહ્યો છે. ડેન્ટલમાં પણ તેની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોના થયા બાદ દર્દીને સાજા થયા પછી આ રોગ લાગુ પડી શકે છે એટલે તેમાં કાળજી લેવી અનિવાર્ય છે. ખાસ કરીને આ રોગના લક્ષણો જોઈએ તો દાંતમાં દુ:ખાવો, પેઢામાં સોજો આવવો, પેઢામાંથી લોહી અને રસી આવવી, દાંત અચાનક હલી જવા, ઉપરના જડબાના તાળવામાં હાડકુ દેખાવાની શરૂઆત થવી, નસ ખોટી પડી જવી, નાક બંધ થઈ જવું, નાકમાંથી પાણી આવવું, માથામાં દુ:ખાવો થવો, આંખમાં ઝાંખપ આવવી વગેરે. જો આવા લક્ષણો હોય તો તરત જ ડોકટરનો સંપર્ક હિતાવહ છે.

હાલ વાંસદા જેવા વિસ્તારમાં પણ આવા કેસો દેખાયા છે અને તેની ટ્રીટમેન્ટની તજવીજ હાથ ધરાઈ છે. આ માત્ર એક ડોકટરથી ટ્રીટમેન્ટ નહીં થાય એમાં અન્ય નાક-ગળા સહિતના સ્પેશ્યાલિસ્ટ ડોકટરોના ટીમવર્કથી જ રોગનું નિદાન કરી શકાય છે. જો રોગના કોઈ લક્ષણ હોય તો તરત જ ડોકટરનો સંપર્ક કરવો જ હિતાવહ છે. > ડો. ચાર્મી એમ. દેસાઈ, ડેન્ટીસ્ટ, નવસારી

અન્ય સમાચારો પણ છે...