નવસારી જળબંબાકાર:પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવતાં શહેરના ભેસતખાડામાં 100થી વધુ ઘરો પાણીમાં ગરકાવ, સુરત- નવસારી સ્ટેટ હાઇવે બંધ

નવસારી3 મહિનો પહેલા
  • પૂર્ણા નદી 27 ફૂટની ભયજનક સપાટીએ પહોંચી, અનેક લોકોનું સ્થાળાંતર કરાયું

નવસારી જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેથી જનજીવન પ્રભાવિત થયું છે. આ ઉપરાંત ઉપરવાસના ડાંગ અને સુરત જિલ્લામાં પડેલા અનરાધાર વરસાદને કારણે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે, નવસારી શહેરના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં, જેથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂર્ણા નદીના જળસ્તર વધતાં ભેસતખાડા વિસ્તારમાં પણ 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં તેમજ વિસ્તારમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયાં છે.

તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી
નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં જળસ્તર 27 ફૂટે પહોંચતાં નવસારી શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના ભેસતખાડા વિસ્તારમાં 100થી વધુ ઘરોમાં પાણી ઘૂસ્યાં હતાં, જેથી તંત્ર દ્વારા 450 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યાં છે. તંત્રના નાયબ મામલતદારને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. તંત્ર દ્વારા સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે. ઢિમ્મર સમાજની વાડીમાં આશરો પામેલા અસરગ્રસ્તો માટે સામાજિક સંસ્થાઓ અને પાલિકા દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

પૂર્ણા નદી ભયજનક સપાટી પર.
પૂર્ણા નદી ભયજનક સપાટી પર.

નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર વાહનવ્યવહાર બંધ
પૂર્ણા નદીમાં જળસ્તર 27 ફૂટે પહોંચતાં નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારમાં 5 ફૂટથી વધુ પાણી ભરાયાં છે. પૂર્ણા નદીમાં પાણી વધતાં ખાડીઓ પણ છલકાઈ છે, જેની સાથે શહેરના વિરાવળ જકાતનાકા નજીક રસ્તા પર પાણી ફરી વળતાં નવસારી-સુરત સ્ટેટ હાઇવે પ્રભાવિત થયો છે અને વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો છે.

APMC માર્કેટમાં પણ પાણી ભરાયાં
રસ્તા નજીકનાં કેટલાંય ઘરોમાં રાત્રે 2 વાગ્યાથી પાણી ભરાતાં બાળકોથી લઈ વૃદ્ધો પણ મુશ્કેલીમાં મુકાયાં છે. નજીકમાં યશફીન હોસ્પિટલમાં પણ દર્દીઓનાં સગાંને તેમના સુધી પહોંચવામાં મુશ્કેલી પડી હતી. જ્યારે નવસારી APMC માર્કેટમાં પણ પાણી ભરાતાં શાકભાજી વિક્રેતાઓના વેપાર પણ અટકી પડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...