તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાહનચાલકોને મુશ્કેલી:50 મીટર વિસ્તારમાં 10 વર્ષમાં 10થી વધુ ‘મોટા ભુવા’

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારીમાં પશ્ચિમે રેલવે ફાટક સામે મુખ્ય માર્ગ પર લગભગ દર વર્ષે ભુવા પડે છે, ગુરુવારે અે જ જગ્યાએ ફરી ભુવો પડ્યો
  • જ્યાં ભુવાે પડ્યાે છે ત્યાંથી 4 દિશામાં રસ્તા જાય છે, ભુવો પડતા જ અંદાજે 15 હજાર વાહનચાલકોને હાલાકી શરૂ થઈ ગઈ

નવસારી શહેરમાં પશ્ચિમે વિભાગે રેલવે ફાટક સામે માત્ર 50 મીટરના વિસ્તારમાં છેલ્લા 10 વર્ષમાં 10થી વધુ મસમોટા ભુવા પડ્યાં છે. ગુરુવારે ચોમાસુ શરૂ થતાં પુનઃ ભુવો પડતા અંદાજે 15 હજાર વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

નવસારીમાં પશ્ચિમે રેલવે ફાટક સામે પોલીસ ચોકી નજીકનો 50 મીટરનો વિસ્તાર શહેરમાં ‘ભુવા વિસ્તાર’ તરીકે ઓળખાવા લાગ્યો છે. દર વર્ષે ખાસ કરીને ચોમાસામાં અહીં રોડ નીચેની માટીનું ધોવાણ થતા ભુવો પડે છે. ગુરુવારે પણ બપોરે ઉક્ત રેલવે ફાટક સામેના વિસ્તારમાં ચોમાસુ હજુ તો બેસતા જ મસમોટો ભુવો પડતા પાલિકા તંત્ર દોડતું થઈ ગયું હતું. રોડ નીચેથી પસાર થતી ગટરની લાઈનમાં લીકેજ થઈ માટીનું ધોવાણ થતા ભુવો પડ્યાંનું જણાયું છે.

અહીં ઉલ્લેખનીય છે કે નવસારીમાં ઉક્ત ફાટક વિસ્તારમાં મુખ્ય માર્ગ ઉપર લગભગ 10 વર્ષથી ભુવા પડી રહ્યા છે. એકાદ વર્ષને બાદ કરતાં લગભગ દર વર્ષે ભુવા પડ્યાં છે અને કેટલાક વર્ષે તો અહીં એકથી વધુ વખત ભુવા પડ્યા છે. આ ભુવા વિસ્તારમાં ફાટક તરફ, જલાલપોર તરફ, સ્ટેશન-વિજલપોર તરફ અને બંદર રોડ તરફ એમ 4 રસ્તા પડે છે,જેથી અંદાજે 15 હજારથી વધુ વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે, ગુરુવારે પણ મુશ્કેલીમાં મૂકાયા હતા.

250 મીટર દૂર પણ નાનો ભુવો પડ્યો
ગુરૂવારે નવસારીની પશ્ચિમે 1 નહીં 2 ભુવા પડ્યાં હતા. મુખ્ય માર્ગ પર ફાટક સામે તો મોટો ભુવો પડ્યો પરંતુ આ ભુવાથી 250 મીટર દક્ષિણે ગાયત્રી મંદિર સામે પણ માર્ગનીી બાજુમાં નાનો ભુવવો પડ્યો હતો. અહીં પણ માર્ગ નીચેની ગટરલાઈન લીકેજ થયાનું જણાયું હતું.

ભુવા ઉપર ‘60 લાખથી વધુ’ ખર્ચ
ભુવો પડવાથી વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે અને ‘ભય’ પણ સર્જાય છે પરંતુ આ ભુવા નીચેની લાઈનમાં રિપેરીંગ, ભુવો ‘ભયમુક્ત’ કરવા પાલિકાને લાખો રૂપિયા ખર્ચવા પડે છે. એક વખતમાં જ 5થી 7 લાખનો ખર્ચ છે ત્યારે છેલ્લા 10 વર્ષમાં ખર્ચનો આંક 60 લાખથી ય વધી ગયો છે.

વર્ષાેથી માત્ર ‘થીંગડા’, કાયમી ઉકેલ નહીં
ભુવાની સ્થિતિ એક-બે વર્ષ નહીં દસેક વર્ષથી છે. દર વર્ષે પાલિકા રોડ નીચેની ગટરની લાઈન લીકેજ કરે છે, પુરાણ કરે છે અને ભુવો કામચલાઉ ભયમુક્ત કરી દે છે, ફરીવાર લાઈન લીકેજથી ભુવો પડતા ફરી એજ પ્રક્રિયા પાલિકા કરે છે. 10 વર્ષથી આ રીતે ‘થીંગડા’ જ મરાય છે, કાયમી ઉકેલ આવ્યો નથી.

અનેક વખત વાહનો પણ ફસાયા હતા
હાલ સુધી ભુવો પડતા જાનહાનિ થઈ નથી પરંતુ રોડ બેસી જતા અનેક વખત ટેમ્પો, ટ્રક ભુવામાં ફસાઈ જવાની ઘટના બની છે.

અવારનવાર ભુવા પડવાના આ કારણાે હાેઇ શકે
ભુવો દર વર્ષે પડે તો છે પરંતુ આજ વિસ્તારમાં જ અનેક વખત કેમ પડે છે ? આ અંગે જાણવા મળતી માહિતી મુજબ ભુવા વિસ્તારના રોડ નીચેથી વિજલપોરની ડ્રેનેજ લાઈન જાય છે. આ ઉપરાંત તેનાથી નીચે નવસારીની પણ ગટર લાઈન હોવાનું જાણવા મળે છે. નવસારીની પાણીની લાઈન પણ થોડે દૂરથી જાય છે. ઉક્ત લાઈનોમાં લીકેજ થતા પાણી નજીકની માટીમાં ભળી જતા માટીનું ધોવાણ થઈ ‘ખસી’ જતા રોડ જે તે વિસ્તારમાં બેસી જાય છે અને ભુવો પડે છે. વિજલપોરની ડ્રેનેજ લાઈન જ વધુ વખત લીકેજ થાય છે અને તેનાથી ભુવો પડી રહ્યાનું પાલિકા સૂત્રો જણાવે છે.

અન્ય સમાચારો પણ છે...