વાંસદા તાલુકાના આદિવાસી પંથકમાં આવેલા વાટી કેવડી સહિત 25 જેટલા ગામડાઓ 20 વર્ષથી વરસાદી માહોલમાં અંબિકા નદીમાં પાણી ભરાતાં સંપર્ક વિહોણા બને છે. છતાં પણ આજ સુધી તંત્રે આ ગામડા અને ડાંગ જિલ્લાને જોડતા અંબિકા નદી પર પુલ બનાવવાની ફુરસદ મળી નથી. ચોમાસુ આવતા મુસીબત પણ શરૂ થાય છે. વધુ વરસાદ પડતા રસ્તાનું ધોવાણ થાય છે અને નદીમાં પાણી ભરાય છે. જેથી 25 ગામનો એક બીજા સાથેનો સંપર્ક તૂટી જાય છે. વાટી ગામમાંથી મુખ્ય મથક વાંસદા જવા માટે 20 કિલોમીટરથી વધુનો ચકરાવો ફરીને ગામલોકોને બજારમાં આવવું પડે છે. આ પરિસ્થિતિ 20 વર્ષથી અકબંધ છે. છતાં પણ અનેક રજૂઆત તંત્રના બહેરા કાને બેઅસર થઈ હોય તેમ અહીંના ગ્રામજનો ચોમાસામાં ભારે મુશ્કેલીમાં મુકાય છે.
વાટી ગામમાં 20 વર્ષ થી વરસાદી માહોલમાં નદી પાર કરવી પડે છે
સરા કેવડી, ધરમપુરી, વાટી, કાળાઆંબા આ ગામોનો બોરીગાવઠા, હલમૂડી, રાયગઢ, જાંબુનિયા, નીરપણ, ચિકાર, ધોધલપાડા જેવા ગામો સાથે ચોમાસા દરમિયાન સંપર્ક કપાય છે. બીજે છેડે વસતા ગામના ખેડૂતોને તાલુકા મથકના વાંસદા મુખ્ય બજારમાં પોતાની એગ્રીકલ્ચર પ્રોડક્ટ વેચવા માટે ચોમાસા દરમિયાન મહા મુસીબતથી 20 કિલોમીટરથી વધારેનો ચકરાવો થાય છે.
છેવાડાના ગામ હોવાથી વિકાસથી વંચીત
વાટી ગામમાં વસતા અને શિક્ષક તરીકે વ્યવસાય કરતા ગમજીભાઈ ભોંયેના જણાવ્યા મુજબ 20 વર્ષથી અહીં અંબિકા નદી પર પુલ બન્યો જ નથી. કરિયાણાનો સામાન લેવા માટે કાળાઆંબા જવા માટે ચોમાસામાં મુશ્કેલીઓ વધે છે. કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર બંને સરકારમાં રજૂઆત કરીને થાક્યા છે. કોઈ રજૂઆત સાંભળતું નથી ચોમાસું ગયા બાદ ગ્રામ લોકો મળીને એક લાખ રૂપિયાના ખર્ચે કાચો રસ્તો દર વર્ષે બનાવે છે. તો પુલ બને તો આ ખર્ચાનું ભારણ ઓછું થઈ શકે છે. અને ગામલોકોને એક છેડેથી બીજા છેડે સહેલાઇથી જઈ શકશે.
લોકપ્રતિનિધિની રજુઆત બેઅસર
ગામોની આ મુશ્કેલી મામલે સ્થાનિક કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલને પૂછતા તેમણે જણાવ્યું છે કે આ મામલે ઘણીવાર મે ગાંધીનગર સદનમાં રજૂઆત કરી છે. ત્રણ જિલ્લાથી ઘેરાયેલા આ ગામો ચોમાસાના માહોલમાં મુશ્કેલીમાં મુકાય છે. અને ગામો 20 વર્ષથી સતત સંપર્ક વિહોણા બને છે. ત્યારે બાળકોને સ્કૂલે આવવા-જવાની, પશુપાલકોને દૂધ વેચવા જવા માટે વાંસદા નિયમિત આવવું પડતું હોય છે. તેમને પણ ફરીને વઘઈનો 20 કિલોમીટરનો ચકરાવો થાય છે. ત્યારે આ મામલે સરકારને રજૂઆત કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.