નવસારીમાં ચોમાસામાં પૂરના પાણીથી થતી ખાનાખરાબી રોકવા વર્ષોથી કોઈ એક્શન પ્લાન યા નક્કર પગલાં લેવામાં ન આવતા સ્થિતિમાં કોઈ જ ફરક પડ્યો નથી. પૂર આવે એટલે 20 હજાર માણસો મુશ્કેલીમાં મુકાઈ અને 2000 લોકોનું સ્થળાંતર નક્કી જ છે.
નવસારી શહેરનો અનેક વિસ્તાર પૂર્ણાં નદીના કિનારે આવેલો છે અને ભારે વરસાદની સ્થિતિમાં પૂરના પાણી શહેરના નદી કાંઠે આવેલ અને નિચાણવાળા વિસ્તારમાં પ્રવેશે છે. જેને લઈને 20 હજાર જેટલા લોકોને અસર થાય છે,જેમાં 2000 જેટલા લોકોનું તો સ્થળાંતર કરવું પડે છે.
આ સ્થિતિ છેલ્લા બે - પાંચ વર્ષની નથી પણ ઘણા વર્ષોની છે. દર વર્ષે નદીમાં વધુ ને વધુ કાપ ઠરે છે અને પાણીની વહનક્ષમતા ઘટતા સ્થિતિ સુધરવાની જગ્યાએ બગડી રહી છે. આમ છતાં સરકારી તંત્રે પુરની સ્થિતિમાં માત્ર સ્થળાંતર કરવા સિવાય કોઈ નક્કર એક્શન પ્લાન બનાવ્યો નથી, જેથી વર્ષોવર્ષ પૂરથી ખાનાખરાબી યથાવત જ રહી છે.
જે વિસ્તારોમાં અસર થાય છે તેમાં બંદર રોડ,રાયચંદ રોડ, રૂસ્તમ વાડી, કાશીવાડી, નવીનનગર, રંગુન નગર, મિથિલાનગરી, ભેસતખાડા, ગધેવાન, દશેરા ટેકરી, કાલિયાવાડી, ચોવીસી વગેરે વિસ્તારનો સમાવેશ થાય છે.
પાલિકાએ કાંપ દૂર કરવા રજૂઆત કરી હતી
નવસારી પાલિકાના એક નિવૃત્ત અધિકારીએ જણાવ્યું કે પૂર્ણા નદીમાં પૂર આવતા અવારનવાર થતી ખાનાખરાબી રોકવા 8 વર્ષ અગાઉ નદીનો કાંપ દૂર કરવા ડ્રેજીંગ કરવા પાલિકાએ કલેકટરાલયમાં રજૂઆત કરી હતી પણ કોઈક કારણસર થઈ શક્યું નથી. સ્લુઈસ ગેટ પણ મૂકી શકાયો નથી.
3 પગલાં પૂરની અસર ઓછી કરી શકે પણ…
સ્ટેશન વિસ્તારમાં વરસાદી ગટરના કામથી રાહતની આશા
નવસારીમાં પૂર અસરગ્રસ્ત સિવાયના કેટલાક વિસ્તારમાં પણ એક-બે ઈંચ યા થોડા વરસાદમાં પાણી ભરાય છે કારણ કે વરસાદી કાંસ યા ગટરની ક્ષમતા ક્રમશ: ઘટી છે, ડ્રેનેજનું પાણી પણ તેમાં અનેક જગ્યાએ વહે છે. નગરપાલિકાએ આ મુદ્દે હજુ સુધી પૂરતી કામગીરી કરી નથી. ચોમાસા અગાઉ દર વર્ષે પ્રિમોન્સૂન કામગીરીના નામે મહદઅંશે વરસાદી કાંસની સફાઈ યા વરસાદી ગટરની સાધારણ મરામત જ કરે છે. જેને લઇને પાણી ભરાવાનો પ્રશ્ન કાયમી હલ થતો નથી. સ્ટેશન વિસ્તારમાં વરસાદી ગટરની કામગીરી જે કરાઈ છે તેનાથી ચાલુ સાલ વિજલપોરમાં ફાયદો થવાની પાલિકાને આશા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.