મેઘરાજાએ હેત વરસાવ્યું:નવસારી જિલ્લામાં ચોમાસું જામ્યું, ખેરગામ તાલુકામાં ધોધમાર બે ઈંચ વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યાં

નવસારી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખેરગામમાં જ્યારે સૌથી ઓછો વરસાદ વાંસદા તાલુકામાં નોંધાયો

રાજ્યના અનેક જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થઈ ગઈ છે. ત્યારે નવસારી જિલ્લામાં પણ ચોમાસાની સિઝન જામી રહી હોય તેમ આજે ખેરગામ તાલુકામાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જેને લઈ વાતાવરણમાં ઠડક પ્રસરી હતી, જેથી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જિલ્લામાં આજે સૌથી વધુ વરસાદ ખેરગામ તાલુકામાં નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો વરસાદ વાંસદા તાલુકામાં નોંધાયો હતો.

વરસાદી વાતાવરણ થતા લોકોને ગરમીમાંથી મળી રાહત

નવસારી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે જિલ્લાના અનેક તાલુકામાં મેઘરાજાએ હેત વરસાવ્યું હતું. ખાસ કરીને ખેરગામ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેરગામમાં બે ઈંચ જેટલો વરસાદ વરસતા રસ્તા પર પાણી ફરી વળ્યા હતા. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા પર નજર કરીએ તો નવસારીમાં 25 MM,જલાલપોર 37 MM,ચીખલી 45 MM,વાંસદા 7 MM,ખેરગામ 58 MM, ગણદેવીમાં 34 MM વરસાદ વરસ્યો હતો. લાંબા સમયથી ગરમીની સિઝનમાં અકળાયેલા લોકોને હાલ વરસાદના કારણે ગરમીમાંથી રાહત મળી છે. હવામાન વિભાગના આંકડા પર નજર કરીએ તો મહત્તમ તાપમાન 27.2 ડિગ્રી નોંધાયું છે તો લઘુત્તમ તાપમાન 24.6 ડિગ્રી નોંધાયું છે.

ઉલ્લેખનીય છે કે, ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુચક્રમાં ગંભીર ફેરફારો આવ્યાં છે, જેની સીધી અસર ખેતીના વ્યવસાય પર થઈ છે. ચોમાસુ સમયસર આવે તો ખેતીના વ્યવસાયને લાભ થાય અને ખેડૂતોની આવકમાં પણ વધારો થાય છે. પરંતુ છેલ્લા અનેક વર્ષોથી કમોસમી વરસાદને લઈ જગતનો તાત પણ ચિંતામાં મુકાયો છે.

અન્ય સમાચારો પણ છે...