ચોરીનો ભેદ ઉકેલાયો:વિજલપોરમાં મોબાઈલ શોપમાં થયેલી ચોરીના આરોપીઓ ઝડપાયા, LCBએ સગીર સહિત 3ની ધરપકડ કરી

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં સમગ્ર કેસની તપાસ વિજલપોર પોલીસને સોંપવામાં આવી

ગત 20 મી મેના રોજ વિજલપોર વિઠ્ઠલ મંદિર પોલીસ ચોકીથી આશરે 500 મીટર દૂર રામનગર ચોકડી પાસે આવેલી શ્રી બાલાજી મોબાઇલની દુકાનમાં રાત્રે સાડા ત્રણ વાગ્યાની આસપાસ તસ્કરોએ ખાતર પાડ્યું હતું. જેમાં શખ્સોએ દુકાનનું શટર ઊંચું કરીને તેમાં પ્રવેશ કરી ચોરી કર્યાની ઘટના સામે આવી હતી, જેના સીસીટીવી વાઇરલ થયા હતા.

આ સમગ્ર મામલે LCBને તપાસ સોંપવામાં આવી હતી અને તપાસ મુંબઇ સુધી લંબાઈ હતી. જેમાં વિજલપોર ખાતે રહેતા 31 વર્ષીય રજૂ નીશાદના ઘરે મુંબઇથી પરિચિત મનોજ નિશાદ એક સગીર સાથે આવ્યો હતો. તેણે રામનગર સ્થિત બાલાજી મોબાઇલની દુકાનમાં UPથી મોબાઈલ દ્વારા પૈસા મોકલવા અને મેળવવાની વ્યવસ્થા હોવાની માહિતી અને રેકી કરીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો. સગીર સહિત ત્રણેય લોકોએ ચોરીનો પ્લાન બનાવ્યો હતો, જેમાં સગીર CCTVમાં કેદ થયો હતો.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે તપાસ કરતાં મુંબઇના નાલાસોપારાથી ત્રણેયને ઝડપી પાડીને ચોરીના કેસને ઉકેલી કાઢવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર કેસની તપાસ વિજલપોર પોલીસને સોંપવામાં આવી છે.

મુંબઇથી લગ્નમાં આવેલ યુવાને ચોરીનો પ્લાન બનાવ્યો હતો
મુંબઈના નાલાસોપારામાં રહેતા મનોજ નિશાદ લગ્નમાં નવસારી આવ્યો હતો. તે દરમિયાન નાણાંની જરૂરિયાત પડતાં તેણે એક સગીર અને સ્થાનિક યુવાન રાજુ નિશાદને સાથે લઈ ચોરીનો પ્લાન કર્યો હતો અને ચોરી કરી મુંબઈ નીકળી ગયા હતાં. સીસીટીવી સોશિયલ મીડિયામાં ફરતા થયા અને આરોપીની ઓળખ થઈ હતી.

મુખ્ય આરોપી મનોજ નિશાદ ઉપર ચોરી અને બળાત્કારનો ગુનો નોંધાયો છે
વિજલપોરમાં મોબાઇલની દુકાનમાંથી ચોરીનો પ્લાન બનાવનાર મનોજ નિશાદ વર્ષ-2007માં પાલઘર અને વર્ષ-2012માં ગોરેગાંવમાં ચોરી, વર્ષ-2013માં સુરતના સચીન જીઆઇડીસીમાં ચોરીનો ગુનો દાખલ થયો અને અમદાવાદ ખાતે રેપનો આરોપી પણ છે. સીસીટીવીના આધારે મનોજની નવસારી પોલીસે મુંબઇથી અટક કરી હતી.

ટેકનિકલ અને હ્યુમન સોર્સના આધારે ગુનો ઉકેલાયો
વિજલપોરમાં થયેલી ચોરીમાં સીસીટીવી અને ટેકનિકલ સોર્સને આધારે તપાસ કરી અને પૂછપરછ કરતા આરોપી મુંબઈમાં રહેતા હોવાનું માલુમ પડતા તેમના ઘરેથી અટક કરવામાં સફળતા મળી હતી. જેમાં એક કિશોર પણ છે.વિજલપોરનો યુવાન પણ ચોરીની ઘટનામાં હોવાનું જણાવ્યું હતું. ફરિયાદમાં મોબાઈલની સંખ્યા બાબતે થોડી ભૂલ હોય તે અંગે ફરિયાદ કરનાર સાથે તે બાબતે ભૂલ સુધારીશું. - દિપક કોરાટ, પીઆઇ, નવસારી એલસીબી

અન્ય સમાચારો પણ છે...