આજના સમયમાં સમાજને એક નવી રાહ બતાવતો કિસ્સો નવસારી સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના મોભીને ત્યાં જોવા મળ્યો છે. એકના એક પરિણીત યુવાન દીકરાના અવસાન બાદ પ્રૌઢ માતા-પિતાએ પુત્રવધુને દીકરીને દરજ્જો આપી બીજા લગ્ન માટે પ્રોત્સાહિત કરી તેમના લાયક સમાજમાંથી જ પાત્ર શોધી ફરી પુત્રવધુના લગ્ન કરાવ્યા હતા.
આ પ્રૌઢ દંપતીનું સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજ, રાજકીય આગેવાનો સહિત અન્ય સમાજના આગેવાનોએ શાલ પ્રદાન કરી સન્માન કર્યું હતું. મૂળ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લામાં આવેલા ખાંભા તાલુકાના અનીડા ગામના વતની અને વર્ષોથી નવસારીને કર્મભૂમિ માનીને જલાલપોરમાં સ્થાયી થયેલી સામાજીક આગેવાન સૌરાષ્ટ્ર લેઉઆ પટેલ સમાજના ટ્રસ્ટી અને નવસારી ભાજપ માજી શહેર પ્રમુખ છગનભાઈ રત્નાભાઈ હીરપરા અને તેમના પત્ની નર્મદાબેનના એકના એક પુત્ર મનિષના સુરતમાં સાવલિયા પરિવારની દીકરી દક્ષા સાથે લગ્ન થયા હતા.
લગ્ન બાદ સંતાનમાં એક 12 વર્ષીય પુત્રી ગ્રેસી છે. ગત વર્ષ 2021ની 4થી જૂને મનિષનું અવસાન થતા તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. છગનભાઈ અને નર્મદાબેને વિધવા પુત્રવધુ અને પૌત્રીને જોઈને તેમના ભવિષ્ય માટે ચિંતાતુર રહેતા હતા. તેમણે પુત્રવધુને બીજા લગ્ન માટે સમજાવી હતી.
અંતે પુત્રવધુ દક્ષાની સંમતિ મળતા તેમના માતાપિતા અરજણભાઈ અને લીલીબેન સાવલિયાની પણ સંમતિ મળતા દક્ષાના બીજા લગ્ન માટે અમદાવાદમાં રહેતા અને વેપારી નંદલાલ દાવડા પરિવારના પુત્ર જીતેન્દ્ર સાથે બન્નેની પસંદગીથી લગ્નગ્રંથિથી જોડવાનું નક્કી કરાયું હતું. 12મી મેના રોજ નવસારીના બી.આર. ફાર્મમાં પુત્રવધુ દક્ષાબેનને દીકરી તરીકે અપનાવી છગનભાઈ અને નર્મદાબેને કન્યાદાન કરી ફરી લગ્ન કરાવી ભાવભીની આંખે પુત્રવધુ અને પૌત્રીને વિદાય આપી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત ધારાસભ્ય આર.સી. પટેલ, સૌરાષ્ટ્ર પટેલ સમાજના પ્રમુખ મધુભાઈ કથિરીયા, નવસારી શહેર ભાજપ પ્રમુખ પરેશ કાસુન્દ્રા, અશ્વિન કાસુન્દ્રા, અશોક ગજેરા, ધીરૂભાઈ ગેવરીયા સહિત ભાવવિભોર બન્યા હતા અને છગનભાઈ અને નર્મદાબેનને અભિનંદન આપી સન્માન કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.