ઢગલાબંધ વાંધા રજૂ થયા:નવસારી-ચેન્નાઇ હાઇવેનો ધમધમાટ શરૂ અનેક વાંધા રજૂ સાથે અસરગ્રસ્તોની બેઠક

નવસારી23 દિવસ પહેલા
  • કૉપી લિંક
નવસારી તાલુકાના નાગધરા ગામમાં અસરગ્રસ્તોની સમન્વય માટે મળેલ બેઠક. - Divya Bhaskar
નવસારી તાલુકાના નાગધરા ગામમાં અસરગ્રસ્તોની સમન્વય માટે મળેલ બેઠક.
  • જમીન સંપાદન અંગેનું 19મી મે એ જાહેરનામુ પ્રસિદ્ધ કરી વાંધા, સૂચનો મંગાવાયા છે
  • નવસારી જિલ્લાના 4 તાલુકાના 26 ગામમાંથી 46 કિમી લાંબો એક્સપ્રેસ હાઇવે પસાર થનાર છે

19મીએ નવસારી ચેન્નાઇ એક્સપ્રેસ હાઇવેનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ 15 દિવસમાં જ્યાં ઢગલાબંધ વાંધા રજૂ થયા છે ત્યાં અસરગ્રસ્તોની વળતર વગેરે મુદ્દે બેઠક પણ શરૂ થઈ ગઈ છે. સુરત ચેન્નાઇ (જે નવસારીથી શરૂ થતાં નવસારી ચેન્નાઇ હાઇવે બન્યો છે)હાઇવેનું 19મી મે એ જમીન સંપાદન અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયું હતું અને 21 દિવસમાં વાંધા મંગાવ્યા હતા.

મળતી માહિતી મુજબ નવસારી પ્રાંત કચેરીએ 15 દિવસ દરમિયાન મોટી સંખ્યામાં વાંધા રજૂ થયાની જાણકારી મળી છે. બીજી તરફ નવસારી પંથકમાં હાઇવે અસરગ્રસ્તોની બેઠક પણ વળતર સહિતના મુદ્દે શરૂ થઈ ગઈ છે. શુક્રવારે આવી એક બેઠક નાગધરા ખાતે ખેડૂત સમન્વય સમિતિના અગ્રણી વિનોદ દેસાઈ (સીએ)ની ઉપસ્થિતિમાં મળી હતી.

બેઠકમાં વિનોદ દેસાઈએ જમીન સંપાદન કાયદા અને અન્ય બાબતોએ સમજ આપી હતી. સાથે બેઠકમાં સામૂહિક રજુઆત અને સમન્વયથી વળતર અને અન્ય પ્રશ્નો ઉકેલવા ઠરાવવામાં આવ્યાનું વિનોદ દેસાઈએ જણાવ્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે નવસારી જિલ્લાના 4 તાલુકાના 26 ગામમાંથી 46 કિમીનો હાઇવે પસાર થનાર છે.

ચીખલીનું કુકેરી સૌથી અસરગ્રસ્ત
આમ તો જિલ્લામાં 26 ગામોમાંથી હાઇવે પસાર થનાર છે પણ સૌથી વધુ અસરગ્રસ્ત ગામ ચીખલી તાલુકાનું કુકેરી છે. અહીં 272 જેટલા બ્લોક નંબરમાંથી હાઇવે જશે અને ઘણા લોકોને અસર થશે. આ ગામોમાંથી હાઇવેના જાહેરનામા સામે વાંધા રજૂ થયાની જાણકારી મળી છે.

વળતર અંગે નક્કર વલણના અભાવથી વિવાદની શક્યતા
જિલ્લામાં હાલના બન્ને પ્રોજકટમાં તંત્રે વળતર મુદ્દે શરૂઆતમાં જ નક્કર વલણ ન દાખવતા ભારે વિવાદ થયો હતો, અંતે સારું વળતર આપતા વિવાદ શમ્યો હતો. શું આ પ્રોજેકટમાં તંત્ર વાસ્તવિક ભાવ મુજબનું વળતર અને અન્ય માગ શરૂઆતથી માની લેશે કે વિવાદની રાહ જોશે?

અન્ય સમાચારો પણ છે...