આંદોલન:7મીએ એસટી કર્મીઓનું માસ સીએલનું એલાન

નવસારી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે નવસારી એસટી ડેપો પરિસરમાં પડતર માગને લઇ ઘંટનાદનો કાર્યક્રમ કરાશે

નવસારી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં એસટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નોના આંદોલનના ભાગરૂપે નવસારી ડેપોમાં પણ બુધવારે બપોરે 12.30 કલાકે ઘંટનાદનો કાર્યક્રમ યોજવામાં આવશે. જોકે હજુ પડતર માગ માટે સરકાર આગળ નહીં આવતા 6ઠ્ઠીએ ઘંટનાદનો કાર્યક્રમ અને કોઈ ઉકેલ નહીં આવે તો 7મીએ એસટીના કર્મચારીઓ માસ સી.એલ. લેતા બસસેવા સંપૂર્ણપણે બંધ રહેશે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલની માંગણી સાથે છેલ્લા 3-3 વર્ષથી રાજ્ય સરકારમાં લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવામાં આવે છે. ઉપરાંત ગત 2019માં નિગમના ડ્રાઇવર અને કંડક્ટર કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદતની હડતાળનું શસ્ત્ર ઉગામ્યું હતું. ડ્રાઇવર અને કંડક્ટરોને લોલીપોલ આપતા એસટી નિગમના કર્મચારીઓએ હડતાળ સમેટી લીધી હતી. પ્રથમ તબક્કામાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત દસ દિવસ સુધી એસટી નિગમના કર્મચારીઓએ કાળીપટ્ટી ધારણ કરીને ફરજ બજાવી હતી. બાદમાં કર્મચારીઓએ સતત ચાર દિવસ સુધી સૂત્રોચ્ચાર કર્યા હતા, આમ છતાં રાજ્ય સરકારે એસટી કર્મચારીઓના પ્રશ્નના ઉકેલ માટે કોઇ જ નક્કર કાર્યવાહી કરી નથી. કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં નહી આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરીને 7મીએ નવસારી સહિત રાજ્યના ડેપો કર્મચારીઓ માસ સીએલમાં જોડાશે. બુધવારે એસટી પરિસરમાં ઘંટનાદના કાર્યક્રમનું આયોજન પણ કરાયું છે.

ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ થશે
રાજ્યના એસટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંકલન સમિતિના હોદ્દેદારોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે રાજ્ય સરકાર તેમજ એસટી નિગમના ઉચ્ચાધિકારીઓને મળવા ગયા તો કોઇ જ બેઠક થઈ નહીં હોવાનું એસટી નિગમના કર્મચારીઓએ જણાવ્યું છે. ગત વર્ષ-2019 કરતા પણ હડતાલ લાંબી ચાલશે. આંદોલનના ભાગરૂપે બુધવારે ઘંટનાદ અને 7મી ઓકટોબરે સામૂહિક સીએલ ત્યારબાદ કોઈ ઉકેલ નહીં આવે તો અચોક્કસ મુદતની હડતાળ થશે. એસટી સેવા બંધ રહેશે. > કાળુભાઇ પટેલ, પ્રમુખ, નવસારી એસટી યુનિયન

અન્ય સમાચારો પણ છે...