મરોલી કાંઠા વિભાગ યુનિટી ગૃપ દ્વારા આયોજિત મરોલી કાંઠા વિભાગ પ્રિમિયર લીગ-2023 ક્રિકેટ ટુર્નામેન્ટને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના હસ્તે બુધવારે ખુલ્લી મુકાઇ હતી. જલાલપોરના સીમળગામના નયનરમ્ય ક્રિકેટ મેદાન ઉપર છેલ્લા ચાર વર્ષથી મરોલી કાંઠા વિભાગ યુનિટી ગૃપ દ્વારા આ વિસ્તારની મેગા ક્રિકેટ ઇવેન્ટ એવી મરોલી કાંઠા વિભાગ પ્રિમિયર લીગ (એમકેપીએલ) ટુર્ના.નું આયોજન કરે છે.
આ વિસ્તારના યુવા ખેલાડીઓને પોતાનામાં રહેલા ક્રિકેટ કૌશલ્યને બહાર લાવવાની તક મળે તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓ આગળ વધે એવા શુભાશયથી દર વર્ષે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે. આ વર્ષે પણ બુધવારે આ ટુર્ના.નું આયોજન થયું હતું. જેને મોટી સંખ્યામાં ક્રિકેટ રસિયાઓ તથા ખેલાડી મિત્રોની ઉપસ્થિતિ વચ્ચે જલાલપોરના ધારાસભ્ય આર.સી. પટેલના હસ્તે રિબિન કપાવી તથા ક્રિકેટ બેટીંગ કરાવી ખુલ્લી મુકાઇ હતી. સતત પાંચ દિવસ ચાલનારી મર્યાદિત 10 ઓવરની આ ટુર્ના.માં 10 ટીમનો સમાવેશ કરાયો છે.
આ ટુર્ના.માં ફાઈનલ વિજેતા ટીમને 50 હજાર રોકડ પુરસ્કાર સહિત ટ્રોફી તથા રનર્સઅપ ટીમને 25 હજાર રોકડ પુરસ્કાર સહિત ટ્રોફી એનાયત કરાશે. આ ટુર્ના.ના પ્રારંભ પ્રસંગે જલાલપોર તાલુકા પંચાયતના પ્રમુખ રોશનીબેન પટેલ, ઉપપ્રમુખ મિનેષભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ રણધીર પટેલ,તા.પં.સભ્ય નિલેષ પટેલ, પ્રમોદ પટેલ,જગુભાઈ આહીર તથા જલાલપોર ભાજપ સંગઠન પ્રમુખ વિજય પટેલ, કાર્યકારી પ્રમુખ અશોકભાઈ પટેલ, સીમળગામના સરપંચ સહિત અનેક કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.