સ્વાદરસિયા આનંદો:કેસર કેરીને ટક્કર મારે એવી છે નવસારીની 'સોનપરી', સ્વાદમાં મીઠી...રંગે સોના જેવી અને લાંબો સમય સુધી બગડે નહીં એવી

નવસારી2 વર્ષ પહેલાલેખક: હિતેષ સોનવણે
  • નવસારીની કૃષિ યુનિવર્સિટીએ ખેડૂતો માટે આશીર્વાદરૂપ કાર્ય કર્યું
  • કેસર કેરી પણ જેની સામે ફીકી લાગે એવી સોનપરીનું માર્કેટ હાલ ઊંચું

નવસારીમાં આવેલી કૃષિ યુનિવર્સિટી દેશ અને વિદેશ સ્તરનાં કૃષિ સંશોધનો કરીને ખેડૂતો માટે આશીર્વાદરૂપ કાર્ય કરી રહી છે. કોઈપણ એગ્રિકલ્ચર પ્રોડક્ટ પર સંશોધન કરીને એની આધુનિક જાત વિકસાવા સહિત એનું માર્કેટ કઈ રીતે કરાય એનું પણ ગાઈડન્સ યુનિવર્સિટી આપે છે, જેમાં કેસર કેરી પણ જેની સામે ફીકી લાગે એવી સોનપરીને કેરીની જાત વિકસાવાથી માર્કેટમાં હાલ એની ડિમાન્ડ વધી છે.

અદભુત મીઠાશ ધરાવતી કેરીની ડિમાન્ડ એકાએક વધવા પામી
આશરે 20 વર્ષ પહેલાં વલસાડના પર્યા ફાર્મ ખાતે પ્રાથમિક રીતે સંશોધિત થયેલી એક કેરીની જાત જે ભારે વરસાદ પવન અને તોફાન સામે પણ ટક્કર ઝીલીને અડીખમ રહીને ખેડૂતોને ફાયદો અપાવે છે અને બગડતી નથી. સામાન્ય રીતે કોઈપણ પણ ફળમાં સડો લાગે તો ફળ માખી ઉત્પન્ન થાય છે, પણ આ પાકમાં ફળ માખી જોવા મળતી નથી. આશ્ચર્યજનક વાત છે કે ખેડૂતો પાસે પ્રથમ વખત આવેલી આ કેરીને તેમણે એનો આકાર અને વજન જોઈને દેશી કેરી હોઈ શકે એમ કહી એને નકારી હતી, પણ જ્યારે એને પાકતી જોઈ અને એનો કલર સુવર્ણ જેવો આવ્યો હતો. એને ચાખ્યા બાદ અદભુત મીઠાશ ધરાવતી કેરીની ડિમાન્ડ એકાએક વધવા પામી છે.

કેસરને પણ ફીકી પાડતી હોય એવી એમાં મીઠાશ
દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો મોટે ભાગે કેસર કેરીની ખેતી કરવાનું પસંદ કરતા હોય છે, કારણ કે એનું માર્કેટ ઊંચું છે અને સારા ભાવો પણ મળે છે, સાથે જ એની ડિમાન્ડ ઓલટાઈમ હાઈ હોય છે, પણ હાલમાં વિકસિત થયેલી સોનપરી કેરી જો કેસરની બાજુમાં મૂકવામાં આવે અને એને ચાખવામાં આવે તો કેસરને પણ ફીકી પાડતી હોય એવી મીઠાશ એમાં છે.

કેરી પાકી ગયા બાદ પણ અનેક દિવસો સુધી બગડતી નથી
આ વખતે વાવાઝોડું આવતાં મોટા ભાગના ખેડૂતોને કેરીના પાકથી હાથ ધોવાનો વારો આવ્યો હતો, પણ સોનપરીની વિશેષતા છે કે એ કોઈપણ વિષમ પરિસ્થિતિમાં પણ બગડ્યા વગર ખરી પડતી નથી. જેથી ખેડૂતોને આ પાક લેવામાં અનેક ફાયદા દેખાયા છે, સાથે આ કેરી પાકી ગયા બાદ પણ અનેક દિવસો સુધી બગડતી નથી.

દેશી કેરી જેવો જ આકાર ધરાવતી આ કેરી વિશે ગુણધર્મને કારણે ખાસ વખણાઈ
કૃષિ યુનિવર્સિટીના સિનિયર સાયન્ટિસ્ટ ડો.સી.કે. ટીંબડિયાના જણાવ્યા મુજબ, આ કેરીના નામકરણની વાત કરવામાં આવે તો કેરી પાકી ગયા બાદ સોના જેવો રંગ ધારણ કરે છે, તો સાથે જ વલસાડ પાસેના પર્યા ફાર્મમાં એની શોધ થઈ હોઈ વૈજ્ઞાનિકોએ સોના અને પર્યા બે અક્ષરો મેળવીને સોનપરી નામ આપ્યું હતું. હાલમાં નવસારીની કૃષિ યુનિવર્સિટીમાં એનું સંશોધન શરૂ જ છે. કેરીની ડિમાન્ડ હાલ માર્કેટમાં ખૂબ વધુ છે. લોકો એને દૂરથી ખરીદવા માટે નવસારી આવે છે અને એડવાન્સમાં ઓર્ડર આપીને કોઈપણ સંજોગોમાં કેરી આરોગ્યની ઈચ્છા ધરાવે છે. દેશી કેરી જેવો જ આકાર ધરાવતી આ કેરી એના વિશે ગુણધર્મને કારણે ખાસ વખણાય રહી છે.

કેરી કેસરથી ડબલ ભાવ ધરાવે છે
જલાલપોર તાલુકાના બોદાલી ગામે રહેતાં પ્રગતિશીલ મહિલા ખેડૂત ધર્મિષ્ઠા પટેલના જણાવ્યા મુજબ, 2013માં વાવેલી સોનપરીની જાત આજે અમને સારોએવો ફાયદો અપાવી રહી છે. ધર્મિષ્ઠાબહેનને આ વર્ષે 100 કિલો જેટલી સોનપરી કેરીની આવક થઇ હતી, જેમાં તેમને પોતાના ખેતરે રહીને જ એનું વેચાણ કર્યું હતું. એનું માર્કેટિંગ કરવાની પણ જરૂર પડી નથી, એ પહેલાં જ લોકોએ સોનપરીની ખબર પડતાં ખેતરે આવીને એની ખરીદી કરી હતી. આશરે 3000થી લઈને 3500 મણના ભાવે વેચાતી આ કેરી કેસરથી ડબલ ભાવ ધરાવે છે અને આવતા વર્ષનો ઓર્ડર પણ ગ્રાહકોએ નોંધાવી દીધો છે.

અન્ય સમાચારો પણ છે...