તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સહકારી વલણ:5 હેકટર સુધીના નાના અને સીમાંત ખેડૂતોને આંબાના ફળાઉ છોડ ટૂંક સમયમાં વિતરણ કરાશે

નવસારીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવસારી જિલ્લામાં વિવિધ પ્રજાકીય પ્રશ્નો તેમજ વિકાસના કાર્યોનું મંત્રીએ કરેલુ મૂલ્યાંકન

વન અને આદિજાતિ વિકાસ રાજય મંત્રી રમણલાલ પાટકરની અધ્યક્ષતામાં પદાધિકારીઓ તેમજ અધિકારીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકનું નવસારી જિલ્લામાં પ્રજાકીય પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું.

મંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, 5 હેકટર સુધીના નાના અને સીમાંત ખેડુતોને આંબાના ફળાઉ છોડ ટૂંક સમયમાં વિતરણ કરવામાં આવશે. નવસારી જિલ્લામાં ચાલુ વર્ષે વન મહોત્સવ અંતર્ગત વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર થાય તેવા ઘનિષ્ઠ પ્રયાસો કરવાની હિમાયત કરી હતી. આદિજાતિના અધિકારીઓ સાથેની બેઠકમાં આદિવાસી વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં વધુમાં વધુ લોકોને ઘરો મળે તેમજ ન્યુ ગુજરાત પેટર્નની અરજીનો નિકાલ સંબંધિત સૂચના આપી હતી.

સરકીટ હાઉસમાં મળેલી બેઠકમાં મંત્રી રમણલાલ પાટકરે પ્રજાના પ્રતિનિધિ-પદાધિકારીઓના નવસારી જિલ્લાના વિવિધ વહીવટી પ્રશ્નોના યોગ્ય નિકાલ માટે અધિકારીઓને આદેશો આપી મંજૂર થયેલા કામો નિયત સમયમર્યાદામાં પૂર્ણ થાય તે અંગે તાકીદ કરી હતી. આ સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજના હેઠળ ગામડામાં આંતરિક રસ્તાઓ, નગરપાલિકા હસ્તકના જીવન જરૂરિયાતના પ્રાથમિક કામો, આરોગ્ય, રસીકરણ અભિયાન, તાલુકા આયોજન અને એટીવીટીના કામો સહિત પ્રજાને કનડગત થતાં અન્ય પ્રશ્નો તેમજ સમસ્યા અંગે વાકેફ થઇ તેનો તલસ્પર્શી અભ્યાસ કરીને પ્રશ્નોના નિરાકરણ લાવવા પ્રયાસો હાથ ધરી અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ બેઠકમાં ઉપસ્થિત પ્રજાના પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને નવસારી જિલ્લાના વિવિધ વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવવા મક્કમતાથી પ્રજાહિતના કાર્યો પૂર્ણ કરવા અને પ્રજાની સુખાકારી માટે સતત પ્રયાસરત રહેવા મંત્રીએ અનુરોધ કર્યો હતો. તેમણે ઉપસ્થિત પ્રજાકીય પ્રતિનિધિઓ તેમજ અધિકારીઓને જણાવ્યું હતું કે, કોઇ પણ યોજનાના ફળ તેમજ પ્રજાના સુખાકારીના કામો પ્રજા સુધી પહોંચાડવા માટે સંકલન ખૂબ જ જરૂરી છે. કોઇપણ કામગીરીનું સતત ફોલોઅપ લેવાય અને ચર્ચા મુજબનું અનુકરણ કરવા પર ભાર મુક્યો હતો.

બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીખુભાઇ આહિર, ધારાસભ્ય નરેશભાઇ પટેલ સહિત સબંધિત વિભાગના અધિકારીઓ તેમજ તાલુકા પંચાયતના પ્રમુખો, નગરપાલિકાના પ્રમુખ તેમજ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે મંત્રી રમણલાલ પાટકરે પ્રજાકીય હિતોના રક્ષણ માટે સંબંધિત જરૂરી તમામ પગલાં લેવા માટે ઉપસ્થિત અધિકારીઓ અને પદાધિકારીઓને અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...