તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇતિહાસ ગવાહ હૈ:નવસારીમાં ગાંધીજીની ધરપકડ કરી દાંડીકૂચને નિષ્ફળ બનાવવાની અંગ્રેજ હકૂમતની યોજના પર મહારાજા સયાજીરાવે પાણી ફેરવી દીધું

નવસારી15 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આણંદ-નડિયાદમાં ગોરા ડે. કલેકટરે ગાંધીજીની ધરપકડ કરવા વિચાર્યું પણ એક ભારતીય અમલદારે સમજાવ્યાં કે, ‘અમદાવાદમાં પણ કૂચ નથી અટકાવાઇ તો તેમનું આ પગલું ઉપરી અધિકારીઓનું અપમાન ગણાશે’ તે સાંભળી ધરપકડનો વિચાર માંડી વાળ્યો
 • મહારાજા સયાજીરાવે ગાંધીજીને સંદેશ પહોંચાડ્યો અને અંગ્રેજોનો ઇરાદો નાકામ બનાવવા નવસારીથી દાંડી સુધી અંગ્રેજો વિરૂદ્ધ સૂત્રોચ્ચાર ન કરવા વિનવણી કરી
 • ગાંધીજી અંગ્રેજાેના કોઇ દબાણને વશ થાય તેમ ન હતા, પરંતુ સત્યાગ્રહ અંતિમ તબક્કામાં નિષ્ફળ ન બને એટલે મહારાજાના સૂચનનું માન રાખ્યું

અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડીકૂચ નવસારીના દાંડીના દરિયા કિનારે સત્યાગ્રહ કરવા માટે વિના વિઘ્ને આગળ વધી રહી હતી. કૂચ શરૂ થાય તે પહેલાં જ ગાંધીજીની ધરપકડ થઈ જશે એવી શંકા પણ સેવાઇ રહી હતી, પરંતુ રસ્તે ક્યાંય પણ ધરપકડ થઈ શકે એવી કેટલાકને દહેશત હતી. કૂચ આણંદ–નડિયાદ પહોંચી તે પહેલા ત્યાંના ગોરા ડેપ્યુટી કલેકટરને ગાંધીજીની ધરપકડ કરવાની ઈચ્છા થઈ આવી હતી. તે માટે કેટલીક તૈયારીઓ કરવા પોલીસ વડા સહિત ઉચ્ચ અમલદારોને બોલાવ્યા હતા. પરંતુ એક ભારતીય ઓફિસરે તેઓને એવું કહીને રોક્યા હતા કે સાહેબ, તમારા ઉપરી અધિકારીઓ એવા કલેકટર કે પોલીસ કમિશનરે અમદાવાદમાં ગાંધીજીની ધરપકડ કરી નથી તો તમારૂં પગલું તમારા ઉપરી અધિકારીઓનું અપમાન ગણાશે. આ અભિપ્રાય પછી ડે. કલેકટરે ગાંધીજીની ધરપકડ કરવાનો વિચાર માંડી વાળ્યો હતો.

આ અંગે ઇતિહાસમાં ધરબાયેલી વધુ રોચક વિગતો આપતા નવસારીના ઇતિહાસવિદ કેરસીભાઇ દેબુએ જણાવ્યું હતું કે, જે રીતે ગાંધીજીની દાંડીકૂચ નવસારી તરફ આગળ વધી રહી હતી અને લોકોમા જે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. આખા ભારતમા જે પ્રતિસાદ મળી રહ્યો હતો તેનાથી અંગ્રેજ સરકારની અકળામણ વધી રહી હતી. શરૂઆતના તબક્કે અંગ્રેજ અમલદારો કૂચ બાબતે ગંભીર ન હતા. પરંતુ ભારતભરમાં પડેલા પ્રત્યાઘાતોને કારણે કોઈપણ ભોગે કૂચને અટકાવવાના પ્રયત્નો શરૂ થયા હતા. આ તબક્કે અંગ્રેજ સરકારે એક પત્ર લખી દાંડીયાત્રા નવસારી આવી પહોંચે અને દાંડી તરફ પ્રયાણ કરે તે પહેલાં નવસારીમાં ગાંધીજીની ધરપકડ ગાયકવાડ સરકાર કરે એવો હુકમ આપતો પત્ર મહારાજા સયાજીરાવ ગાયકવાડ પર લખ્યો હતો.

નવસારી પ્રાંત ગાયકવાડી પ્રાંત હતો. સુરત અને જલાલપોર વચ્ચે દાંડી માર્ગમાં નવસારી આવતુ હોવાથી દાંડી પહોંચે તે પહેલાં ગાંધીજીની ધરપકડ કરી સત્યાગ્રહને રોકવાની અંગ્રેજ સરકારની ઈચ્છા હતી. ગાંધીજી પ્રત્યે અપાર આદર ધરાવતા મહારાજા સયાજીરાવને આ પત્ર મળ્યા બાદ તેમને રાત્રે ઉંઘ પણ આવતી ન હતી. અંગ્રેજ સરકારના હુકમનો અનાદર કરી શકાય નહી અને બીજી તરફ ગાંધીજીની ધરપકડ ગાયકવાડ સરકાર કરે તો પોતાનો રાજધર્મ લાજે સાથોસાથ ન્યાય તોલવામાં દેશભરમાં દ્રષ્ટાંતરૂપ ગાયકવાડ રાજની ભારતભરમાં નિંદા થાય.

મહારાજા સાહેબ તાત્કાલિક તેઓના અંગત સલાહકારોને બોલાવ્યા અને આ દ્વિધામાંથી માર્ગ કાઢવા વિચારવિમર્શ કરી મધ્યમ માર્ગ અપનાવવાના હેતુ સર મહારાજા સાહેબે એક ગુપ્ત પત્ર મહાત્મા ગાંધીજી પર લખી અંગત વ્યક્તિ મારફતે પહોંચાડ્યો. પત્રમાં મહારાજા સાહેબે અંગ્રેજ સરકાર તરફથી મળેલા ફરમાન અંગે ગાંધીજીને વાકેફ કર્યા અને વિનંતી કરી કે દાંડીકૂચ નવસારી પ્રાંતમાં દાખલ થાય અને ગાયકવાડી સરહદ ઓળંગી જાય ત્યાં સુધી નવસારી ઈલાકામાં અંગ્રેજ સરકાર વિરૂધ્ધ કોઈપણ પ્રવચન નહી આપે કે લોકોમાં ઉશ્કેરાટ ફેલાય એવું કોઈ કૃત્ય ગાંધીજી કે સત્યાગ્રહીઓ કરે નહી. સામાન્ય સંજોગોમાં ગાંધીજી અંગ્રેજાેના કોઈ દબાણને વશ થાય તેમ ન હતા. પરંતુ સત્યાગ્રહ અંતિમ તબક્કામાં હોવાથી આખા ભારતમા જે જાગૃતિ આવી હતી તે જોતા સત્યાગ્રહ અધૂરો રહી જાય તો સત્યાગ્રહનો ધ્યેય માર્યો જાય. આ વાતને ધ્યાને રાખીને અંગ્રેજ સરકાર વિરૂદ્ધ કોઇ સૂત્રોચ્ચાર ન કરાયા અને યાત્રા શાંતિપૂર્ણ રીતે નવસારીથી પસાર થઇ હતી.

નવસારીમાં દાંડીકૂચને પ્રવેશવા મીંઢોળા નદીમાં લોકોએ બળદગાડા ઉતારી કામચલાઉ પુલ બનાવ્યો
દાંડીકૂચ તારીખ 3 એપ્રિલના રોજ નવસારી પ્રાંતમાં પ્રવેશી. મીંઢોળા નદીથી શરૂ થતી ગાયકવાડી નવસારી પ્રાંતમાં પ્રવેશવા માટે નદીના તટ વચ્ચે પુલ ન હોવાથી ગામના લોકોએ પોતાના બળદગાડા મીંઢોળા નદીમાં ઉતારી એક પાછળ એક ગાડાને બાંધી સત્યાગ્રહીઓ પસાર થાય તેવો કામચલાઉ પુલ તૈયાર કર્યો હતો. કૂચે નદી પાર કરી નવસારી પ્રાંતમાં પ્રવેશ કર્યો. અહીં વડોદરા રાજય પ્રજામંડળ વતી ડૉ. સુમન્ત મહેતાએ ગાંધીજી અને સત્યાગ્રહીઓનું સ્વાગત કર્યું. ડાભેલ, કપ્લેથા વગેરે ગામના મુસ્લીમોએ પણ સ્વાગત કર્યું. કૂચ ધામણ ગામે પ્રવેશી ત્યાં ઘરે ઘરે ચરખા અને ખાદીનો પ્રચાર જોતા ગાંધીજી પ્રભાવિત થયા અને ધામણ ગામેથી 10 સત્યાગ્રહી બહેનોએ જોડાવાની ઈચ્છા વ્યકત કરતા ગાંધીજીએ કહ્યું કે, મેં ઘરે ઘરે આટલા ચરખા ક્યાંય જોયા નથી અને વધુ નવાઈની વાત તો એ છે કે આ નાનકડા ગામમાંથી પુરૂષો કરતા પણ વધુ સ્ત્રીઓ સ્વદેશી વિચારધારા અને આઝાદીની લડત માટે ઉત્સાહી છે.

મહારાજ સાહેબે ચાણક્ય નીતિનો પરિચય કરાવી રાજધર્મ નિભાવ્યો
દાંડીકૂચને લઈ અંગ્રેજો ગાંધીજી સામે પગલાં લેવા માટે કટીબદ્ધ હતા. એ વખતે અંગ્રેજો સાથે બરોડા સ્ટેટના ગાયકવાડી રાજા મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાથે પણ અંગ્રેજોએ કરારો કર્યા હોવાથી અંગ્રેજોએ તેમનો સંદેશો પાઠવી ગાંધીજીને દાંડીકૂચ કરતા અટકાવવા અને ધરપકડ કરવા સૂચના આપી હતી. એટલે મહારાજ સાહેબે ચાણક્ય નીતિ અપનાવી તેમના બે ખાસ દૂત એવા બરોડા સ્ટેટના ચીફ સેક્રેટરી રાજકુમાર કર્નલ શિવરાજ સિંગ અને હજુર પોલિટીકલ ઓફિસના વડા રાજરત્ન રામચંદ્ર કેશવરણ દીવેને ગાંધીજી પાસે સંદેશો લઈને મોકલ્યા હતા. તેમણે બરોડા સ્ટેટમાં શાંતિપૂર્ણ માહોલમાં દાંડીકૂચ કરવા અનુરોધ કરી અંગ્રેજોની નીતિથી વાકેફ કર્યા હતા.

ગાંધીજીએ તેમની વાત માન્ય રાખી દાંડીકૂચ કરી હતી. એ પછી જ્યારે ગાંધીજી સામે કાર્યવાહી નહીં કરાય તો તત્કાલિન ગર્વનર ઓફ બોમ્બેએ મહારાજા સયાજીરાવને કેમ કાર્યવાહી ન કરી એવો સવાલ કર્યો હતો. મહારાજા સયાજીરાવ ગાયકવાડે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે, હું સર્વસત્તાધિશ છું. બ્રિટીશ સરકાર સાથે માત્ર કરાર અન્વયે જોડાયેલો છું. તમારી સત્તા નીચે કામ કરતો નથી. હું રામરાજ્ય ચલાવુ છું. એમાં કોઈ કાયદાનું ઉલ્લંઘન કરે તો જ સજા કરાય પણ ગાંધીજીએ એવું કંઈ કર્યું નથી તો પગલાં લેવાની વાત જ નથી એવું સયાજીરાવે ગર્વનર ઓફ બોમ્બેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું. - બહાદુર શ્રીમંત જીતેન્દ્રસિંહ ગાયકવાડ, પ્રપૌત્ર, મહારાજા સયાજીરાવ ગાયકવાડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો